"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક હાસ્ય હઝલ

funny_toons_81 
તું  અમસ્તું     બોલાવાનું     બંધ કર,
સાવ   કાચું   કાપવાનું         બંધ કર.

પોલ    તારી   એક   દિ    ખુલ્લી થશે,
ચિઠ્ઠીઓ     તું     ફેંકવાનું       બંધ  કર!

કેટલી    વીશી      વટાવી   છે ,   હવે,
મંકી    માફક       ઠેકવાનું     બંધ કર.

પેટ   તારૂં   છે   જરા   એ   તો   સમજ,
તું     મફતનું     ખાવાનું       બંધ  કર.

બસ, પ્રદુષણમાં   વધારો      કર નહીં,
રાગડાઓ     તાણવાનું         બંધ   કર.

જૂથ   બંધી    હે કવિ!       શોભે    નહીં,
ટાંટીયાઓ          ખેચવાનું    બંધ   કર.

હાથમાં “આશિત” છે સરનામું ગલત,
ઘર  ન   મળશે, શોધવાનું     બંધ કર!

માર્ચ 31, 2009 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

બંધકર

2859952575_d912621c9a
ના કશું પામીશ, ખાલી ભાગવાનું      બંધ કર,
વાતવાતે સાવ ઝીણું     કાંતવાનું       બંધ કર.

કૈંકનાં પાણી ઉતરતાં જોઈ લીધાં     છે    અહીં,
સાવ નાહક રોફ જ્યાં ત્યાં છાંટવાનું   બંધ કર.

હોય કૌવત તો કશું   નક્કર     કરી      દેખાડ તું,
ખાલી વાદળ જેમ ફોગટ     ગાજવાનું બંધ કર.

એમ ક્યાં પંડીત થવાતું હોય છે    પોઠા  પઢ્યે,
નામ રટવાનું શરૂ કર,   વાંચવાનું        બંધ કર.

ક્યાંસરળ છેએમ કંઈ’આશિત’ગઝલ આવે નહીં,
રાત આખી     ઝંખવાનું,     જાગવાનું     બંધ કર.

-આશિત હૈદરાબાદી

માર્ચ 30, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

શું જવાબ આપું?”

alg_snow

“રવિ, આજે તું મારા વતી સાંજની શીફ્ટ સંભાળી લઈશ? પ્લીઝ! “મનીષ, મેં કેટલા વખતથી મમ્મી-પપ્પાને ફોન નથી કર્યો અને આજ સાંજે એમને મારે ફોન કરવાનું પ્રોમીસ આપેલ છે તેઓ મારા ફોન ની રાહ જોશે, આજ માંડ થોડો ફ્રી છું,”  “રવિ, આજ સાંજે મારે રીટા સાથે Date છે, નહીં જાઉ તો  એ નારાજ થઈ જશે,,Pleas, only for today.”  રવિ આગ્રહને વશ થઈ ગયો, ના નપાડી શક્યો.” OK,have good time..say, ‘hello to Rita” રવિ અને મનીષ બન્ને સ્ટુડન્ટ વીસા પર હતાં અને લોયોલા જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાં બીઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર કરી રહ્યાં હતાં.રવિ  એકનો એક સંતાન હતો. મા-પિતા બન્ને અમદાવાદમાં હતાં, મધ્યમ કક્ષાનું ફેમીલી, ઉમેશ અને ઉષાબેન બન્ને શિક્ષક હતાં. એમનું સ્વપ્ન બસ દીકરાને ગમે તે રીતે અમેરિકા મોકલવો.બન્ને પતિ-પત્નિએ ટ્યુશન કરી પૈસા બચાવ્યા અને રવિને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા મોકલ્યો.રવિ પણ એટલોજ હોશિંયાર હતો.મા-બાપની આર્થિક પરિસ્થિતીનો ખ્યાલ  હતો એથી બને ત્યાં સુધી પિતા પાસે થી કોઈ આર્થિક મદદ માંગતો નહીં. કેમ્પર્સમા પાર્ટ-ટાઈમ જોબ કરે..સમર ટાઈમમાં ફુલ ટાઈમ જોબ કરી પૈસા કમાઈ લે જેથી ટુશન( કોલેજની ફી)ના તેમજ એપાર્ટમેન્ટ રેન્ટ,ખાધા ખોરાકીનો ખર્ચ નીકળી જાય..એપાર્ટમ્નેટમાં પણ રવિ સાથે બીજા ત્રણ સ્ટુડન્ટસ રહેતાં હતાં જેથી ખર્ચે ઓછો આવે.

                      ડીસેમ્બર એટલે કડકડતી ઠંડી…બરફના ઢગલાં અને સુસવાટો મીશીગન લેઈક પર થી આવતો પવન કાળજા ચીરી નાંખે!ગમે તેટલાં ગરમ કપડાં પહેરો પણ એ ચીકાગોની ઠંડી! ભલભલાને ધ્રુજાવી નાંખે! આગલાં દિવસે છ ઈન્ચ સ્નો પડી ગયો હતો..બહાર માઈનસ ૨૦ ડીગ્રી ટેમ્પરેચર હતું. સાંજના ૮ વાગ્યા હશે,હેવી જેકેટ, મફલર અને સ્નો-શુઝ પહેરી એપાર્ટ-મેન્ટની બહાર નીકળ્યો.કાર સ્ટાર્ટ કરવા ગયો પણ  સ્ટાર્ટ ન થઈ!
“બેટરી ડેડ  થઈ હશે? હવે શું કરીશ? જોબ પર ૯ વાગે પહોંચવાનું છે, સ્ટોર પર મારે Larry ને રીલીવ કરવાનો છે,” ત્યાંજ એપાર્ટમેન્ટમાંથી માઈક નીકળ્યો.
“May I help you?” “sure,” “can you give a jump to my car?” “sure..”કહી માઈકે બેટરી કેબલ કાઢી જમ્પ આપ્યો, કાર સ્ટાર્ટ થઈ ગઈ. :Thank you Mike”..You, welcome.. રવિની કાર સ્ટોર પર જવા નીકળી પડી..

                      રાત્રે બે વાગે ફોનની રીંગ વાગી, મનીષ હજુ રાત્રે ૧૨ વાગેજ એપાર્ટમેન્ટમાં પાછો ફર્યો હતો..ફોન માંડ માંડ ઉપાડ્યો..સામેથી પોલીસનો અવાજ હતો..Ravi has been shot and he is dead!..Oh! my God! મનીષ બે -બાકળો થઈ ગયો  અને થોડીજ વારમાં ફોન રણક્યો…રવિ છે? કોણ મનીષ? મને ખબર છે રાતના ત્યાં અઢીવાગ્યાં છે પણ રવિએ કીધું હતુ કે એ આજે ફોન કરવાનો છે..અને ન આવ્યો એટલે મેં ફોન કર્યો..અમદાવાદ્થી રવિના પિતાનો ફોન હતો..”શું જવાબ આપું?”

માર્ચ 29, 2009 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

રડતા નહીં મારા મિત્રો..

stairway1 

(*શીખ માતાપિતાની પુત્રી ગીતાંજલી ૧૬ વર્ષની વયે કેન્સરમાં મૃત્યું પામી. કેન્સર થયા બાદ અંગ્રેજી ભાષામાં રચાયેલા કાવ્યો તેની ઈચ્છા મુજબ તેના મૃત્યું બાદ પ્રગટ કરવામાં આવ્યા. )અનુવાદ-નલિન રાવળ-Courtesy-“Parab”

હું જ્યારે શ્વેત વસ્ત્રોમાં લપેટાઈ
શાંતીથી પોઢી હોઉં ત્યારે રડતા નહીં-
મને એ રીતે વિદાઈ ન આપતા.
મારી અંતીમ યાત્રાએ જવા
હું શાંતીથી પોઢી હોઉં ત્યારે અશ્રુભીના ફૂલના હાર
મારા પર મૂકશો નહી.
પ્રાર્થનામાં જોડાશો
મારા આત્માની શાંતી અર્થે  મને એની જરૂર છે
તમે હાથ જોડી ઈશ્વરનો આભાર માનશો એમણે દાખવેલ દયા  અર્થે
એજ મને ગમશે.
તમને આનંદ ન થવો જોઈ એ કે તમે જેને
ચાહતા હતા તે અંતે દુ:ખમુક્ત થયું.
દરેક હૈયાને એનું દુ:ખ છે
પણ તમે જો હિંમત ગુમવાશે
તો બધું વૃથા નિવડશે.
આપણે સૌને ભોગવવાનું છે.
જેમ  ધરતીને તડકો અને વર્ષાની જરૂર છે
તેમ આપણા આત્માને સુખ, દુ:ખ અને
વેદનાની જરૂર છે.
મારાં અસ્થિફૂલ વહી જશે
નદીના વહેણમાં
અને તમે ઊંચે જોશો તો
મેં વહાવેલાં આસું થી બંધાયેલું  મેઘધનુ.
 

માર્ચ 28, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

એક દીકરીએ અમને રાહ બાતાવ્યો..

fce88e902771fe7e2c4077f6e67cda2a 

મારી પુત્રી સોનલના અવસાન પછી અમે તેને ગમતી પ્રવૃતીઓ  કરવા વિચારી રહ્યાં હતાં. તે તો એક આધ્યાત્મિક જીવ હતી. બહેનોને પગભર કરવાનું તે હંમેશા અમને કહ્યાં કરતી. આપણાં સમાજમાં બહેનોનું સ્થાન છે તેનાથી તેને દુ:ખ થતું.
                  અમે સીવણકલાસ શરૂ કરવા વિચારતાં હતાં પરંતુ કોઈ દિશાની સુઝ ન હતી. પરંતુ ઈશ્વરને તે અમારી પાસે કરાવવું હશે જેથી એક પ્રસંગ બન્યો.
                  એક ૨૦-૨૨ વર્ષની દિકરી કેસ લઈને મારી રૂમમાં દાખલ થઈ. તપાસ કરી તો તેને પેટનો સખત દુખાવો હતો.તેને સમજાવી કે નસમાં ઈન્જેકશન આપવાથી તુરત મટી જશે. દીકરીએ ના પાડી. હું  તેનો અર્થ સમજી ગયો કે તેની પાસે પૈસા નથી. મેં સમજાવી કે દીકરી પૈસાની ચિંતા ન કર. દવા પણ તને અહીંથી આપીશું.
                  દીકરી રડી પડી. પૂછ્યું,’બેટા કેમ રડે છે? તું કોની દીકરી ? તેની આપવીતી તેણે કહી:
                  ‘સાહેબ, મારા વાંક-ગુના વિના મારા પતિએ મને હડસેલી મૂકી.તેને બીજી છોકરી સાથે સંબંધ હતો એટલે મને તરછોડી દીધી.મારા બાપુને હું અહીં આવતી  રહી તે ગમ્યું નથી. પરંતુ સાહેબ, હું શું કરૂં? મને એમ થાય છે કે બસમાં બેસી ક્યાંક જતી રહું. મારું ભાગ્ય જ્યાં લઈ જશે ત્યાં.’
                  દીકરીને આશ્વાસન આપ્યું. સમજાવી કે અમે સીવણ કલાસ શરૂ કરવાના છીએ. તું શીવણ શીખીશ એટલે તને સંચો અપાવીશું તો તું પગભર થઈ શકીશ. દીકરી સહમત થઈ.
                  બીજે દિવસે અમે તેના લત્તામાં ગયાં. અમસ્તા પણ અમે મહિનામાં એક્-બેવારતો જતા જ હતા. લત્તામાં સૌને મળી સીવણ કલાસની વાત કરી. ચાર બહેનો તૈયાર થઈ. એક બહેને એમ.ટી.સી.ડબ્લ્યુ કરેલું એટલે તે શીખવવા તૈયાર થઈ.
                  અમારા ડ્રૉઈંગ રૂમમાં કલાસીઝ શરૂ કર્યા. ત્રણેક અઠવાડિયાં  થયા હશે અને સમાજકલ્યાણ અધિકારી મુલાકાતે આવ્યા. તેમને અમારા કલાસ ગમી ગયા. તુરત જ ત્રણ મશીન મંજૂર કર્યા. તેમાં ખૂટતા અમે ઉમેરી દીધા. ગામમાં વાત ફેલાઈ કે બહેન તો સીવણ શીખતી બહેનોને મશીન આપે છે.
                  દિવસે દિવસે બહેનોની સંખ્યા વધવા લાગી. ૧૦૦ બહેનોથી કદી સંખ્યા ઘટતી નથી. અત્યાર સુધીમાં દરજીને આવડે તેટલું ૨૦૦૦ બહેનો સીવણ શીખીને ગઈ છે.
                  દીકરીને મશીન મળી ગયું. તેણે ૬ ધોરણ અભ્યાસ કરેલો. ટ્યુશનો રાખી તેણે  મેટ્રીક પાસ કરી. આંગણવાડીમાં દાખલ થઈ.
                  આજે તે આંગણવાડીમાં નોકરી કરે છે. સાથે સાથે તે સિલાઈકામ પણ કરે છે.કવિતાઓ પણ લખે છે
                             જીવનને નવો મોડ મળ્યો એટલે તેને સંતોષ છે.
                  તે અમારા સીવણક્લાસ શરૂ કરવામાં નિમિત્ત બની.
(ધરતીનું હીર-ડૉકટરની ડાયરી-ડૉ.પ્રફુલ્લ શાહ)

માર્ચ 27, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

માણસ-જયંત પાઠક

 sad_man

રમતાં  રમતાં  લડી  પડે  ભૈ,   માણસ છે;
હસતાં  હસતાં    રડી પડે  ભૈ,   માણસ છે.

પહાડથીયે   કઠ્ઠણ   મક્કમ        માણસ છે; 
દડદડ દડદડ દડી પડે ભૈ,      માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપ ચપ     માણસ છે;
ને    બે ડગલે ખડી પડે  ભૈ,      માણસ છે.

સૂર્યવંશી   પ્રતાપ  એનો ,        માણસ છે;
ભરબપોરે  ઢળી પડે  ભૈ             માણસ છે.

પૂજવા ઝટ થયા  પાળિયા,      માણસ છે;
ટાણે  ખોટ્યું પડી, પડે ભૈ,          માણસ છે.

માર્ચ 26, 2009 Posted by | મને ગમતી કવિતા | 2 ટિપ્પણીઓ

ગમતા શે’ર

3ladieskate 
તેર-સો કૂવા છતાં તરવાડીઓ તરસ્યે  મૂઆ,
એ હું વંશજ, તૃપ્તિની રાખું કદી ના  કામના.

ફેર શું સાહેબ, બોલો,   એમની    વચ્ચે   હશે ?
બા કરે ચિંતા ને બીજા ગાય છે ગુણ રામના.

દુ:ખો   ભલેને   આવતાં     આવે    ભલે      હજી,
છે નાનું ઘર પણ ભાંડુઓ સચવાઈ  જવાના.

હંમેશા પંખી  પાસે ઝાડ એવી એષણા     રાખે,
ભલે નભમાં ઊડે પણ ડાળ ડાળે બેસણા રાખે.

ફળે       કોઈ      આશા    ઘણાં       દુ:ખ    વચ્ચે,
અહીં     માવઠું      ચૈત્રમાં    પણ        પડ્યું    છે.

-મનોહર  ત્રિવેદી

માર્ચ 25, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

પીળું પાંદડું-લઘુકથા

3243314000_b6c96dbdf9

ખેતરમાં મજૂરીએ ગયેલા  શામજી ડોસા જમીનમાં એક પછી  એક પછી એક એમ કોદાળીના ઘા કર્યે જાય છે. જેમ જેમ પુત્રની યાદ આવતી જાય છે તેમ તેમ કોદાળીના ઘા જમીનમાં ઊડે ને ઊડે ખૂંપતા જાય છે. પુત્ર આજે ડોસાને   રોજ કરતાં, કોણ જાણે કેમ, વધુ ને વધુ યાદ આવતો હતો. પર-દેશ ગયેલો પુત્ર પોતાને યાદ કરતો હશે કે કેમ? ત્યાં કેટલા વાગ્યા હશે?- ડોસાને એ વિચારે હાંફ ચડી ગયો. બાજુમાં જ ઊભેલા લીમડાના થડને ટેકે દઈ ડોસા થોડુંક બેસવા તો ગયા પણ ફસડાઈ પડ્યા. એટલામાં ઝાડ પરથી એક પીળું પાંદડું ખરીને નીચે પડ્યું…

-પીયુષ એમ ચાવડા

માર્ચ 24, 2009 Posted by | ટુંકીવાર્તા | 4 ટિપ્પણીઓ

પ્રેમ-ચંદ્રકાંત બક્ષી

 Love

પ્રેમ શું છે અને મૈત્રી શું છે, એવા પ્રશ્નો આપણે ભાગ્યે જ આપણી જાતને પૂછ્યા છે, પણ શરીરમાં બે ફેફસાં છે એમ માણસની જિંદગીમાં પ્રેમ અને દોસ્તી છે.

દરેક  પ્રેમની એક જ ભાષા હોય છે:’પ્રમાણિક જૂઠ’

લવ કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઉર્દુની ઈશ્કિયા શાયરી કામ આવતી નથી.પાનવાળાની દુકાને ઉભા રહીને આદમકદ આયનામાં જોઈને વાળ ઓળતા ગોરાચિટ્ટા સુંવાળા નવરાઓ માટે ઉર્દુના શેર ચરકતા રહેવું ઠીક છે, બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડા મર્દ બનવું પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ કરે પણ સામાન્ય દ્વિપગી જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણ ગાવું, ગુનગુનાવું ચાલું રાખે તો સમજવું કે એ રોમાંસિત અવસ્થામાં છે. આજકાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદાયક ચીસો પાડવી પડે છે. પ્રેમ એ સરકસના અંગ કસરતના ખેલ કરવા જેવા એક કઠીન વ્યાયામ બની ગયો છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્કૃત શબ્દકોશોમાં ‘પ્રેમનું’ રૂપે અપાયો છે.

સ્ત્રીનો પ્રેમ આત્મામાંથી ફાડીને ઈન્દ્રયોમાં પ્રસરતો હોય છે.પુરૂષનો પ્રેમ ઈન્દ્રિયોમાંથી ફાટે છે અને આત્મા તરફ વહેતો હોય છે અને ઘણીવાર એ  આત્માસુધી પહોંચી શકતો નથી.

માર્ચ 23, 2009 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

રાહ જોઈને બેઠા?

krishna_3
રાહ જોઈને બેઠા?

અહલ્યાની જેમ
     પથ્થર બની?
    કે
ભોળી શબરી બની?

એવી ધીરજ  ક્યાં?
વરદાન ક્યાં?..

હવે આજે એવા રામ ક્યાં?

રીઝાવે ઘનશ્યામને,

એવી આજ રાધા ક્યાં?

માર્ચ 20, 2009 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

ટહુકામાં જાગે ભોર-ઉશના

 weaverofdreams

ગાઢ  આંધારું  ભલે ને ચોરતરફ   ઘનઘોર   છે,
પાતળી  એને  હજુ પણ એક   રૂપેરી     કોર છે.

નાવમાં  ડૂબે નદી ને  માછલી  દરિયો     ગળે,
અજબ  એના ઢંગ છે ને અજબ   એનો તોર  છે.

લેખ    પર   મેખ  મારી  દઉં,પરંતુ  શું    કરું?
હાથમાં  એના    જ   મારા કનવાની   દોર છે.

હાથ  દોસ્તીનો   લંબાવે   તો   જરા   સંભાળજે,
આ નગરના  લોકોને તો તીક્ષણ    લાંબા ન્હોર છે.

બાગમાં ફરજે  ભલે, પણ  ફૂલને    અડતો    નહીં.
ફૂલ  એના  બાગનાં,   કહેવાય છે, ચિત્તચોર છે.

ક્યાં   નડે છે   કાળનાં કામણ-ટૂમણ   એને   ભલા?
આંખમાં    જેની    ઊગે  એકસાથ  આઠે  પ્હોર   છે.

એ જ    તો મારી    ગઝલનો  સૌથી સુંદર શે’ર છે,
મોરના     ટહુકામાં, જેમાં,  જાગતીએ આ ભોર છે.
 

 

માર્ચ 19, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

શિસ્ત

pdentry

૧૯૬૭ની સાલ હતી.’મોહિનાબા’માં એક વિજ્ઞાન-ગણિત માટેના શિક્ષકની જગ્યા પડી. જાહેરાત  અપાઈ. અરજીઓ આવી. બાર ઉમેદવારો હતા. સાંજે ચાર વાગ્યાથી ‘ઈન્ટરવ્યૂં ‘લેવાનું શરૂ કર્યું.’ઈન્ટરવ્યૂ સમિતિમાં શેઠશ્રી શ્રેણિકભાઈ અને એમનાં પત્ની પન્નાબહેન પણ હતાં.ઈન્ટરવ્યૂં લેવાતા ગયા અને દરેક ઉમેદવારના ગુણાંક પાંચ સભ્યોનાં મુલવણી પત્રોમાં નોંધાતા ગયા.

                 છ વાગ્યાનો સમય થયો હતો; ત્યાં શ્રેણિકભાઈ ઘડિયાળમાં જોઈ બોલ્યા, ‘હવે મારે અને પન્નાએ જવું પડશે.’ મેં કહ્યું,’સાહેબ, હવે ત્રણ જ ઉમેદવાર છે. અડધા કલાકથી વધુ સમય નહીં લાગે. એમણે જણાવ્યું ,’હવે તમે ત્રણ સભ્યો બાકીના ઈનટરવ્યૂં લઈ ગુણાંક મૂકજો. કાલે બારમાંથી એક પસંદ કરીશું.’ મેં વિવેક પૂર્વક એમની ઉપસ્થિતિનો આગ્રહ રાખ્યો. પ્રત્યુતર મળ્યો,’દોલતભાઈ, અમારા સમગ્ર પરિવારનાં બધાં સાત વાગ્યા પહેલાં સાથી બેસી સાંજનું જમણ કરીએ છીએ.સાડા-છના સમયે તો ઘેર પહોંચવું  જોઈ એ. નહીં તો પપ્પાજી(શેઠ કસ્તુરભાઈ લાલજીભાઈ) પૂછશે,’શ્રેણિક, કેમ મોડું થયું?’ મારે તો નીચે જોવાનું થાય!’

                 ત્યાં સુધી મને ખબર ન હતી કે કરોડોનો વહિવટ કરનાર શ્રેણિકભાઈને ‘કેમ મોડું થયું?’ પૂછનાર હશે! પિસ્તાળીસ જેટલી વયના સુપુત્રનો એમના પિતા પ્રત્યે આદર જોઈ હું મુગ્ધ થયો! ‘શિસ્ત’ના આગ્રહી વંદનીય પિતા કસ્તુરભાઈ અને ‘શિસ્ત’નું પાલન કરતાં આજ્ઞાંકિત સુપુત્ર શ્રેણિકભાઈ, બન્ને પ્રતિના પરમ આદરભાવથી મારું મન છલોછલ ભરાઈ ગયું.

(‘મને સાંભરે રે’)-દોલતરાય મોરારજીભાઈ દેસાઈ)

માર્ચ 18, 2009 Posted by | ગમતી વાતો | 1 ટીકા

ભારતીય સંસ્કૃતી..

hindu_god-1024-09

પાપી,દુર્ગુણી,દુરાચારી પતિઓની સેવા   પણ ભારતીય સ્ત્રી કરતી હોય છે. એકવાર જેમની સાથે ગાંઠ બંધાઈ હોયછે તે છોડવાની કઈ રીતે! કેટલીક જાતીઓમાં છેડો ફાડવાની પ્રથા હોય છે. પણ છેડો ફાડવો કંઈ સંસ્કારિતાનું લક્ષણ ગણાતું નથી… પતિ ખરાબ વૃતીવાળો હોય તોપણ કંઈ એને છોડી ઓછો દેવાય? એકવાર એને મેં  મારો કહ્યો છે.પોતીકાપણાનો નાતો એ પારસમણી છે…અ ઘર હું મારા પતિ માટે અને મારાં બાળકો માટે પ્રેમથી ભરેલું રાખીશ. ભારતીય સ્ત્રીની આ દ્રસ્ટી છે… ભારતી સંસ્કૃતીમાં એક એવી કથા છે કે માંડવ્ય ઋષિને  એમની પત્ની વેશ્યા પાસે જાય છે.આ આદર્શની પરાકાષ્ઠા છે. આ ત્યાગની, આ ધેર્યની કલ્પના પણ ન કરી શકાય…પરંતુ આદર્શની હું કલ્પના કરી શકતો નથી,ભારતીય સતીનો આદર્શ દૂબળો ન હોવો જોઈએ એમ મને લાગે છે..પતિની સાથે જ ચઢીશ અથવા પડીશ, જ્યાં પતિ ત્યાં હું. જ્યાં એની ઈચ્છા હોય ત્યાં હું.  આ આદર્શ  સામે મારી આંખો મીચાઈ જાય છે. મને તમ્મર આવે છે!…ભારતીય સ્ત્રીઓના વ્રતમાંથી નબળાઈ દૂર થઈને પ્રખરતા આવે , તે જ પ્રમાણે એમની પ્રેમવૃતીમાં વિશાળતા આવે એ હું ઈચ્છું છું.

-સાને ગુરૂજી(અનુ. સંજય ભાવે)

માર્ચ 17, 2009 Posted by | ટુંકીવાર્તા | 1 ટીકા

મિલેનિયમવાચક પ્રશ્ન

 dustin-village-woman
ચાંદ-તારા  આભનું એ  દ્રશ્ય મનહર    ક્યાં ગયું?
રે  બિલોરી  આંખનું  સપના સરોવર     ક્યાં  ગયું?

છમ્મલીલી ડાળખી મૂકી ઊડ્યું…   પંખી  ઊડ્યું..
ખાલીપાનો  ભાર આપી   જિંદગીભર,  ક્યાં ગયું?

પોપણાંની  જેમ   સૌ એ  ખીલતાં’તાં     સાંજના
આપણી   વચ્ચે  હતું એ   આપણું ઘર ક્યાં  ગયું?

ખૂબ  ચાલ્યાં   ઢાળ-ઢોળાવે          ઉઝરડાતાં   રહી
હાથ આવેલું અરે સ્વપ્નિલ શિખર-સર ક્યાં ગયું?

હોય  છે  ઈશ્વર બધે  હે દોસ્ત,ચાલો   માનું      પણ
શ્વાસમાં  હો મ્હેક   જેની  એવું    અંતર     ક્યાં ગયું?

-યોસેફ મેકવાન

માર્ચ 16, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

દરિયાપારના સર્જક-અશરફ ડબાવાલા

 punjabadepiction

વાંચો  જલ્દી જલ્દી   વાંચો    અંદરથી એક કાગળ  આવ્યો ,
નહિ પરબિડયું, નહિ સરનામું, તોયે ટપાલી ફળિયે લાવ્યો.

અંતરથી   કાગળમાં   લખતા  હશો, મજામાં   અશરફજી ;
દુ:ખી   હોવ તો   સમરી લેજો    રામ,ભરત ને દશરથજી;
પોતપોતાની    રીતે    સૌએ    જન્મારા    જળમાં વાવ્યો.
                                                                        …….વાંચો.

સંપેતરું    મોકલશું   તમને  મળે    જો     સારો   સથવારો;
કાં   શબ્દોના    આંગડિયાથી    પૂગતો    કરશું    અણસારો; 
ભલે   સ્મરણનો   પોપટ    આપે ઉજાગરાને  પીંજર  પાળ્યો.  
                                                                           ……..વાંચો.

અહીં  બધાંને   ચિંતા   થાતી   વ્હાલ  થયું   કા વેરણ છેરણ?  
વળતી   ટપાલે   ઝટ લખજો કે લેખ ભૂંસ્યા કે ભાંગી   લેખણ?
હિંમત  થોડી રાખો   છોને    રાગ   નહિ   ને   રણકો       ફાવ્યો.
                                                                             ………વાંચો.

-ડૉ.અશરફ ડબાવાલા

માર્ચ 13, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

દરિયાપારના સર્જક-મધુમતી મહેતા

y1pt2xxanfco4zjbrjuj3hmjtv9n3obu2zblxidtuojka4vnuej4fwepo7q9hf5jmiq 
આમ   કોરી  જિંદગી   ને આમ ઘેરા ઘાવ અઢળક,
લાગણી   એમાં ઉમેરી લે  હવે   તડપાવ  અઢળક.

હું  અચાનક   એક   ઘાએ લાગમાં આવી  ગઈ છું,
એમ તો એણે ઘડ્યા’તા  પેંતરા ને ઘાવ  અઢળક.

પર્ણમાં ના શોધજો  એ   છે   છુપાયો મૂળ  ભીતર,
ના મળે માગ્યો મળી  જાશે  હશે  જો ભાવ અઢળક.

છાપરું  કે  છત  કે  છાયો  પણ રહ્યો ના આંગણમાં,
જ્યાં  ફ્ર્યો  પાછો  સુણાવી  ગામને   રાવ  અઢળક.

ડૂબવું મારું તો નક્કી  છે  જ   અહીં  મઝધારમાં તો,
દે  હવે   હોડી  હલેસાં ને   પછી    હંકાવ  અઢળક.

-વ્યસાયે ડૉકટર, હ્ર્દયથી કવિયત્રી, મનથી આધ્યાત્મિક
ઉપરાંત મધુર ગાયિકા પણ છે.તેમના સર્જનમાં મનનું ઊંડાણ,
જીવનની ખાલીખમ આવન-જાવન અને રામનો ભરોસો કાવ્ય
સ્વરૂપે સ્ત્રીસહજ  નાજુકતા લઈને આવે છે.
 ,

માર્ચ 12, 2009 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

એક ગઝલ-મનહર મોદી

25shakhi

હું  પડ્યો  સૂરજ  પડ્યો   ઘોડો  પડ્યો,
આભથી   અંધારનો   ઓળો     પડ્યો.

જે   દટાયો  તે    પછી   ઊભો   થયો,
ને પછી  નીકળી   જવાયું  તો  પડ્યો.

