ઘડુલી ક્યારે શિર પર ચડી ?
ઘડુલી ક્યારે શિર પર ચડી?
માટીને મોટપ કયારે મળી?
માટી ખોદી, મૂકી ગધેડે, કુંભાર ઘર લઈ આવ્યો
ગારો કીધો પગથી ખૂંદી પિંડ બનાવ્યો
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાય ઘડી
ઘડુલી કયારે શિર પર ચડી?
છાંયે સૂકવી, ટપલે ટીપી, રાખમહીં રગદોળી
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી
છતાંયે કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી
ઘડુલી કયારે શિર પર ચડી?
પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી
બડ બડ કરતી કૂપમાં,જાણ્યું મુક્તિ જડી
ઘડુલી કયારે શિર પર ચડી?
દીધો આંચકો, એક પલકમાં, પાછી ઉપર તાણી
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી
પૂર્ણ હતી તો ચડી શિશ પર, મુસીબતોથી બડી
ઘડુલી કયારે શિર પર ચડી?
-પ્રભુલાલ દ્વિવેદી