ઈચ્છાગીત
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
ઉપરથી આટલું મે ઈચ્છયું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું.
ખડકી છે ખડકીઃ દુકાન છે એ ઓછી કે
જોખી જોખી ને કરું વાત?
આવેતુ પુછશે રે જોઈ ભળભાખળું
કે ક્યારે આ વીતી ગૈ રાત?
હળહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું.
આથમણે અંધારા ઉતરે તો ઉતરે
આ દિવાઓ દેશે અજવાસ
આસાનમાં આનાથી રૂડું શું હોય-
મળે ફળિયાનુ લીલુંછમ ઘાસ?
ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો ઢાંકું?
ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
એમ સાચવું હું પંખીનાં ગીત
નીડમાં એ લાવે છે ભરચક આકાશ
મને શીખવે છે જીતવાની રીત
સાંજની બોલાશ એવી લાગે કે હૉકલીમાં મ્હેંકે છે જાણે ગડાકું
માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું.
-મનોહર ત્રિવેદી