સારું લાગે..લાલજી કાનપરિયા
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
કે પછી ચાંદરણું કહે તો જરા સારું લાગે.
ખંખેરી ભાર બધો હળવો થૈ જાઉં,
વાતવાતમાં હું તો સરવો થૈ જાઉં.
કોઈ મને તરણું કહે તો જરા સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે.
ઢાળ આવે તો હું ઢળી જાઉં,
ને વળાંકે વળાંકે હું વળી જાઉં.
કોઈ મને ઝરણું કહે તો સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
અત્તરની જેમ હું તો મહેકી રહું,
ને વાયરાને સુંગધી વાતો કહું!
ફૂલ મને નમણું કહું તો જરા સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
saસરસ ગીત
યાદ આવ્યાં
સુરેશ દલાલ
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
આ દૂરનું આકાશ મને મારું લાગે.
વૃક્ષો ને પંખી બે વાતો કરે છે
ત્યારે ખીલે છે લીલેરો રંગ;
ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે
ફૂલોની સૂતી સુગંધ.
તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે,
તમે વાતો કરો તો થોડું સારું લાગે,
રોમાંચે રોમાંચે દીવા બળે
અને આયખું તો તુલસીનો ક્યારો;
તારી તે વાણીમાં વ્હેતો હું મૂકું છું
કાંઠે બાંધેલો જનમારો.
એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે
તમે વાતો કરો તો થોડું સારું લાગે.