ફાંસી પહેલાંની ઈચ્છા!!
-ને સૌથી છેલ્લે ગામનું પાદર જોઈ લેવું છે
વડના ખાલીખમ છાયાને ટગર ટગર વળગી પડી રોઈ લેવું છે
એકલુંભૂલું બકરીબચ્ચું ઉંચકીને પસવારવી છાતી
જોઈ લેવી છે નદીએ કોઈ છોકરી છાનુંછપનું ન્હાતી
થોરનું લીલું પાન તોડીને મા સમોવડ દૂધને ઝરી પડતું જોવું
મારગે કદી થડમાં કોર્યા નામને કહી ‘આવજો’ છેલ્લીવાર વછોવું
સીમમાં નીહળ આ ઘટાટોપ ભાનને ફરી ખોઈ લેવું છે
માણસોના બોલાશની નાની બચકી બાંધી આંખમાં રાખું
ઘઉંની તાજી ડૂંડીઓ તોડી કલગી માથા બંધણે નાખું
સાંજચાખીલઉં,જળ ચાખી લઉં,ટેકરી,બાવળ,કાગડો,હવા ધૂળ ચાખીલઉં
દેવરો-આણલદેના દુહા ગાઉં? ના ગોફણ લઈ પાંચીકો દૂર નાંખી દઉં
બસ, ફાંસીગાળિયામાંથી જન્મ્યા સુધી જોઈ લેવું છે.
-રમેશ પારેખ