શોધ(એકીશ્વાસે વાંચો)
આપણે એક એવા જાદુગરની શોધમાં છીએ જે ઘડિયાળને આંખ અને પગ આપે એટલુંજ નહિ ચશ્મા અને મોજાં પહેરાવે હવાના હાથને પાછળથીબાંધી ધક્કેલી દે મિલોની ચીમનીઓમાં નીચે સૂતેલા કારીગરના પોલાદી સ્વપ્નાં તેની ખૂલ્લી નાસિકામાંથી ધોળા કબૂતરનાં રૂપ લઈ ઊડી જાય સારોવરના કાંઠે ખોપરિઓના હારડા જેવાં વૃક્ષો પ્રભુનો’ મૅસેજ’ આપતા ‘વાયરલેસ પોલ”બની જાય પાંદડે પાંદડે પ્રલયની તારીખોના સિક્કા માર્યા હોય ઘરડા ચિત્રગુપ્તના હાથનાં વાહનો અને સાંચાઓના ઠરડાયેલા ઘાંટા સૂરજચંદ્રના ગળે ઘંટની જેમ કે ઘંટીના પડિયાની પઠમા લટકાવેલા જોઈ શકાયતો સોનાની બિલાડી અને તાંબાની ઊંટની જાત્રાની ગાથા નરકનું નગારું પીટી ગાઈ શકીએ થરમોસમાં પુરાયેલા સાત સંમુદરોનું મંથન બૂચ ખોલતાં સમી જાય પ્રતિકરૂપે એક પરપોટો તર્યા કરતો હોય બૃહસ્પતિના વ્યભિચારિ જોવા મળે જેમાં શહેરનું એક ટાવર અન્ય મિનારાને આંગળીના સંકેત કરી સમજાવે કે ચલો ઊઠો અહીંથી આ ઠીંગણશીઓના મલકમાંથી આપણે મક્કા હજ કરી આવીએ અને રુદને ચઢેલા કાબાના પથ્થરને શૂન્યનું અભ્ય્ંગસ્નાન આપીએ ખૂરશી ખાલી પડતી નથી થાકી ગઈ છે એ અને પયગંબરોનો વસ્તી વધારો જાદવાસ્થળી કરાવ્યા વિના નહી રહે નદીઓના નીર સુકાઈ સુકાઈને લોકોને લોહીનું પાણી પૂરું પાડવાના પેંતરામાં નોતરી રહી છે તેમ એક સ્વિચ દબાવો ને આકાશનું પતરું આખું હેઠે આવીને અળસિયા સુધ્ધાંને રિપ્રેસ કરીને ચાલ્યું જઈ શકે સ્કાયસ્ક્રેપર પરના ધાબેથી એક શુષ્ક પાંદડું ધુબાકા સાથે’ડાઈ’ લાગાવે ત્યારે ડામરના સરોવરે સરતી એક મોટી હાઉસબોટનું બૅન્ડ(ઈન એટેન્ડન્સ) અખિયા મિલાકે જીયા ભરમાકે વગાડતું એ પરદેશી પર્ણને વાસંતી વાઘો પહેરાવીને જ છૉડે રેડિયો પરથી રનિંગ સાઈરનો વાગતી જાય જેની ધૂનમાં પ્રત્યેક પ્રાણીના શ્વાસમાં એકે એક તીતીઘોડો પહેલાં રોક ઍન્ડ રોલ કરીલે અને જંપી જાય જેના ધ્વનિનામ પ્રતિબિંબો ઝૂંપડાની જાળી પાસે ઝૂલતા કૂર્માવતાર કે વરાહાવતારનાં કૅલેનડરોને ઊંચાનીચાં કરે ખૂણે ખાચરાનું ખણે ચઢેલું ખરજવું લોહીલોહાણ થઈ એક નવો પોપડો રચી દે તેની તળે અનેક નગરના બ્રહ્માંડોની વસાહત સ્થાપી શકાય પણ હવે તો ઈંડાની જ સપ્તધાતુ દૂષિત થઈ છે ત્યાં હાય જાદુગર, ઓય જાદુગર…જયહિન્દ.
-રાધેશ્યામ શર્મા (૦૫-૦૧-૧૯૩૬૦)નવલકથાકાર, કવિ,વાર્તાકાર, વિવેચક.સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. અવારનવાર દેશ-પરદેશના કાવ્ય આસ્વાદો પણ કરતા રહ્યા છે.’આંસુ”, નિષ્કારણ’એમના કાવ્ય સંગ્રહો.નવોદિત કવિઓને પ્રોતસાહિત કરનાર,સાદગી ધારણ કરતા એક ઉત્તમ કવિ.