પાણી બતાવશું
જાશું જઈને કાળની ગરદન ઝુકાવીશું,
સંસાર પરથી જુલ્મની હસ્તી મિટાવીશું.
જવાળાઓ ઠારીશું અને ફૂલો ખિલાવીશું,
જગને અમારા પ્રેમનો પરચો બતાવીશું.
કમજોરથી અમો નથી કરતા મુકાબલો,
કોણે કહ્યું કે ‘મોતથી પંજો લડાવીશું ‘?
મૃગજળને પી જશું અમે ઘોળીને એક દી,
રણને અમારી પ્યાસનું પાણી બતાવશું.
ચાલે છે ક્યાં વિરોધ વિના કોઈ કારભાર?
ભરીશું જો ફૂલછાબ તો કાંટા ય લાવીશું !
ડૂબેલ માની અમને ભલે બુદાબુદા હસે!
સાગર ઉલેચીશું અને મોતી લુંટાવીશું.
આખી સભાને સાથમાં લેતા જશું અમે,
અમને ઊઠાવશો તો કયામત ઉઠાવીશું.
બળશે નહીં શમા તો જલાવીશું તનબદન!
જગમાં અંખડ જયોતનો મહિમા નિભાવીશું.
માથા ફરેલ શૂન્યના ચેલા છીયે અમે,
જ્યાં ધૂન થઈ સવાર ત્યાં સૃષ્ટિ રચાવીશું.
-શૂન્ય પાલનપૂરી