"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિદાય વખતે

વિદાય વખતે એમની પાસે એક નિશાની માગી
                          મેં એક નિશાની માગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા  દિવસો માટે થોડીક જવાની માગી…
                મેં એક નિશાની માગી…
મેં કરી વિનંતી
કે  જાગતો   રહીશ હું ક્યાં સુધી મને કોઈ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝૂલ્ફની ખૂશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં   મારા    સૂના મનને કંઈક તો વસ્તી આપો.

વિરહની  રાતો  પોતે જેને  જીવની  જેમ સંભાળે,
આપો  એક વચન  કંઈ એવું લાખ વરસ જે ચાલે,
પાયલ પહેર્યા બાદ પડ્યાં જે તે સૌ પગલાં આપો,
પનઘટ પરનાં છાનાં મિલનના થોડા નકશા આપો,
                  મેં એક નિશાની માગી…

સૂણી  વિનંતી   બોલ્યા  તેઓ  નજરને નીચી  રાખી,
‘દિલ જ્યાં આપ્યું  પછી કહો શું આપવા જેવું  બાકી?’
મારી  યાદ  હશે  જો    દિલમાં ને  જો સુરજ  ઢળશે,
પ્રેમના સોગંદ  રણમાંથી પણ તમને  પનઘટ  મળશે,
ઝૂલ્ફની ખૂશ્બો,સ્મિતની રોનક,નયનની મસ્તી મળશે,
ક્ષણભર  યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી  જેને  ભૂલી  જવું   હો   એજ  નિશાની  માંગે,
પ્રીતમ  જેના મનમાં   શંકા – એજ  નિશાની માંગે.
કેવો    પ્રીતભર્યો  આ    ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર ‘સૈફ’ શું મળતે  બીજી  કોઈ નિશાની!

-સૈફ પાલનપુરી

સપ્ટેમ્બર 30, 2008 Posted by | ગમતી ગઝલ, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

વડ વડ દાદા સૂર્ય..

આપણો  ગ્રહ થ્રીજી ન જાય
તેને માટે પોતાની જાતને બળતી રાખે છે  સૂર્ય
આપણને પ્રકાશ  અને ગરમી આપવા.

સાંજ સુધીમાં હોલવાઈ જાય છે એની આગ
પણ સવારે ફરી પાછો  લગાડે છે આગ પોતાની જાતને.

‘ચાલ દોસ્ત સૂર્ય, હવે ફક્ત એક વધારે દિવસ’
કહીને પોતાની જાતને પાનો ચઢાવતો,
વજનદાર ક્રોસને બોચી પર ઊંચકી પોતાની જાતને ઢસડી જતા
ઈસુ જેવો લાગે છે આ સૂર્ય.

દરેક આકાશગંગાના વડ વડ દાદા સૂર્યો સાથે બેસી કરે છે ગપસપ,
આપણાં સ્વપ્ન સાકાર કરવા જિંદગી હોમી રહેલા દાદાઓને છે વિશ્વાસ,
કોઈક તો આવશે જે એમને જવાબદારીઓમાંથી મુકત કરશે.

બસ ફક્ત ત્યાર સુધી જ વડવડ દાદા સૂર્યોએ
પોતાની આકાશગંગાને
સાચવી લેવાની છે
ડસરડો કરીને.

-સંસ્કૃતિરાણી  દેસાઈ

સપ્ટેમ્બર 29, 2008 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

મોસમ છે-ડૉ.રશીદ મીર

કોઈ  ઋતુની  ક્યાં   જરૂરત  છે?
તારી  ચાહત હજાર   મોસમ છે.

ડાઘનો    ભેદ     પૂછવો    કોને?
જે   ઉંડી  જાય    છે   ઝાકળ છે.

આંગળી  એક   હો  કે   એકાવન,
કોઈ  ચીંધી  શકે    તો કિંમત છે.

કોણ    પરલોકની  કરે     ચિંતા?
મારી દિનિયા જ મારી જન્નત છે.

શ્વાસની   આવ-જાવની  ઘટના,
એજ  સ્થાવર ને એજ જંગમ છે.

