લખવી છે નવલિકા ?
બહેનના વિવાહ કરવાના હતા. મુરતિયાની શોધ થઈ. પણ થોડા દિવસ પછી એ યુવતીએ વડીલ ભાઈને જણાવ્યું કે પોતે ફલાણાની સાથે ઠીક ઠીક કાળથી પ્રેમમાં છે ને તેની સાથે જ પરણાવાની છે-બીજા કોઈ સાથે નહીં; માટે કશી ખટપટ કરશો નહીં.
મોટાભાઈ પહેલાં તો જરા ડઘાઈ ગયા પછી પેલા પ્રેમિક સંબંધે સવાલો પૂછ્યા. ઊલટ તપાસ ચલાવી… છે બીજી ન્યાતનો, ને વળી ઘણો છેટેનો વતની. ઉંમર તો બરાબર, પણ કુટુંબ સાવ અજાણ્યું.
હવે… એને વિશે વધુ તપાસ શી રીતે કરવી? એની ખાનદાનીનું, દિલ સચ્ચાઈનું પારખું કઈ રીતે કરવું ? વિચાર કરતાં કરતાં મોટાભાઈ એક દિવસ સીધા જ પહોંચી ગયા બહેનાના એ પ્રેમિક પાસે.
‘તમે મારી બહેન સાથે પ્રેમમાં છો?’
‘ હા મોરબ્બી’
‘સાચ્ચા જ પ્રેમમાં ? કે પછી અપલક ગરબડ?’
‘જી, પોતે તો શું કહું? પણ લગ્ન કરવાની પૂરી તૈયારી છે. કશી દિલચોરી નથી જ’
‘તો એમ કરશો? મારી બહેનનાં જે કાંઈ કાગળ-ચિઠ્ઠી તમારી પાસે હોય તો અમને સોંપી દેશો ?’
‘ખૂશીથી.. હમણાં આવું છું’ કહીને જુવાન ગયો અને થોડી વારમાં દસ -પંદર પત્રોનું પડીકું લાવીને વડીલના હાથમાં ધરી દીધું.
‘હું એ લઈ જાઉં તો હરકત નથી ને ?
‘એમાં હરકત શી હોય ? મારે તે બીજા કોઈ ઉપયોગ માટે તો જોઈતા નથી- ભલે મારું લગ્ન તમારે ત્યાં થાય કે ન થાય..’
બસ, મળી ગયો પુરાવો. ખાનદાનીનો. પૂરેપુરો. ભાઈ એ ઘેર જઈને વડીલોને ખાતરી કરાવી દીધી. બહેનનાં લગ્ન તેના એ પ્રેમિક સાથે થઈ ગયાં.
લખવી છે ? તો લખો નવલિકા. વાત સાચી છે.
(‘અક્ષર’ સામયિકઃ ૧૯૭૧)
Good test, but very rare.
Everything is in the short story. Why to bother?