જવું નથી
છોડીને દુનિયા સ્વર્ગને દ્વારે જવું નથી,
હોડી હઠે ચઢી છે કે કાંઠે જવું નથી.
થોડીક દૂરતાની જરૂરત છે પ્રેમમાં,
પામું ઉપેક્ષા એટલા પાસે જવું નથી.
ભય છે કે ક્યાંક મારું મને ઘર નહીં જડે,
નીકળ્યો છું ઘરથી પણ બહુ આઘે જવું નથી.
પગલાંથી છાપ તાજી પડેલી હશે છતાં,
આવ્યો છું જ્યાંથી ત્યાં ફરી મારે જવું નથી.
કેડી નવી, નવીજ દિશાઓ, નવું ગગન,
મારે ફરીથી એના એ રસ્તે જવું નથી.
દુ:ખો ઘણાં છે, કિન્તુ પલાયન નહીં કરું,
થાકીને મારે મૃત્યુંને શરણે જવું નથી.
મેડીએ બેસી યાદમાં ઝૂર્યા કરીશ હું,
વારેઘડીએ દોડી ઝરૂખે જવું નથી.
-ડૉ. ભગવતીકુમાર શર્મા