"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક સુંદર ગઝલ

કદમમાં    કોઈના   એકજ   ઈશારે   દિલ    ધરી  બેઠા,
બહુ   સસ્તામાં   જીવનનો  અમો   સોદો    કરી    બેઠા.

તમે   કે   જુલ્ફ    કેરી   જાળ    રસ્તે    પાથરી   બેઠા,
અમે   એવા    કે    જાણી  જોઈ  બંધનને   વરી  બેઠા.

પડી’તી  પ્રેમમાં   કોને   વિજય   અથવા  પરાજ્યની!
અમારે    પ્રેમ    કરવો’તો     તમારાથી    કરી   બેઠા.

કરીએ    કાકલુદી     એટલી    ફુરસદ    હતી    ક્યારે,
તકાદો     દર્દનો     એવો    હતો     કે  કરગરી   બેઠા.

હતી   તૉરી    કંઈ   એવી   તબિયત  કે   જીવન  પંથે
ગમે   ત્યારે   જીવી    બેઠા    ગમે   ત્યારે   મરી  બેઠા.

કદી  બદનામ   ગભરૂ   આંખ  ના થઈ  જાય  એ   બીકે,
જખમને    ફૂલ    સમજીને    જિગરમાં   સંઘરી    બેઠા.

અમારું     ધ્યેય    છે   બરબાદને    આબાદ   કરવાનું,
અમે    એ  કારણે      ખંડેરમાં    આંખો    ભરી   બેઠા.

અમારા   ને તમાર   પ્રેમમાં  ખૂબ   જ    તફાવત  છે;
અમે    રુસ્વા   બની  બેઠા   તમે   રુસ્વા   કરી   બેઠા.

-રુસ્વા  મઝલુમી

ઓગસ્ટ 8, 2008 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: