"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક લઘુકથા-“શંકા”

મા બેચેન બની દીકરીની રાહ જોઈ રહી હતી. રાત્રીના દસ વાગ્યા હતા. ત્યાંજ દીકરીએ ઘરમાં
પ્રવેશ કર્યો. ટ્યુબલાઈટ્ના ઝગમગતા પ્રકાશમાં, એકદમ માની નજર દીકરીના ગાલ પરના એક લાલ ડાઘા પર પડી.

   મા વિચારોના ચકકરમા ધકેલાઈ ગઈઃ’ શું  દીકરી ઓફીસમાં’ઓવરટાઈમ’ના બહાને રોકાઈ ક્યાંક રંગરેલિયા મનાવવા  ગઈ હશે? જુઓ કોઈ એ એના ગાલ પર…કદાચ નશો તો નહીં કરતી હોયને? પરંતુ એની આંખો પરથી એવું લાગતું ન હતું. હોઠો પરની લિપસ્ટિકનો રંગ પણ બદલાઈ ચુક્યો છે. કાલે તો એ કહી રહી હતી કે કંઈક જાડી થતી જાય છે, અને બ્લાઉઝ પણ તંગ પડવા લાગ્યા છે. ભગવાન! શું એ કોઈ  આડા માર્ગે તો..મા એ નિસાસો  નાખ્યો. દીકરી ખૂબ  થાકેલી હતી, એના રૂમામાં જઈને સૂઈ ગઈ.

  મા શંકાનાં વાદળોમાં ઘેરાયેલી આખી રાત પાસાં ઘસતી રહી. દીકરી વહેલી સવારે ન્હાઈ-ધોઈ કપડાં બદલી બહાર જવા માટે તૈયાર થઈ ત્યારે તો માના હ્ર્દયમાં જાણે  ભયાનક વિસ્ફોટ થયો. ‘આટલી વહેલી સવારે તૈયાર થઈને ક્યાં જાયછે? માના મનમાં પ્રશ્ન થયો.’

  દીકરીએ ઢીલા અવાજે કહ્યું, “મમ્મી, મારા ગાલ અને શરીરના બીજા ભાગોમાં લાલ ડાઘા પડી ગયા છે. ડૉ. હેમાબેનને ત્યાં બતાવવા જઈ રહી છું . એ સિવાય આ બીમારીના સાચા કારણનું નિદાન નહીં થાય.”

  જાણે મા પર તો બરફનો વરસાદ તૂટી પડ્યો. તેને પોતાની જાત પર ધિક્કર છૂટ્યો. એણે લાગણીસભર બનીને પૂછ્યું.”દીકરી, હું સાથે આવું?’

  “જેવી તારી મરજી!”

-યશવંત કડીકર

ઓગસ્ટ 27, 2008 Posted by | ટુંકીવાર્તા | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: