આંતરડી ઠરી
એક સાંજે હું ફરવા નીકળેલો. બજારમાં એક સ્ત્રી અને પુરૂશ પોતાનાં બે બચ્ચાઓ સાથે ભીખ માંગતા હતાં. કોઈ આપતું, કોઈ કહે ,’માફ કરો.
એના દેખાવ ઉપરથી લાગતું હતું કે આ માગણ(ભીખારી) નથી. મને થોડું જાણવાનું મન થયું. એમની પાસે જઈને મેં પૂછ્યું, ‘તમે ભીખ શું કામ માગો છો?’પેલો જણ કહે,’અમે માગણ નથી, મજુરી કરીએસ. ખાંભા પાંહે નેહડામાં રહીએસ. અમારી હારે બીજાં હતાં એ સૌ મોઢા આગળ નીકળી રાજકોટ ગયાં. અમે વાંહે રઈ ગ્યાં સંઈ. દી આથમી ગ્યો સે. આ નાના બસડાં(બચ્ચાં) અને અમે સૌ હવારના ભૂખ્યાં સઈ. પાંહે ખરચી નો રઈ. એટલે હાલતાં માણહ પાંહે ને બજારમાં માંગતા ફરી એ સંઈ..થોડુંક ખરચી જોગું થાય તો આ બસડાંના ને અમારા પેટમાં નાંખ એ.’
મને એની વાત સાચી લાગી. મેં કહ્યું, ‘ હાલો, મારી વાંહે વાંહે હાલો!’ તે સૌને એક દેશી હોટલમાં લઈ ગયો. હોટલના શેઠ મારા જાણીતા હતા. મેં તેમને બધી વાત કરી કહ્યું, આ સૌને ચા..અને ગાંથીયા આપો…
ગાંઠીયાના પૈસા હું આપીશ, ચાનું તમે લ્યો! શેઠ રાજી થી હા પાડી.
તે સૌ ગાંઠીયા, મરચા ખાંવા માંડ્યાં અને ચા પીવા લાગ્યાં. ખાતાં ખાતાં પેલો જણ સ્વભાવિક રીતે કહે, થોડીક જલેબી અપાવો તો હારું! કાલ દસેરાંનું પરબ ગયું. પણ અમે કોઈ એ સુખડું દીઠ્યું નોતું!’ એટલે મેં જલેબીનો ઑર્ડર આપ્યો.
ખાઈપી ને સહુ રાજીના રેડ થઈ ગયાં.પછી ઉપરથી શીખ(ભેટ)પણ આપીને મેં કહ્યું,’લ્યો આ રાજકોટ જાવાની ખરચી. હાંવને! એ બંને ગળગળાં થઈ ગયાં કહે,’અમારો કોઠો ટાઢો થ્યો સે! અમારી આંતરડી ઠરી,’
-અમૂલખ હસ્નાણી
સૌજન્ય: અખંડ આનંદ