"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

છેડછાડ-‘નાઝિર’દેખૈયા

32203-waterhouse_boreas_small

બિન્દુ ઝાકળનાં , ન કરજો કંઈ સુમનની છેડછાડ;
આંસુઓ  શીખી  જશે  કરતાં    નયનની   છેડછાડ.

ખૂબ  કીધી’તી  તમે   એના  જીવનની  છેડછાડ;
લાશને    ઢાંકો   હવે   છોડો    કફનની  છેડછાડ.

એ  વીતેલા  સહુ   પ્રસંગોની   મજા   લેવા ફરી;
મારે ખુદ  કરવી  પડી  મારા  જ મનની છેડછાડ.

કંટકોએ  વીફરી  પાલવ   ચીરી  નાખ્યો   તુરત;
મેં  હજુ  કીધી  જરા  એના   સુમનની  છેડછાડ.

એમની  આદત   મુજબ  ઠોકર   લગાવી  કબ્રને;
હું તો સમજ્યો’તો કે છૂટી પ્રિયજનની   છેડછાડ.

છે નજીવું  કિન્તુ  આકાંક્ષા તો ‘નાઝિર’જોઈલો ;
આજ રજકણ  જાય છે  કરવા ગગનની  છેડછાડ.

મે 20, 2009 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: