વડ વડ દાદા સૂર્ય..
આપણો ગ્રહ થ્રીજી ન જાય
તેને માટે પોતાની જાતને બળતી રાખે છે સૂર્ય
આપણને પ્રકાશ અને ગરમી આપવા.
સાંજ સુધીમાં હોલવાઈ જાય છે એની આગ
પણ સવારે ફરી પાછો લગાડે છે આગ પોતાની જાતને.
‘ચાલ દોસ્ત સૂર્ય, હવે ફક્ત એક વધારે દિવસ’
કહીને પોતાની જાતને પાનો ચઢાવતો,
વજનદાર ક્રોસને બોચી પર ઊંચકી પોતાની જાતને ઢસડી જતા
ઈસુ જેવો લાગે છે આ સૂર્ય.
દરેક આકાશગંગાના વડ વડ દાદા સૂર્યો સાથે બેસી કરે છે ગપસપ,
આપણાં સ્વપ્ન સાકાર કરવા જિંદગી હોમી રહેલા દાદાઓને છે વિશ્વાસ,
કોઈક તો આવશે જે એમને જવાબદારીઓમાંથી મુકત કરશે.
બસ ફક્ત ત્યાર સુધી જ વડવડ દાદા સૂર્યોએ
પોતાની આકાશગંગાને
સાચવી લેવાની છે
ડસરડો કરીને.
-સંસ્કૃતિરાણી દેસાઈ