‘ન જાણ્યું જાનકી નાથે’
(‘ન જાણ્યું જાનકી નાથે’ સંસ્કૃતમાં એક ઉક્તિ છેઃ‘ अहं न जाने [जानामि], हे जानकीनाथ,प्रभाते किं भविष्यति।’
“ન જાને જાનકીનાથ પ્રભાતે ભવિષ્યતિ” તેનો અર્થ એવો છે કે જાનકી નાથ, હું નથી જાણતો કે સવારે શું થવાનું છે? તેને બદલે’ન જાને’એટલે ભૂલમાં ‘ન જાણે’ એવો ખોટો અર્થ કરવામાં આવ્યો છે.અર્થાત જાનકીનાથ પણ જાણતો નથી કે સવારે શું થવાનું છે. આ ખુલાસો ડાકોરના સ્વામી હરિદાસ મહારાજે તેમની રચનામાં કર્યો છે. જે નીચે આપી છે.)
થવાનું ના થવાનું કહે, નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!
હતો લંકેશ બહુબળિયો, થયો બેહાલ ના જાણ્યું.
જગત સૌ દાખલા આપે, સવારે શું થવાનું છે?
જુઓ પાંડવ અને કૌરવ, બહુબળિયા ગણાયા છે.
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે?
થઈ રાજા રમ્યા જૂગટું, ગુમાવ્યું પત્નિ સૌ સાથે,
ન જાણ્યું ધર્મ જેવાએ સવારે શું થવાનું છે?
અરે!થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે?
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે?
સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતાં ભાસે,
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે.
હજારો હાય નાખે છે, હજારો મોજમાં મશગુલ,
હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે?
થવાનું તે થવા દેજે ભલે મનમસ્ત થઈ રહેજે,
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?
(ક્યાંક આ કૃતિના રચયિતા તરીકે બાલશંકરનું નામ દર્શાવવામાં આવે છે.
‘ अहं न जाने [जानामि], हे जानकीनाथ,प्रभाते किं भविष्यति।’
‘મને ખબર નથી, હે જાનકીનાથ, સવારે શું થનાર છે.’
હે જાનકીનાથ સવારે શુ થવાનુ છે………………..