રંજીદા પતિ યાને Ten commandments
કામ કંઈ જાતે કરી લો, ના મને વહેલી જગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
ચોતરફ કચરા પડ્યા છે, હાથમાં ઝાડું ઉપાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથ શું ભાંગી ગયા છે? આમ કાં વાસણ પછાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
બાબલો રોયા કરે છે, ચોપડા મૂકો રમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
હાથમાં ન આવે રમકડાં, તો પછી થાળી વગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
વાંક દેખુ માત્ર છો? જાતે કશું રાંધી બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
દોસ્ત છે તો શું થયું, જઈ લોજમાં એને જમાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ સાચું બોલજો, કાં આટલું અત્તર લગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
સાવ બહેરા થઈ ગયા છો, કોઈ ડૉકટર ને બતાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
છે ખબર ? પેઘે પડ્યો છે તુર્ત ‘આશિત’ ભગાડો,
એઈ! હું તમને કહું છું, ધ્યાન ક્યાં છે? સાંભળો છો?
– આશિત હૈદરાબાદી