યાદગાર શે’ર-સૈફ પાલનપૂરી
મસ્ત યૌવન પછી આવ્યું આ ઘડપણ એવું,
જાણે કીધેલાં ગુનાહોની સજા રહી ગઈ.
જિંદગીથી છે જીવિત, મૃત્યુનો ભય,
મોતમાં ખુદ મોતનું અવસાન છે.
કોઈ વેરાનમાં જન્મેલો તમાશો થઈ જા,
તું જ પોતે તારા આંસુનો ખુલાસો થઈ જા.
સમજદારીની કોઈ વાત સ્વીકારી નથી શકતો,
કહે છે કોણ? પાગલને કોઈ બંધન નથી હોતા.
શે’ર મારા સલામ છે , પ્યારા,
આ તો તરસ્યાનાં જામ છે, પ્યારા.
ઓ જવાની! એ બધાં તારા હતા તોફાનો,
જીવ લેનારી હવે પરીક્ષા ક્યાં છે?
મિત્રો ને સ્નેહીઓ તો ઊંચકશે બસએક વખત,
ઊંચક્યો છે મેં તો મારો જનાજો અનેકવાર.
કોણે ઈશ્વરના હૃદય પર ઠેસ પહોંચાડી હશે,
કોણ સર્જન માટે કારણ પ્રેરણાનું થઈ ગયું?
ઈન્સાનછું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે,
સૂરજ ન પડે ઝાંખો, માટે અંધકાર બનીને રહેવું છે.