પુત્રી-વિયોગથી શોકસંતપ્ત પિતાની વેદનાનું કાવ્ય-ચહું
તને દીકરી! આંહી એવું બધું તે હતું દુઃખ શું
જવું જ પડ્યું કે વછોડી ભર્યું ભાદર્યુ આ ઘર?
ન મેં, જનનીએ ન, અન્ય સ્વજનેય ઉંચે સ્વરે
ન વેણ કહ્યું ચોટ અંતર લગાડી જાયે અશું
હૂંફાળ ફરતો રહ્યો જનની-હસ્ત તારે શિરે,
રહ્યો વહી વહાલ-સ્ત્રોત મુજ નિત્ય તારા પ્રતિ
વળી ઉભય બંધુની ભગિની લાડકી તું અતિ
તું એકસરખી હતી પ્રિય બધે ઘરે બાહિરે.
તું આંહીં નહિ તોય ટેવ-બળથી તને નામથી
પુકારી ઊઠું ને જઉં પડી બીજી ક્ષણે છોભીલો
ફરી થઉં સભાન શીઘ્ર તું-અભાવથી, હું ઢીલો
પડું, ઉર ડૂમો છૂટો મૂકી, ઝરી રહું આંખથી!
ચહું, ઝરી ઝરી ન થાય ઉર મારું ખલીખમ
રહે ઝરણ-સિકત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!
-દેવજી મોઢા(૧૯૧૩-૧૯૮૭)
પુત્રીનો વિયોગ જ વસમો છે…! જન્મ દઇ .. જતન પૂર્વક ઉછેરી અને પારકાઘરે મોક્લવાની…આ અજીબ રિવાજ …! છતાં આપણે રડતા હ્રદયે ને હસતા ચહેરે સાસરે વળાવવી પડે છે..!
સુંદર સૉનેટ…!
સંવેદનાને સરસ રીતે વ્યક્ત થઇ છે.
અને આજે તમારે માટે તો પરમ સમીપેની મુલાકાત ફરજિયાત છે. શા માટે ?
એ તો પરમ સમીપે જ કહેશે.
હવે અહીં અમે અમદાવાદમાં તમારી પ્રતીક્ષામાં…
સુંદર સૉનેટ.
દેવજી મોઢાનું સરસ સોનેટ
ચહું, ઝરી ઝરી ન થાય ઉર મારું ખલીખમ
રહે ઝરણ-સિકત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!
કેવી સુંદર પંક્તીઓ