અમારી જિંદગીની જમાનાને જરૂરત છે !
મીઠા સૌંદર્યના સ્મિતની જહીં સાચી સકૂનત છે,
પૂછી લ્યો કોઈને યે કે , મારી ત્યાં હકુમત છે.
શિકારી આંખના શર્બત રહ્યાં છે જ્યાંય રેડાઈ,
ન શીશાની જરૂરત છે ન પ્યાલાની જરૂરત છે.
મળ્યો જો યાર લાયક, ફિકર શાને ગુનાહોની ?
મુહ્બ્બત એજ દરમાયો, ભલે ઝરથી ખસુમત છે.
સિતમ સાંખ્યા, ગઝબ સાંખ્યા,ખમાતી નાજ તનહાઈ,
હૃદય ચીરાયલું મારૂં ક્યાં દિલની મઉઝત છે.
ન રાખી નોંધ નિજ પાસે, ચઢ્યા શા શા શિરે આળો,
લીધો લૂંટી મને આખો, વધારામાં અકુબત છે.
દીધો છે ક્યાં મને ફેંકી ? શું જાણે ફેકનારાઓ ?
ન કોઈ દાદ જાહેરમાં નહિ છૂપી મઉનત છે.
છતાં કોઈ નિહાળું છું કે, કો મુજને જગાડે છે,
શી અણપ્રીછી રતૂબત છે અને નાયાબ સૂરત છે.
વસી પાસે ‘પતલિયાની’ કહે છે આમ કલ્યાણી-
‘અમારી જિંદગાનીની જમાનાને જરૂરત છે,’
-કવિશ્રી પતીલ
(સકુતનઃ શાંતી, કદુરતઃ મેલ, ખસુમતઃવેર, અકુબતઃ ઠપકો,સજા, મઉનતઃ મદદ,
મઉઝતઃબદલામાં આવેલી ચીજ,રતુબત તાઝગી, નાયાબઃ અલભ્ય, કલ્યાણીઃકવિ પત્ની સૌ, યશોબાલા મ. પટેલ,
સાતમી કંડિકામાં કવિએ પોતે ગુજરાત બહર નિમાડ પ્રદેશમાં લગ્ન કર્યાનો ઉલ્લેખ છે.
એક નાનકડી વાર્તા- સુમંત દેસાઈ
એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે પડતું નહોતું. ને થયું કે આ જીવનનો અંત લાવ્યેજ છુટકો. શહેરની વચ્ચેજ રેલવે પસાર થાય ત્યારે પાટા પર પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું.
પણ ઘરેથી નીકળતાં બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું.
…હવે એ વાતને ત્યાં રાખીએ. એ માણસનું પછી શું થયું, એ જવા દઈએ. પણ એક સવાલ થાય છે..
એ માણસ ઘેરથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ તમેજ એને સામા મળ્યા હોત તો ?બોલો , એનું શું થાત ? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત ? જરા વિચારી જોજો…
વરસોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે
એમ પણ બને……મનોજ ખંડેરીયા
સુંદર શે’ર- નિનાદ અધ્યારુ( રાજકોટ)
ગણપતિને અર્પણ મોતીડાં, શ્રી ગઝલ,
કુમકુમ, ચોખા, શ્રીફળ,બીડાં શ્રી ગઝલ.
વાતો અચાનક ખાનગી નીકળે તો શું કરો ?
ઘરનાજ લોકો બાતમી નીકળે તો શું કરો ?
કબુતર માફક ફફડતો રહ્યો છું ,
હું મારા જ ઘરમાં રઝળતો રહ્યો છું .
વર્ષાની વાત કરીયે, વાદળની વાત કરીએ,
તું આવજો અહીં તો ,કાજળની વાત કરીએ.
રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિને ચાહવા જેવી હતી.
ધંધો ન ગમતો , ના નોકરી ગમે છે,
કે જ્યારથી,એમોને એક છોકરી ગમે છે.
