ક્યાં બાંધી જનાર છું?
તકદીરનો છું માર્યો, સમયનો શિકાર છું,
અડધો ચમનમાં અડધો ચમનની બહાર છું.
જન્ન્તની આ બગાડ મજા જગમાં ઓ ખુદા,
એનો તો કર વિચાર કે ત્યાં આવનાર છું!
દુનિયામાં અન્ય જેમ તને પણ ખિતાબને,
કે’વાની શી જરૂર કે પરવરદિગાર છું.
ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવા,
જાણે કે એને પકડીને હું પી જનાર છું.
એ પણ હતો સમય ,હતાં મુજ પર દુ:ખો સવાર
આ પણ સમય છે, પોતે દુ:ખો પર સવાર છું.
થોડુંક ધન કુબેરો મને પણ મળે તો ઠીક,
હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું.
કંપી રહ્યું છે કેમ દુ:ખોનું જગત ‘જલન્’?
હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું?
-જલન માતરી