કોઈ   દીવાનગીને   કહી  દે જો,
જે હતું  વસ્ત્ર  એ   સલામત  છે.

ઉંઘમાં  ચાલવું    નથી   સંભવ,
‘મીર’ક્યાં  ઓરડાને આંગણ છે!

સપ્ટેમ્બર 26, 2008 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

મને ગમતા સુંદર શે’ર..

કુવો   જાગી   ઉઠે  પાણીનું    હૈયું     થનગની  ઊઠે,
સવારે   જ્યારે  પણિહારીના     ઝાંઝર  બોલવા લાગે.
-અઝીઝ  કાદરી

હું   ય    મજનૂનું    જીર્ણ    પ્હેરણ     છું,
તું  ય     લયલાની   લભ્ય   લટ થઈ જા.
-હનીફ રાજા

દુઆ   માગતા    સૌ    કરી   હાથ  ઊંચા,
ખુદાને     કશી  ના   ખબર   હોય   જાણે!
-આબિદ ભટ્ટ્

હું    નદીને  ચીતરું    છું   પ્યાસ    પર,
મન    મહીં   ગંગા   ઊગે    છે  જોઈલે!
-મીરા  આસિફ

સારું    થતે  જો એની  તને  ખબર  થતે,
ગુણગાન  તારા  રૂપના  ગાતી હતી  હવા.
-‘રાઝ’ નવસારી

એક હતો રાજા ને રાણી, ખાધું-પીધું  રાજ કર્યુ,
સાર  કથાનો ટૂંકોટચ પણ ફકરાઓ છે અપરંપાર.
-આશિત હૈદરાબાદી

સપ્ટેમ્બર 23, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

એક સુંદર ગઝલ

એ   જ      આશે   દ્વાર     કાયમ    બંધ    છે;
સાંકળો  ખખડાવશો એ ખ્યાલ તો આકબંધ છે.

સાવ    એકાકી    નથી,      જાણી   તું      લે;
યાદના ફોરાં વરસતાં  ક્યાં  હજી પણ બંધ છે.

મોકલે    છો    ને     સતત     એ    પાનખર;
શ્વાસમાં   જૂની   વંસતોની   બચેલી   ગંધ છે.

જીર્ણ       ફ્રેમોમાં        સમય    સચવાય    છે;
રાંક  ગાંધારી   સમો આ  આયનો તો અંધ  છે!

ક્યાં  મળે     છે,      અંત  લગ    ઓળખ  ખરી;
ને પછી તો ભાન પણ ક્યાં ઊંચકે ક્યો સ્કંધ છે?

-ગિરીશ ભટ્ટ્

સપ્ટેમ્બર 22, 2008 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

શિક્ષણ???

આ   સઘળા ફૂલોને  કહી  દો  યુનિફોર્મમાં  આવે,
પતંગિયાઓને   પણ  કહી દો સાથે દફતર  લાવે.

મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં   તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.

દરેક   કુંપળોને   કૉમ્પ્યુટર ફરજિયાત  શીખવાનું,
લખી  જવાણો   વાલીઓને   તુર્તજ  ફી ભરવાનું.

આ   ઝરણાંઓને સમજાઓ    સીધી  લીટી  દોરે,
કોયલને  પણ  કહી   દેવું    ના ટહુકે ભરબપ્પોરે.

અમથું   કૈં આ વાદળીઓને  એડમિશન  દેવાનું?
ડૉનેશનમાં    આખ્ખેઆખ્ખું    ચોમાસું   લેવાનું.

એક  નહીં   પણ મારી ચાલે છે  અઠ્ઠાવન  સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો   વડલો   મારી કાઢે  ભૂલો!

