તમારા શહેરમાં રહેવાની ફાવટ આવવા લાગી
(મનોજ ખંડેરિયા(૦૬-૦૭-૪૩-૨૭-૧૦-૨૦૦૩)
તમારા શહેરમાં રહેવાની ફાવટ આવવા લાગી,
દીવાનાના ઘેર સમજણની આહટ આવવા લાગી.
ખર્યું આંસુની માફક આંખથી સૈશવનું વિસ્મય તો,
નર્યું નીતર્યું નીરખવામાં રુકાવટ આવવા લાગી.
નિંરતર વધતી જાતી સાહ્યબી જોનાર શું જાણે,
સતત કેવી અમારા સ્વપ્નમાં ઘટ આવવા લાગી.
અતિથિ જેમ પહેલાં આવતી’તી વાર-તહેવારે,
પીડઓ આવવા લાગી તો લાગટ આવવા લાગી.
અષાઢી સાંજનું આકાશ ગૌરંભાયું જીવતરમાં,
તું જલ્દી બંધ કર બારી કે વાછટ આવવા લાગી.
ભરોસો ક્યાં સુધી કરશો સડેલા શ્બ્દ-કોશોનો,
બધી ભાષા ને આર્થોમાં બનાવટ આવવા લાગી.
-મનોજ ખંડેરિયા(૦૬-૦૭-૪૩-૨૭-૧૦-૨૦૦૩