ડૉકટરની પ્રાર્થના..
એ મોટી વિડંબના છે ભગવાન,
કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી છે;
પણ એ મારું સદભાગ્ય પણ છે
કે લોકોની પીડા દૂર કરવાની
એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની
એક ઉત્તમ તક તેં મને આપી છે.
મારા પર આ તેં બહુ મોટી જવાબદારી મૂકી છે.
એ જવાબદારીનું હું ગંભીરતાપૂર્વક પાલન કરી શકું
એવી મને શક્તિ આપજે.
દરદીને હું , મારી આવડતની કસોટીનું સાધન ન ગણું
રોગ-સંશોધન કે પ્રયોગો માટેનું પ્રાણી ન ગણું
કેવળ પૈસા કમાવા માટેનું માધ્યમ ન ગણું
તેને સાજો કરવા સિવાય બીજો કોઈ ઉદ્દેશ ન રાખું
તેનો ઉપચાર કરતાં , તે શ્રીમંત છે કે ગરીબ એ લક્ષમાં ન લઉ
એવી મને સદબુદ્ધિ આપજે.
તેની બધી જ ફરિયાદો હું ચિત્ત દઈ ને સાંભળું
તેની સાથે તેની મનની તકલીફો પણ ધ્યાનમાં લઉં
નિદાન અને દવા ઉપરાંત
આશા અને આશ્વાશનના બે સ્નેહાળ શબ્દોની પણ
તેને ખૂબ જરૂર હોય છે એ ભૂલી ન જાઉં
તેની સાથે સંકળાયેલ સ્વજનોની સ્વભાવિક ચિંતા
અને તેની આર્થિક સ્થિતિનો પણ ખ્યાલ રાખું
એવી અનુકંપા, ધીરજ, ઉદારતા મને આપજે.
આ વ્યસાય પુણ્યનો છે,
પણ તેમાં લપસવાપણું ઘણું છે;
તેમાં હું મારી જાતને જાળવી રાખું
ગંભીરે નિર્ણય લેવાની કપરી ક્ષણ આવે ત્યારે
વ્યસાયિક જવાબદારી, મનુષ્ય તરીકેની નિષ્ઠા
અને દરદીના કુટુંબના વિશ્વાસુ મિત્ર તરીકેની ભૂમિકા વચ્ચે
સમતોલપણું જાળવી શકું
એવા મને વિવેક અને સ્થિરતા આપજે.
અને આ બધાયે વખત
સૌથી મહાન ઉપચારક સ્ત્રોત તારામાંથી જ વહી આવે છે
હું તો માત્ર નિમિત્ત છું-
એ હંમેશાં યાદ રાખી શકું, એવી મને શ્રદ્ધા આપજે.
-સૌજન્ય: પરમસમિપે