તારો -મારો પ્રેમ
હાથમાં હાથ અને નજરમાં નજરનું પરોવાવું-
આમ આરંભાય છે આપણાં હૈયાનો આલેખ.
માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.
મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.
ગીત સમો સરલ છે આ તારો પ્રેમ.
તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.
તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.
આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
પ્રગટ કરવાની અને ફરી કશુંક છુપાવવાની;
આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.
વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;
આકર્ષણની પછી તે કોઈ કાળી છાયા નથી;
ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં મારવાના નથી.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.
ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે માર્ગે જતાં નથી;
અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.
આપણે જે આપીએ છીયે અને પામીએ છીએ તે પૂરતું છે.
આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
જેથી તેને નિચોવતાં પીડાનો આસવ ઝમે.
ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.
-રવિન્દ્રનાથ ટાગોર
અનુવાદઃ દક્ષા વ્યાસ