મારી ફળીનાં ઝાડવાં બે..
મારી ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો
એક કહે: હદ થઇ હવે, નહીં ભાંડુવિજોગ ખમાતો.
ચાલને, અહીંથી ચાલતાં થાયેં
આઘાં આઘાં વનમાં જાયેં
બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારો
આવી ઓચિંતાના ચલવે આપણા પર કુહાડાના માર:
જો કે મરવું કોઇ ન ટાળે
તોય મરવું શીદ-અકાળે ?
પહેલું કહે: અહીં દન ખુટે તો પછી ન ખુટે રાત
અહીં અટૂલું એકલું લાગે, તહી તો આપણી નાત !
ચાલને આપણે ચાલતાં થાયેં
આઘાં આઘાં વનમાં જાયેં
બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં
એમને ક્યારે આપીશું આપણાં ફળ ને આપણી છાયાં ?
હું તો કહું : અહીં રોકાઈ જાયેં
એના ચુલાનાં ઈંધણાં થાયેં.
-દુલાભાઈ ‘કાગ’
(૧૯૦૨-૧૯૭૭)
ચાલને, અહીંથી ચાલતા થાયેં આઘા આઘા વનમાં જાયેં. સરસ ક્રુતી છે…..