એકાદ-બે સળગતા કિસ્સા તો જોઈએ,
ઈતિહાસને જરૂરી હિસ્સા તો જોઈએ.
ઈલોજી-હોળીકાની પ્રેમગાથા
સારું લાગે..લાલજી કાનપરિયા
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
કે પછી ચાંદરણું કહે તો જરા સારું લાગે.
ખંખેરી ભાર બધો હળવો થૈ જાઉં,
વાતવાતમાં હું તો સરવો થૈ જાઉં.
કોઈ મને તરણું કહે તો જરા સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે.
ઢાળ આવે તો હું ઢળી જાઉં,
ને વળાંકે વળાંકે હું વળી જાઉં.
કોઈ મને ઝરણું કહે તો સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
અત્તરની જેમ હું તો મહેકી રહું,
ને વાયરાને સુંગધી વાતો કહું!
ફૂલ મને નમણું કહું તો જરા સારું લાગે,
કોઈ મને શમણું કહેતો જરા સારું લાગે,
પડછાયાને હડસેલે- કિસન સોસા
પડછાયાને હડસેલે પાષાણ હટાવ્યા
વેડી વેડે અંધારા અજવાસ ઉગાવ્યા
સુક્કા પર્ણો જ્યમ પગલાંઓ વીણી લીધા
કૂંપળ-શી કાયા-શા સ્વપ્ને સ્વપ્ન જગાવ્યા
વેળ કવેળે આવરદા ઉપર ત્રાટકતા
વીજ-તણખતા વિઘ્નો રગ રગ-તાર સમાવ્યા
સુક્કીભઠ્ઠ તરસ્યુંને વહાલે પંપાળી
ધોમધકતી ભૂખને ભીના લાડ લડાવ્યા
આઘેની મેડીના દીવાને સધ્યારે
બંજર ભૂમિમાં શબ્દોના દહેર વસાવ્યા.
ઘડુલી ક્યારે શિર પર ચડી ?
ઘડુલી ક્યારે શિર પર ચડી?
માટીને મોટપ કયારે મળી?
માટી ખોદી, મૂકી ગધેડે, કુંભાર ઘર લઈ આવ્યો
ગારો કીધો પગથી ખૂંદી પિંડ બનાવ્યો
આકાર પામવા ચડી ચાકડે ત્યારે કાય ઘડી
ઘડુલી કયારે શિર પર ચડી?
છાંયે સૂકવી, ટપલે ટીપી, રાખમહીં રગદોળી
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી
છતાંયે કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી
ઘડુલી કયારે શિર પર ચડી?
પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી
બડ બડ કરતી કૂપમાં,જાણ્યું મુક્તિ જડી
ઘડુલી કયારે શિર પર ચડી?
દીધો આંચકો, એક પલકમાં, પાછી ઉપર તાણી
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી
પૂર્ણ હતી તો ચડી શિશ પર, મુસીબતોથી બડી
ઘડુલી કયારે શિર પર ચડી?
-પ્રભુલાલ દ્વિવેદી
એક ગઝલ -આબિદ ભટ્ટ્
ભલે પરણ સતત ખરે ન વૃક્ષને અસર કરે,
નચિંત સંત તો રહે ફકિર ના ફિકર કરે.
ન ધામની તને ખબર, ન ઠામની તને ખબર,
તો વ્યર્થ છે સતત ભ્રમણ ભલે નગર નગર કરે.
ન એકમાં હશે કદી, સમીપ સર્વની રહે,
દરેક તત્વમાં વસે અગર કદી નજર કરે.
નહીં સમીપ આવશે ન પામશે અમી નજર,
અમે કર્યો નિષેધ તે જ કર્મ સૌ બશર કરે.
ન સ્વપ્નમાં, ન ખ્વાબમાં, હકીકતે મળે તને,
નજર કદીક ભીતરે કરી અને ખબર કરે.
ખુદા તણી મધુર નજર, પછી પ્રસન્ન ઈશ પણ,
મળે સુગંધ ફૂલની સુકર્મ તું અગર કરે.
એક ગઝલ-ઊર્વીશ વસાવડા
કાચ તૂટ્યો એક પથ્થરની કથા પૂરી થઈ,
શબ્દ પ્રગટ્યો એક અક્ષરની કથા પૂરી થઈ.
ટોડલે બાંધેલ તોરણને ખબર પણ ના પડી,
કેમ ? કયારે? એક અવસરની કથા પૂરી થઈ.
એક ફળ સાથેજ થઈ આરંભ માનવની કથા,
એ ક્ષણે, ત્યારે જ ઈશ્વરની કથા પૂરી થઈ.
એમણે આવી, સહજ આંસુ લુછ્યું મારું, પછી,
કૈક પીડા, કૈક કળતરની કથા પૂરી થઈ.
શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.
એક ગઝલ-સુરેશચંદ્ર પંડિત
પ્રસંગો પાનખર થઈ જાય તો કેવી મજા આવે,
બરફના પથ્થરો તરડાય તો કેવી મજા આવે.
બધા ફૂલોની ઈચ્છાઓ બગીચાની હવા પી ગઈ,
બગીચાને હવે કંઈ થાય તો કેવી મજા આવે.
કુંવારી કન્યાએ હાથમાં મહેંદી ભરી છે ત્યાં,
નવી રેખાઓ આલેખાય તો કેવી માજા આવે.
તમારી શોધમાં હું તો હવે શેરીમાં ભટાકું ને,
કશું પણ ક્યાંય ના દેખાય તો કેવી મજા આવે.
સીમાડે પાળીયાઓ એક સાથે ચાલવા લાગે,
પછી લોકોજ ત્યાં ખડાકાય તો કેવી મજા આવે.
થોડીક બૌધિક વાતો!!
ભૂલતા શીખો. …..
જીવનમાં અઘરામાં અઘરી વાત હોય તો એ છે” બસ ભૂલી જવું” કેટ્લી વાતો,રાતો, મુલાકાતો ભૂલી શકાતી નથી અને ભૂલી જવા માટે હૈયું વ્રજનું જોઈએ.કોમળ હૈયું કશું જ ભૂલવા તૈયાર જ નથી.
જિંદગીમાં કાયમ સરવાળા જ કરવાના નથી કરવાના, બાદબાકી માટે પણ તૈયાર રહેવું પડે…જીવનમાં બાદબાકી પણ કરવી પડે.
બસ ભૂલી જાવ બસ બીજાની ભૂલો ભૂલી જાવ, વિસરી જાવ ..માફ કરતા શીખી જાવ.ભૂતકાળ યાદ કરી ખોટા દુઃખી ન થાવ..શું લઈને આવ્યાં હતાં? શું લઈ ને જવાના? કોઈને કડવું કહેલું વેણ કાયમ યાદ આવે અને ડંખે..એ જિંદગી પાયમાલ કરી નાંખે એ પહેલા બસ એને ભૂલી જઈ એ!દુશ્મનાવટ કરી શું ફાયદો! જિંદગી શોકમય બનાવવામાં શું ફાયદો? જ્યાં શોક છે ત્યાં દુઃખ છે.
ભૂલવાની કળા શીખો! પણ એક પ્રકારની આવડત છે.સારું યાદ રાખો.. ડ્ંખને ભૂલી જાવ..તો હળવા ફૂલ જેવા થઈ જશો..અને એ જિંદગી જીવવાની જે મજા છે તે મજા-મસ્તીમાં જીવો. ફરિયાદી વગરની જિંદગી જીવવાની મજા માણો…
**************************************************************************************
પરોપકારી જીવન જીવતા માનવીઓ ઘણી વિપત્તિઓ થી દૂર રહેતાં હોય છે..હંમેશા શાંતીનો આસ્વાદ માણતા હોય છે અને પ્રસન્નતા અનુભવતા હોય છે.
એક ગઝલ-ઉદયન ઠકકર
કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે.
તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચિતની હલ્લેસાં-સભર હોડી છે.
સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો, આ ચંદ્રતો ગોપાડી છે.
ગઝલ કે ગીતને એ વારાફરથી પહેરે છે,
કવિને પાસે શું વસ્ત્રોની બેજ જોડી છે.
એક ગઝલ- શયદા
જનારી રાત્રી, જતાં કહેજે , સલૂણી એવી સવાર આવે,
કળીકળીમાં સુવાસ મહેંકે ફૂલો ફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું ? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાયે, વિચાર આવે.
તમારી મહેફિલની એજ રંગત, તમારી મહેફિલની એજ હલચલ,
હજાર બેસે, હજાર ઉઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખન છે, નયન પ્રતિક્ષા કરે છે કોની,
ઉભો છે ‘શયદા’ ઉંબરમાં આવી,ન જાય ઘરમાં, ન બહાર આવે.
દિવ્ય ટપાલી
કોઈ વૃક્ષ કપટી નથી હોતું.
કોઈ પંખી ભષ્ટ નથી હોતું.
કોઈ વાદળ કંજૂસ નથી હોતું.
પર્વત જેટલો ઊંચો,
તેમ એની ખીણ ઊંડી.
મહાસાગર ગહન-ગંભીર ખરો,
પણ ઊમળકો તો અનંત.
તરંગસાશિ પર સદાય ઊછળતોજ રહે છે.
નદીના હૃદયમાં ભેદભાવ નથી હોતો.
સાધુ જેવા દેખાતા ગમે તે માણસનો
ચરણસ્પર્શ કરવા માટે પાગલ બનીને
પડપડી કરનારા લોકોને
ઉપર ગણાવ્યાં તેવાં
ભવ્ય અને દિવ્ય ગુરુસ્થાનો
નજર નહીં પડાતાં હોય?
****************
****************
સૂર્ય રોજ આપણને
જીવન નામની ટપાલ પહોંચાડે છે.
પર્વતો અસંખ્ય નદીઓઅ દ્વારા માતૃત્વ પહોંચાડે છે
અને પુષ્પો સુગંધ પહોંચાડે છે.
પાંદડે પાંદડે
પરમેશ્વરના હસ્તાક્ષરમાં લખાયેલી
ટપાલ માણાસો ને પહોંચતી જ રહે છે.
ભગવાનની ટપાલ વાંચવાની ફુરસદ
આપણી પાસે છે ખરી?
-ગુણવંત શાહ
રત્નકણિકા***
જેને કોઈ ઉપમા આપી શકાય એનું નામ છે “મા”
જેના પ્રેમને ક્યારેક પાનખર ન પડે એનું નામ છે “મા”
આવી મા છે ત્રણ-પરમાત્મા, મહાત્મા, ને મા
તેં જ્યારે ધરતી પર પહેલા શ્વાસ લીધો ત્યારે તારા માતા-પિતા તારી પાસે હતા. માતા-પિતા છેલ્લો શ્વાસ લે ત્યારે તું એમની પાસે રહેજે…સાથે રહીશ????
જે દિવસે મા-બાપ તમારી પાસે રડે છે ત્યારે તમારો કરેલો ધર્મ માતા-પિતાના એ આંસુમાં વહી જાય છે.
‘મા’ લાગણીનું અવિરત વહેતું ઝરણું..”બાપ” વહેતા ઝરણનો કિનારો!
ચરણ રુકે ત્યાં કાશી
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી.
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઉઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાંકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાય;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં હું આ જ પરમનું ધ્યાન;
કદી અચાનક રહું , જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં માંગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી!
-હરિન્દ્ર દવે