શ્રેષ્ઠ મિત્ર…
મા મારી…શ્રેષ્ઠ મિત્ર…
બીજી મિત્રતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ….
માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે-ઈચ્છે-વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ
એના ખોળામાંની
આપણા પેશાબની દૂર્ગધ
એ સાથે લઈને જાય
ભગવાન પાસે-
અને સ્વય્ં ભગવાન સુગંધ, સુગંધ!
(ભગવાનની એ મા તો હશે જ ને?)
-ભગવતી શર્મા
*****************************
કૃપાથી તારી મા! દિવસ ઊગતો કાવ્ય થઈને;
તમારી ઈચ્છા એ ઉરની ધૃવપંકતિ બની રહો!
-સુરેશ દલાલ