ચીસ
એ ઘર સાફ કરતી હોય કે કબાટ, રસોડામાં હોય કે બાથરૂમમાં, એ ગરોળીને જોએ, એટલે ચીસ પાડે. હું દોડી જાઉં, પછી તો ઠપકોય આપતો. લગ્નોત્તર આવી ચીસોથી હું ટેવાય ગયેલો. મેડી ઉપરના મારા વાંચનખંડમાંથી જ હું બુમ મારીને કહેતોઃ ‘અરે! એમાં શું બીવાનું !’
એકવાર તેણે રસોડાનું કબાટ ખોલેલું. અંદરની બાજુ લપ્પટ થઈ ગયેલી બે ગરોળી મારી પત્નીની સાડી પર કૂદી પડી,તે ત્રીવ્ર ચીસ સાથે પાછી પડી, પછી તો સળગતા સ્ટવે તેને ક્રમશઃ
આશ્લેષી લીધી. તેની ચીસોથી ટેવાઈ ગયેલો હું વાર્તાને અધૂરી છોડી નીચે આવ્યો તો…
આજે મારો લગ્નદિવસ. હું એની છબી વારંવાર નિહાળું છું. દિવાલ સાથેય એના સ્વભાવ પ્રમાણે કેવી ઓતપ્રોત છે એ ! એટલામાં એ છબીની બાજુમાંથી જ એક ગરોળી પસાર થઈ જાય છે. તેને હટાવવા મોઢેથી સિસકારો બોલાવવા બે હાથ વડે તાળી પાડી ઊભો થાઉં છું. તોયે એ છબી પર થઈને જ ચાલી જાય છે, ને છબી ચીસ પાડી ઊઠે છે.
-ભગીરથ બ્રહ્મભટ્ટ