રહ્યું નથી..
મનને મનાવવાનું મનોબળ રહ્યું નહીં,
દિવસ થઈ જા રાત, હવે છળ રહ્યું નહીં.
તડકાની ચાંદની કે સમંદર હો રેતનો,
ધારી લે ગમતું રૂપ એ મૃગજળ રહ્યું નહીં.
ચોંકે છે ક્યાં હવાય ટપારે જો બારણું,
પહેલાંસમુ હ્ર્દય હવે વિહવળ રહ્યું નહીં.
ચાલો ફરીથી રણમાં અનુભવને પામવા,
મૃગજળને ગાળવાનું હતું છળ રહ્યું નહીં.
મારી જશે પછીથી મજા ઈન્તેજારની,
જ્યાં ઈન્તેજાર પણ હવે અટકળ રહ્યું નહીં.
એના નગરની જાહોજલાલી તો એ જ છે,
મારા નસીબમાં જ એ અંજળ રહ્યું નહીં.
મૂકી દીધા છે ‘મીર’ અમે ખુલ્લા બારણાં,
અંગૂઠે ઠેલવાનું હતું બળ રહ્યું નહીં.
-રશીદ મીર