-કૃષ્ણ  દવે

સપ્ટેમ્બર 19, 2008 Posted by | મને ગમતી કવિતા | 7 ટિપ્પણીઓ

પરલોકે પત્ર

તેથી જત લખવાનું કે,
એ પરલોક
જોયાંની મને હોંશ,
રહ્યાંની મને હોંશ
વળી આંહી કાંઈ નથી બાકી!
બ….ધું…સમેટ્યું, બ..ધું…તૈયાર,
તો બોલાવી લ્યો,
એટલી જ વાર
ને પ્રિયે?
પેલી જે વીસર્યા
તમારી માનીતી લેખણ
તેય સંગે લાવું ને?
તેડું  વેળાસર  મોકલજો,
એજ્
લિખિતંગ
તમભણી  પ્રયાણાર્થે
ઉત્સુકતાના, તત્પરતાના
દર્શનભિલાષ.

-હીરાબહેન પાઠક

સપ્ટેમ્બર 18, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

અધમુઈ ડોશી!

 અધમુઈ  ડોશી! ઉંબરે આવીને અટકે,
         આંખુ કાઢી રોજ રોજ રડે,
                 કોણ જાણે કેમ?

 

એની  આંખોમાં ઉગી છે અંધારી રાત,
     હથેળીમાં ખીલી ઉઠ્યા છે થોર,
                કોણ જાણે કેમ?

 

ઝેરીલો  સાપ  એની આસ  પાસ  ફરે,
       કેમ ડંસવાનું  નામ લે નહીં,
                 કોણ જાણે કેમ?

 

કોઈની  લાશ જોઈ  ધીરું ધીરું  હસે,
       પછી પાછળથી પોક મૂકી રડે,
                કોણ જાણે કેમ?

 

સૂરજતો આથમીને રોજ રોજ થાક્યો,
  તોય ડીશીનો દિવસ પાક્યો નહી,
                કોણ જાણે કેમ?

 

એનાદરિયામાં  દેટકા ડ્રાવ,ડ્રાવ કરે,
  તોય ડાકલા ડાકણ વગાડે તો નહીં,
                 કોણ જાણે કેમ?

 

કોઈ તો અસવાર એને આંગણે તો આવે,
    હાથ જાલી ઊંબરો પાર તો  કરાવે!
                  કોણ જાણે કેમ  નહીં?

 

સપ્ટેમ્બર 15, 2008 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

હોદ્દા વગરના મુશારફ!! હવે શું કરશે?

coutesey -e-mail

સપ્ટેમ્બર 12, 2008 Posted by | ગમતી વાતો | 3 ટિપ્પણીઓ

સચવાતી નથી

(કવિશ્રી  કિરણ ચૌહાણે , એક કવિ મિત્રની યાદ રૂપે  ડિસેમ્બર,૧૧,૨૦૦૭ માં મારી સુરતની મુલાકાત વખતે “સ્મરણોત્સવ”ની અમુલ્ય ભેટ આપી, અવાર નવાર એજ ગઝલ સંગ્રહ વારંવાર વાંચુ છું, આનંદ અનુભવુ છું..અવાર-નવાર એમની યાદગારો ગઝલો આ બ્લોગમાં મૂકવા મન લલચાય  છે.)

બે  જ  પળની  જિંદગી  છે  તો  ય   જીવાતી   નથી,
એક  પળ  ખોવાઈ  ગઈ  છે, બીજી  સચવાતી નથી.

ઓ  શિકારી! પાંખ   લીધી, આંખ પણ લઈ લે હવે,
આભને   જોયા   પછીની    પીડ   સ્હેવાતી    નથી.

ઈશ્વરે  જાણે   તમસ  પર    શ્યામ  અક્ષરથી  લખી,
વાત   મારા   ભવિની  મુજને     જ વંચાતી  નથી.

હા, કદી   બિલકુલ  અનાયાસે   ગઝલ  સર્જાય  છે,
સો   પ્રયત્નો  બાદ  પણ    ક્યારેક   સર્જાતી   નથી.

તું    હવે   તારી જ  ગઝલો  ભૂલવા  લાગ્યો ‘કિરણ’
આટલી   મૂડી   છે તારી, એ ય સચવાતી   નથી?!

