સુંદર શે’ર–‘આસિમ’ રાંદેરી
કેમ અચરજથી જગત તાકી રહ્યું મારું વદન?
સહેજ જુઓ, કોઈ પડછાયો તમારો તો નથી.
મુજને દુનિયાય તારો દિવાનો કે’ છે,
એમાં સંમત, તારી આંખનો ઈશારો તો નથી?
લાખ આકર્ષણો મુંબઈમાં ભલે હો ‘અસિમ!
મારી’લીલા’ મારી તાપીનો કિનારો તો નથી!
પ્રશંસામાં નથી હોતી કે નીંદામાં નથી હોતી,
મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.
અરે!આ તો ચમન છે,પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જયાં તમે હો છો મજા શામાં નથી હોતી.
ગઝલ એવીએ વાંચી છે અમે ‘લીલા’ની આંખમાં,
અલૌકિક-રંગમય જે કોઈ ભાષામાં નથી હોતી.
અનુભવ એ ય ‘આસિમ’મેં કરી જોયો જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.