મનહર મોદી સાહેબના જાણીતા શે’ર..
દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું,
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું?
હમણાં જ આવશે એ, હમણાં પધારશે એ
મુજ નામઠામ તેઓ હમણાં પૂછી ગયાં છે.
હૃદય મારું માટીનું કૂંડું થયું છે,
ફૂલો જેમ એમાં કોઈની નજર છે.
સૂરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે.
હું નથી ને હું જ ખેચું ને વળી ખેંચાઉ છું,
શબ્દ મારા હાથ-પગ છે શબ્દ મારું જોર છે.
આપનું નામ આપ જાણો છો?
આપનું કામ આપ જાણો છો?
આંખમાં રંગ ઉડાડયો તો છે,
એનું પરિણામ આપ જણો છો?
મને ચાહ્યા કરે છે કોણ મારાથી અલગ રહીને?
મને તાક્યા કરે છે કોણ આવું આરસીમાંથી?
હું સતત વહેતો પ્રવાહી ખ્યાલ છું,
જો મને પકડી બતાવો તો ખરું?