લેખક પરીચય – ગુજરાતી પત્રકારત્વ સાથે સંકળાયેલા જનકસિંહ ઝાલા સાહિત્યમાં પણ ઉંડો રસ ધરાવે છે. તેઓ સમય મળ્યે પોતે પણ કંઈકને કંઈક લખતા રહે છે.આપણે લોકો હોળીકાને એક ખલનાયિકાના રૂપે જાણીએ છીએ પરંતુ હિમાચલ પ્રદેશમાં હોળીકાના પ્રેમની ગાંથા દરેક લોકોમાં પ્રચલિત છે. આ કથાને આધાર રાખીએ તો હોળીકા એમ લાચાર પ્રેમીકા તરીકે નજર આવે છે જેણે પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો.
હિરણ્યકશ્યપની બહેન હોળીકાના લગ્ન ઈલોજી સાથે પૂર્ણિમાંના રોજ નક્કી થયાં હતાં. આ બાજુ હિરણ્યકશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન હતો. અંતે તેની મહાત્વકાંક્ષાએ પુત્રની બલિનો પણ સ્વીકાર કરી લીધો.
બહેન હોળીકા સામે જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો હોળીકાએ ના પાડી હતી. પછી હિરણ્યકશ્યપે તેના લગ્નમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. અંતે લાચાર થઈને હોળીકાએ ભાઈની વાત માની અને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની નિર્ણય કર્યો. તે અગ્નિદેવતાની ભક્ત હતી અને અગ્નિથી તેને કોઈ હાની ન હતી.
આજ દિવસે હોળીકાના લગ્નની તિથિ પણ હતી. આ બધી વાતથી અજાણ ઈલોજી વરઘોડો લઈને આવી રહ્યાં હતાં અને હોળીકા પ્રહલાદને બાળવાના પ્રયત્નમાં સ્વયં ભસ્મ થઈ ગઈ. જ્યારે ઈલોજી વરઘોડો લઈને પહોંચ્યા ત્યાં સુધીમાં હોળીકાનો દેહ બળીને ખાખ થઈ ચૂક્યો હતો.
ઈલોજી આ બધુ સહન ન કરી શક્યા અને તેમણે પણ હવનમાં કુદીને પોતાનો દેહ ત્યજવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં આગ ઠરી ગઈ હતી. પોતાનું માનસનું સંતુલન ગુમાવીને ઈલોજી રાખ અને અર્ધ બળેલા લાકડાઓ લોકો પર ફેંકવા લાગ્યાં.
બસ આ જ અવસ્થામાં તેમણે પોતાનું શેષ જીવન પસાર કર્યું. હોળીકા-ઈલોજીની આ પ્રેમગાથાને આજે પણ હિમાચલ પ્રદેશના લોકો યાદ કરે છે. .
|