પુત્રી-વિયોગથી શોકસંતપ્ત પિતાની વેદનાનું કાવ્ય-ચહું
તને દીકરી! આંહી એવું બધું તે હતું દુઃખ શું
જવું જ પડ્યું કે વછોડી ભર્યું ભાદર્યુ આ ઘર?
ન મેં, જનનીએ ન, અન્ય સ્વજનેય ઉંચે સ્વરે
ન વેણ કહ્યું ચોટ અંતર લગાડી જાયે અશું
હૂંફાળ ફરતો રહ્યો જનની-હસ્ત તારે શિરે,
રહ્યો વહી વહાલ-સ્ત્રોત મુજ નિત્ય તારા પ્રતિ
વળી ઉભય બંધુની ભગિની લાડકી તું અતિ
તું એકસરખી હતી પ્રિય બધે ઘરે બાહિરે.
તું આંહીં નહિ તોય ટેવ-બળથી તને નામથી
પુકારી ઊઠું ને જઉં પડી બીજી ક્ષણે છોભીલો
ફરી થઉં સભાન શીઘ્ર તું-અભાવથી, હું ઢીલો
પડું, ઉર ડૂમો છૂટો મૂકી, ઝરી રહું આંખથી!
ચહું, ઝરી ઝરી ન થાય ઉર મારું ખલીખમ
રહે ઝરણ-સિકત તારી સ્મૃતિ નિત્ય લીલીછમ!
-દેવજી મોઢા(૧૯૧૩-૧૯૮૭)