એ   બિચારો શું    કહે  પોતાના વિશે,
જે   અહીં    થોડો  ઊભો  થોડો  પડ્યો.

એક   દુનિયા    આંખ  ઓળંગે   નહીં,
તે   અમારે   શિર  ઘણો બોજો પડ્યો.

એ   હકીકત    છે અને   લાચાર   છું,
હું   સમયસર છું   છતાં  મોડો પડ્યો.

માર્ચ 11, 2009 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

હ્યુસ્ટનની પ્રજામાં..હોળીનો અનેરો ઉત્સાહ

100_1116100_1124

100_1128100_1126

હ્યુસ્ટનમાં માર્ચની,૮મીને રવિવારે,ઑસ્ટર-પાર્ક(સુગરલેન્ડ)માં ૮૦૦૦થી પણ વધારે  ભારતીય તેમજ અમેરિકન સૌ સાથે મળી આપણી ‘હોળી’નો ઉત્સવ ગુલાબી ગુલાલ, ભારતીય નૃત્ય, વિવિધ મનોરંજન સાથે ભવ્ય રીતે ઉજવી આપણી ભારતીય સંસ્કૃતીને જવલંત રાખી છે. આ કાર્યક્રમનું આયોજન,,”મ્યુઝીક મસાલા ” “ગુજરાતી સમાજ”, “ઈન્ડીયા કલચર એસો.” , “સૌ સાથે મળી  કરેલ એ પણ આપણી એકતા બતાવે છે.આ કાર્યક્રમમાં ભારતીય કાઉન્સીલ જનરલ, શ્રી વિજય અરોરા, તેમજ હ્યુસ્ટ્નના સક્રીય કાર્યકરો ,
 જૉન અબ્રાહમ, મેથ્યુ, સોનલ ભુચર વગેરે હાજરી આપેલ. સુનીલ ઠક્કરે આ કાર્યક્રમનું સુંદર રીતે આયોજન કરેલ.

લોકોનો ઉત્સાહ અનેરો હતો, બાળકો વિવધ પ્રકારના ભારતીય નૃત્ય કરી લોકોને પ્રભાવિત કરેલ, યુવાન પેઢી  પરદેશમાં રહી આપણી સંસ્ક્રુતીને જ્વલંત રાખે એ ઘણાંજ ગૌરવની વાત છે.હોળી લગભગ ૨ વાગે પ્રગટી,સૌ દર્શન-અભીલાષીઓ એ નાળીયેર, ધાણી હોમી, સૌ યુવાન-યુવતીમાં અનેરો ઉત્સાહ,ગુલાબી રંગથી રંગાયેલ ચહેરાઓમાં અનેરો આનંદ  જોવા મળ્યો.આપણી સંસ્કૃતી આવીજ રીતે પરદેશમાં કાયમી ટકી રહે એજ શુભ ભાવના.

માર્ચ 10, 2009 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

આશીર્વાદ

 blessing

દીવો અગરબત્તી કરી
રામાયણ વાંચતી
બા,
રોજ સવારે પ્રાર્થના કરતી.
હે! કરુણાનિધિ !
તમારા વનવાસનો પડછાયો
કદી મારા દીકરા પર  ન પડે
સાચા હ્રદયથી
થયેલ પ્રાર્થના રામે સાંભળી!
નહીંતર આટલું લાંબુ જીવન
પરદેશમાં
હું કઈ રીતે જાવી શ્ક્યો હોત!

-પ્રીતમ લખલાણી

માર્ચ 9, 2009 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

સ્વપ્ન !

stairway_dreams

સ્વપ્ન
પીગળી પથ્થર બને,
રાતના  રાંડે,
દિવસે પરણી પછી,કન્યાની કાંધે,
રડી,રડી..જોરથી હસે  હા! હા!
પણ
પેલો સૂરજ નદીને નવરાવે,
પર્વત ઉભો, ઉભો  ગભરાય!
આવુંજ કાંઈ
બકરીનું બચ્ચું બે બે કરી ગામને ભાંડે!
ને વળી
ડોસો-ડોસી દોટ મૂકી
છાવણીમાં ભાગે!
તો વળી
રાતના ભાગેલી  છોરી
દિવસે દેખાઈ નહી
કોણ જાણે કેમ્?
સ્વપ્નમાંજ સીવાઈ ગઈ!

માર્ચ 6, 2009 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

%d bloggers like this: