"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

માતા-પિતાની પ્રાર્થના..

2998

હું પ્રાર્થના કરું છું કે હું મારા બાળકને એની પોતાની જિંદગી જીવવા દઉં, મેં જીવવાની ઈચ્છા કરી હતી તેવી જિંદગી નહિ;અને એટલે જે કરવામાં મને નિષ્ફળતા મળી હતીતે કરવાનો બોજ તેના પર લાદવા સામે હે પ્રભુ મને સાવધ રાખજે.

તેણે જે લાંબો માર્ગ કાપવાનો છે તેને ખ્યાલમાં રાખીને હું તેનું આજનું ખોટું પગલું જોઈ શકું એ માટે મને સહાય કરજે પ્રભુ, અને એની ધીમી ગતિ માટે ધીરજ રાખવા જેટલી ઉદારતા મને આપજે.

એની ઉંમરનાં નાનાં નાનાં તોફાનો સામે ક્યારે હસી લેવું અને તેને જેનો ભય લાગે છે ને જેના પર તે કાબૂ મેળવી શકતો નથી તેવા આવેગો સામે ક્યારે સંરક્ષક દ્રઢતાથી કામ લેવું, તે જાણવા જેટલું ડહાપણ તું મને આપજે.

તેના ગુસ્સાભર્યા શબ્દોનો કોલાહલ ભેદીને કે તેના ગુમસૂમ મૌનની ખાઈ ઓળંગીને તેના હ્રદયની વ્યથા સાંભળવામાં મને સહાય કરજે. હે પ્રરમાત્મા! મને એ ઓદાર્ય આપજે, જેથી અમારા વચ્ચે એ ખાઈ હું હૂંફભરી સમજદારી વડે પૂરી દઈ શકું.

હું પ્રાર્થના કરું છું કે મારો અવાજ ઊંચો થઈ જાય તો તેણે કંઈક કર્યું હોય તે માટેના ગુસ્સાને લીધે નહિ, પણ તે જે છે તેના આનંદોલ્લાસને લીધે; જેથી રોજ રોજ તે પોતાની જાતમાં શ્રદ્ધા સાથે મોટો થતો રહે.

મને સહાય કર કે હું એને એવી ઉષ્માથી મારા હૃદય-સરસો ચાંપી શકું, જેથી બીજાઓ પ્રત્યે તેનામાં મૈત્રીભાવ પ્રગટે.

અને પછી મને ધૈર્ય આપ કે તેના માર્ગ પર તે મજબૂતીથી જઈ શકે તે માટે તેને મુક્ત કરું..
(પરમ સમીપે-એમ.બી ડરફીના લખાણ પરથી)

જૂન 12, 2009 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: