મહેંકતા મુક્તક!
કોણ કહે છે , જીવવા જેવું નથી,
ફૂલ સરખું ખીલવા જેવું નથી;
ઝળહળી જો,અન્ય કાજે એક પળ-
લાગશે કે બૂઝવા જેવું નથી.
કંઈ કેટલાયે જણને હિસાબ આપવાના,
ત્યારે જ લોક નાનો ખિતાબઆપવાના,
ભીતર કવિપણાને મંજૂર ક્યાં કશું છે?
મિત્રો ગણગણીને ગુલાબ આપવાના !
જિંદગી પણ સાવ ઝાકળ હોય છે,
ફૂલ પરનો ભાર આખર હોય છે,
અણ બનાવો કે બનાવો રોજના
કોઈ કડવા કોઈ સાકર હોય છે.
કેવો છે આસપાસનો આકાર, પાનખર હશે,
વિચાર પણ ખરી પડે નિતાંત, પાનખર હશે,
લગાર એક પણ લીલવું સપનું અડ્યું જો આંખને-
કહે છે કે ઝેર આંખનું ઉતાર, પાનખર હશે!
‘બારમાસી’-ગુણવંત ઉપાધ્યાય