મિત્રાચારી હતી
જેણે જૌહર કર્યું સ્વપ્નના દુર્ગ પર એ બધી મારી ઈચ્છા કુંવારી હતી,
હું ય કેસરિયાં કરવાને નીકળ્યો અને મારા હાથે તો ફૂલની કટારી હતી.
એ વલોપાત પણ વિશ્વવ્યાપી હતો, જે વ્યથાઓ હતી એકધારી હતી,
મેં પ્રયત્નો કર્યા આગને ઠારવા,મારા આંસુએ જ્વાળા વધારી હતી.
જ્યાં વસ્યું’તું નગર-આજ ખંડેર છે, સર્વ રસ્તાઓ ઠોકર પર્યાય છે,
સૂર્યના સાત રંગો જ્યાં ડૂબી ગયા એ જ સદગત હવેલીની બારી હતી.
ભીંતને પણ નમસ્કાર કરવા પડે, એક ફોટાએ લટકી જીવવું પડે,
આટલાં ભવ્ય છે આભ-ધરતી છતાં, મારે પડછાયાની મિત્રચારી હતી.
એક બગડેલ ઘડિયાળની વારતા, એક સુમસામ પરસાળની વરતા,
જે રીતે જેટલી પળ અને જ્યાં મળી-જિંદગી એજ રીતે ગુજરી હતી.
-ભગવતીકુમાર શર્મા