સપ્ટેમ્બર 10, 2008 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

મોહે પનઘટ પર નંદલાલ

(આ ગીત  સ્વ.રસકવિ રઘુનાથ  બ્રહ્મભટ્ટ રચિત છે.’છત્રવિજય’ નાટકમાં તેનો પ્રથમ પ્રયોગ થયો હતો.’મોગલે આઝમ’ સિનેમામાં આ જ ગીતનો વપરાશ થયો છે. રસકવિને શ્રેય ન મળ્યું તેની સખેદ નોંધ લેવી ઘટે.

મોહે   પનઘટ   પર   નંદલાલ  છેડ   ગયો   રે

મોરી    નાજૂક    કલૈયાં    મરોર      ગયો   રે

મોરી  ચોલી    કે    તંગબંધ    તોડ   ગયો   રે

કંકરીયા  મોહે  મારી   ગગરીયાં  ફોર    ડાલી

શ્યામ  સુંદર   ચુનરીયાં    ભીંજાય   ગયો  રે

મોહે  નયનન  કે સેનમેં  સજાય ગયો  રે..મોહે..

-રઘુનાથ  બ્રહ્મભટ્ટ

સપ્ટેમ્બર 8, 2008 Posted by | મને ગમતી કવિતા | 1 ટીકા

માતૃપ્રેમ..

એક બાળક-કે હરણ બચ્ચુ..મા વિહોણું  હોય અને મા એના અમૃત  જેવા ધાવણની ધારા ધરી..સ્તનપાન કરાવનાર મા ને ધન્યવાદ!! તારી વિશાળતા, તારી ભાવના , માતૃત્વ ને ધન્યવાદ..આવું તો મા  સિવાય કોણ કરી શકે? મા એ મા બીજા વગડાના વા! અખિલ-બ્રહ્માંડમાં એક તું મા ..એક તું…મા..

સપ્ટેમ્બર 7, 2008 Posted by | ગમતી વાતો | 7 ટિપ્પણીઓ

ધારો કે એક સાંજ આપણે મળ્યાં..

ધારો કે એક સાંજ આપણે મળ્યાં  અને આપણ હળ્યા
પણ  આખા  આ   આયખાનું   શું?

ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરી ફરી કેમ ભરી વાંચીશું?
માનો કે હોઠ સ્હેજ  મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠ્યા
પણ બલબળતી રેખાનું શું?

આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધૂં અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?

ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી  વારતાનું શું?

-જગદીશ જોષી

સપ્ટેમ્બર 5, 2008 Posted by | મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

કેમ કરી કરીએ ( ગીત )

કેમ કરી કરીએ કે કેમ કરી કરીએ કે કેમ  કેરી કરીએ હે રામ!
  ધખ ધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
                                                અમે કેમ  કેરી કરીએ હે  રામ!

દૂર દૂર ખૂબ દૂર આવ્યો પ્રદેશ, મારા પગલામાં ઠેશ,
              હવે ચાલી  ચાલીને  કેમ ચાલું?
વરસોથી પજવે છે છાતીમાં હાંફ, મારી આંખોમાં થાક,
              વળી  જીવતરમાં  મસમોટું ખાલું;
ચરણો ગુમાવ્યા બાદ રસ્તાઓ આવ્યા ને દોડવાનું આવ્યું બેફામ,
                                            અમે કેમ  કેરી કરીએ હે રામ!

અંદરને અંદરથી રોજરોજ આમ મને ધીમે ધીમે કોઈ
                                 કરકોલે ઉંદરની જેમ,
એક પછી એક બધી મારા પર આવીને પડતી ઉપાધીઓ
                         ખેતરમાં ભીડ  પડે તેમ
જીવ્યા અમે જે રાત કાળી ડિબાંગ એને દેવાનું દિવસોનું  નામ?
                                          અમે કેમ  કેરી કરીએ હે રામ!

ધખધખતા લોખંડ પર પાણીના ટીપાને સાચવીને રાખવાનું કામ.
                                              અમે કેમ  કેરી કરીએ હે રામ!

-અનિલ ચાવડા

સપ્ટેમ્બર 4, 2008 Posted by | ગીત, મને ગમતી કવિતા | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: