સુંદર શે’ર
સુરાલયમાં જાશું જરા વાત કરીશું,
અમસ્તી શરાબી મુલાકત કરીશું.
-શેખાદમ આબુવાલા
દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
– અમૃત ઘાયલ
પીઠમાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જીદમાં રોજ જા ઉં તો કોણ આવકાર દે!
આ નાના દર્દ તો થાતાં નથી સહન,
દે, એક મહાન દર્દ અને પારવાર દે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું , મને કોણ મનાવે?
-મરીઝ
સાદગી
ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ચીની મુસાફર ફાહિયાન ભારતમાં આવ્યો હતો. ફરતાં ફરતાં તે મગધમાં જઈ ચડ્યો. મગધનું વ્યવસ્થિત સામ્રારાજ્ય જોઈને તે આભો બની ગયો હતો.
એને જ્યારે ખબર પડીકે આનો નિર્માતા ચાણક્ય છે ત્યારે એ ચાણ્ક્યનો મહેલ શોધવા નિકળ્યો. એને એમ હતું કે ચાણક્ય સંગે મરમરના મહેલમાં રહેતો હોવે જોઈએ એણે કોઈને પૂછ્યું ત્યારે ખબર પડી કે ચાણક્ય કોઈ મહેલમાં રહેતો નથી પણ ગામની બહાર નાની ઝૂંપડીમાં રહે છે ત્યારે એક ક્ષણ માટેતો એ વાત ને માનવા તૈયાર ન હતો. જે મગધના સૂખી સામ્રારાજ્યનો નિર્માતા હોય તે પોતે ઝૂંપડીમાં રહે? અશક્ય!!!
બે-ત્રણ સ્થાનેથી ચોકક્સ નર્ણય થયા બાદ એ ચાણક્યની ઝૂંપડી તરફ જવા રવાના થયો.આખા રસ્તામાં એના મગજમાં એક જ પ્રશ્ન સાપની જેમ સળવળાતો હતો… આટલો મહાન માણસ ઝૂંપડીમાં શા માટે ? એણે ચાણક્યને પ્રશ્ન કર્યો ત્યારે ચાણાક્યે જે જવાબ આપ્યો તે આજના દિલ્હીની ગાદી પર બેઠેલા સત્તાધારીઓએ કાન ખોલીને સાંભળવા જેવો છે.
ચાણક્યે કહ્યું..” જે દિવસે અમાત્યો ( મંત્રીઓ) મહેલમાં રહેતા થશે તે દિવસે પ્રજાને ઝૂંપડીમાં રહેવાનું થશે. જે દિવસે મહાઆમાત્યો મહેલોની લાલચ કરશે તે દિવસે આ સામ્રારાજ્ય તૂટી જશે.”
ગઝલ-ડૉ. મુકુલ ચોકસી
ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું,
ઉન્માદ કેવું રકિતમ છે રૂપ આ રજસનું.
ફડી નથી શકાતું પાનું વીત્યા વરસનું,
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જરસનું.
પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ,
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું.
પેટાવો પાંદેપાંદે એ તળપદા તરન્નુમ,
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું.
કેવા અસૂર્ય દિવસો! કેવી અશ્યામ રાતો,
કેવું ઝળઝળકતું મોંસૂઝણું મનસનું.
-હરીન્દ્ર દવે
બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઉઠી ગયો.
બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.
આગળ હતી વસંતની માદક હવા છતાં,
હું પાનખરના દેશમાં પાછો ફરી ગયો.
આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો આપણોપ્રરણ તો વિરહમાંરહી ગયો.
ગઝલ-રમેશ પારેખ
આપણે આપણો ધર્મ સંભાળીએ,
સૂર્યને ન્યાળીએ ઘાવ પંપાળીએ.
ઢાળીએ રાતનું ઢીમ ઘરમાં અને,
જીવને ઝાટકી વાસીદું વાળીએ.
શ્વાસ કરતબ કરે, જાય પાછો ફરે,
જોઈ એ ખેલ તાળી દઈ તાળીએ.
વિશ્વમાં પેસીએ, ટેસથી બેસીએ,
ટેસથી આંખને , ટાંળીએ ગાળીએ.
મૂછને તાવ દઈ આપણી નાવ લઈ,
રાહ દરિયાવની દેખીએ જાળિએ.
હાસ્યેન સમાપયેત…
એક ઈશ્કમિજાજ યુવાન રસ્તા ઉપર ગમે તેમ ચાલતો હતો.એક યુવાન છોકરી કહ્યું.” રસ્તા પર કેમ તોફાન કરે છે ? રસ્તો તારા બાપનો છે?”
“ના જી મારા બાપનો નથી. પરંતુ તમારા પિતાજીનો હોય તો દહેજમાં હું લેવા તૈયાર છું”
***********************************
પોલીસઃ” સાઈકલ ઉપર બે જણા કેમ બે બેઠા છો? તમારા પર કેસ થશે.”
વ્યક્તિઃ”કઈ નહીં થાય!! અમારી સાથે ભગવાન છે.”
પોલીસ” ” તો ,તો ત્રણજણને બેસાડવાનો કેસ થશે.”
*************************************
કવિઃ ” તંત્રીજી, જુઓ આ મારા કાવ્યો, સમાજન સળગાવી મુકે એવા કાવ્યો છે.”
તંત્રીજીઃ તો એમજ કરો કવિરાજ કે આ કાવ્યોનેજ સળગાવી દો!!
*************************************
રસ્તા પર બેઠેલા ભિખારીએ ફૂટપાથ ઉપર ચાલતા શેઠને પૂછ્યું” શેઠ દસ રુપિયાના છૂટ્ટા આપશો?”
શેઠે ખિસ્સામાં હાથ નાંખ્યો ને ભિખારીને કહ્યું..”મારી પાસે માત્ર નવ રુપિયાજ છે”
ભિખારી બોલ્યો” શેઠ, લ્યો આ દશ અને નવના રુપિયા આપી દો, એક રુપિયો નહી આપો તો ચાલસે , તમે રાખજો..મારા વતી!!
પાણાનાં દૂધ
એવો મુલક એક આવ્યો નપાણિયો કે
પાણાનાં દૂધ પીધા.
ભૂસ્યું’તું ઝાડવાનું નામ અહીમ ભોમે
ને ભૂલ્યા’તા રંગ અમે લીલો,
મારગ મળ્યો ત્યાં જતો ગોરસ છૂપાવતો
કાળી શિલાનો કબીલોઃ
મટકી શી એક એક મુશ્કેલી ફોડીને
દેવતાના દાન અમે લીધા.
આભપરા ડુંગરાના ઊંચા થઈને
ડોકાતાં રાવણિયાં માથા,
રામજી તો રૂદિયામાં ક્યાંયે સંતાય
એનાં ખૂટી પડે અખૂટ ભાથાં ;
એક તીર સોનાનું એવું સળવળ્યું કે
એના કિરણે કોળેલ પંથ સીધા-
આખોય પંથ અમે જોયું ન કોઈ
પણ કોઈ હતું સાથે ને સાથે.
એકબીજા ભેરુઓની સાથે જોઈને કહ્યું;
કોનો આ હાથ હતો માથે?
કીધા ન જાય એવા કોઈના કામણથી
કેવાં કામણ અમે કીધા!
=મકરન્દ દવે
કવિ મિત્રોની જન્મદિન શુભેચ્છા!!
મિત્રો,
બાંસઠ વર્ષની લાંબી મંઝિલ કાપી..સુખ-દુઃખના ખુટાડા પીતા, પીતા..ધુપ-છાંવમાં રહી, અનેક અનુભવોની ભભુતી લગાવી છે. નિવૃતીના દ્વાર પર આવી,,ઝાંખતા એવું લાગે છે કે જે ઈચ્છા અધુરી રહી છે તેને પરિપૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.. અને તે છે
..સાહિત્યની સારિતા સાથે ..કાવ્ય-સુંદરીને સાથે સાથે..બાકીનું જીવન જીવી શકાય..મારી માતૃભાષાને પરદેશમાં રહી.,, એની ખેવના કરી શકાય…મારી ગરવી-ગુજરાતી ભાવિ-પેઢીમાં જીવંત રહે એજ શુભ-ભાવના મારા આ બાંસઠ વર્ષની જન્મગાંઠે રહેશે…
મિત્રો,
મારી સાંઠમી વર્ષગાંઠે.. ( બે વર્ષ પહેલાં) ઊજવાએ ત્યારે હ્યુસ્ટનના કવિ મિત્રોએ સાથ મળી ..ષષ્ટીપૂર્તિ નિમિતે..”વિશ્વદિપ બનીને તું ઝળહળે રેખાની પ્રિત”નું સુંદર કાવ્ય રજૂ કરેલ..દસ જેટલાં કવિ-મિત્રોએ ચાર,ચાર લાઈનની કવિતા લખીને મને આનંદથી તરબોળ અને હર્ષના આંસુથી ભીજવી દીધેલ…તે ઉપરાંત વ્યકતિગત કાવ્ય અને ગઝલ મારા જન્મદિને રજૂ થયેલ તેમાની બે રચના આપની સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. સાથો સાથ સૌ કવિ મિત્રોનો આભાર આ સાથે વ્યક્ત કરું છું
*********************************************************
વિશ્વદીપ બારડના સાંઠમા જન્મદિને..-રસિક મેઘાણી….. -સુમન અજમેરી
બારડ કે જેણે ગાળી છે શરાફતની જિંદગી, છલકે નદી જો પુરઆવે, દરિયો કદી છલકે નહિ,
બારડની જિંદગી છે મહોબતની જિંદગી. પળપળ કરો છો આચરો, ઉપકાર કદી ઝલકે નહી
બારડ ચમકતા ચાંદનો ચમકે છે ચાંદલો, છે ભેખ તેં તો લઈ લીધો ઉદારતા લુંટાવવા
બારડ ઝબકતા આભનો ઝબકે છે આભલો. કેટ કેટલા ઊંચક્યા, ના ગર્વ મોં ફરકે કદી.
બારડ હ્રદયના ભાવ કવિતામાં વાંચતો તું બાગબાં નિજસૃષ્ટીનો નોંધારનો આધાર તું
બારડ જીવન પ્રસંગ અનુભવમાં ઢાળતો જે જે પડ્યાં, ઊઠાવીને આભાર-ભાવ રણકે નહી
બારડ તમારો જન્મદિવસ ઝળહળે સદા છો વિશ્વનો દીપને, અંધકાર ફેડે સર્વદા
તમ જ્યોત વિશ્વદીપ જલતી રહે સદા મોં પર કદાપિ ભાવના ધમંડ લલકે નહી
માલી બનીને જેણે સીચ્યું છે બાગને છો વટાવી સાઠી તેં, યુવાનને શરમાવતો
જીવન વસંત ખીલતી કીધી છે ફાગને આ જોમ ઠુસ્સો જોશના પ્રતિપગ કદિ ઢળકે નહી
રેખા સમાન જેને એ અર્ધાગના મળી આશિષ, દીપ્તિ-રેખની તારા કદમ કંડારતી
બારડની જાણે જિંદગીમાં સાધના ફળી પૌરૂષની આ ખેવના તારા નયન ચમકે ઠરી
બારડ, “રસિક” દુઆ કરે જ્યા સુધી રહે -સુમન અજમેરી
સુખ-ચેનથી રહેને સદા પ્રેમથી રહે
-રસિક મેઘાણી
એક કાવ્ય-હસમુખ ગાંધી
પંખીના લીલા ટહુકાને
ઈન્ડિપેનની ટાંકથી
સળાગતું મૌન બનાવી દીધા પછી
સહરાની
સુકીભઠ્ઠ ધરતી જેવા કાગળ ઉપર
ફૂલોની કવિતાઓ કરે છે
અહિંના કવિઓ.
પ્રિય સખીને..Happy Valentine’s Day
હાથમાં હાથ, આંખમાં આંખ મિલાવી,
જિંદગીનો રસ્તો સાથ , સાથ કાપતા રહ્યાં પ્રિયે !
અખિલ બહ્માંડનું તેજ છે તારી મુઠ્ઠીમાં,
એના સહારે, સહારે અંધકાર કાપતા રહ્યાં પ્રિયે !
સુખ-દુઃખના સંમદર સાથ-સાથ ઘોળનારા,
અમરતનો આનંદ પણ સાથ સાથ માણાતાં રહ્યાં પ્રિયે!
પ્રણાય-કુંજમાં સ્નેહનું સિંચન સદા કરતાં રહ્યાં,
આજ સુખદ પરિવારનું ફળ ચાખતા રહ્યાં પ્રિયે !
વિતી ગયા વર્ષો ઘણાં સાથ ચાલતા ચાલતા,
આવેલી સંધ્યાના વધામણાં સાથ સાથ કરતાં રહ્યાં પ્રિયે!
કોઈ તો કહેશે કદી કે “આ જગતના પ્રેમી પંખી,
દીપ-રેખાએ કેવો સુંદર માળો બાંધતા ગયા પ્રિયે !
**************************************************
ઘણાં મિત્રો કહેતાં ફરે છે કે ..અમારે તો દરરોજ” વેલેન્ટાન્સ-ડે” “મધર-ડે”,” ફાધર-ડે,” વર્ષમાં એકજ વખત તહેવાર મનાવવાથી પ્રેમ કઈ વધી જતો નથી. હા.. પ્રેમ અવિરત હોય! પણ વરસમાં એક વખત ખૂશાલી મનાવવાથી મન,હૃદય પ્રફુલ્લિત થાય છે..જેવી રીતે આપણે કોઈ પણની વ્યક્તિનો જન્મ-દિવસ મનાવવીએ છીયે કે કોઈ પણ તહેવાર .. જેમ કે રામનવમી,જન્માષ્ટમી,કે ક્રિસમસ ને ધામ-ધૂમથી મનાવવીએ છીએ..તો ત્યારે ઈશ્વર પ્રત્યે તેજ દિવસે આપણો પ્રેમ શું વધી જાય છે? દરરોજ પ્રેમ તો એવો ને એવોજ રાખીએ પણ તહેવાર મનાવી એ દિવસ ,આનંદમાં વધારો કરી તહેવારને કે વ્યક્તિને માન આપી..ખુશ કરીએ તો આપણને પણ કઈક કર્યાનો સંતોષ થાય.. જીવનમાં આનંદ મનાવવા માટે પણ જગતમાં જુદા, જુદા તહેવારો માનવ સર્જિત છે અને આવી જ રીતે ખૂશી વ્યક્ત કરી માનવ જીવનને આનંદમય બનાવવાની આમા ભાવના રહેલી છે.
ગમતા શે’ર
હરું છું ફરુ છું નગરમાં સતત
છ્તાં કેમ લાગું કબરમાં સતત..આહમદ મકરાણી
સંમદર જુઓ કેવો હાંફી રહ્યો ?
બધાં નીર નદીઓના તાણ્યા પછી..આદિલ મન્સસૂરી
પછી દાનમાં લઈ જજો ચક્ષુઓ
પ્રથમ થોડા આંસુઓ રમવા તો દો…ડૉ.એસ.એસ્ રાહી
તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા
મહા મોંઘા અવસરનો સોદો ન કર..મનોજ ખંડેરીયા
અડીખમ ઊભા શ્વાસના ખારવા
અનાગતના જળ ખળભળે છે હજી…ડૉ.રશીદ મીર
કરી રામ દીવો હવે ખુદ અમે
નીકળશું મશાલો જલાવ્યા સમે..હર્ષદ ત્રિવેદી
અમે ઈચ્છયું એવું……
એક એવું ઘર મળે આ વિશ્વમાં-
જ્યાં કશા કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !
એક, બસ એકજ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું!
‘કેમ છો’? એવું ય ના કહેવું પડે-
સાથ એનો પંથમાં ભવભવમાં મળે!
એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!
તોય તે ના રંજ કંઈ મનમાં રહે –
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !
-માધવ રામાનુજ
આંખ ફરતે-રન્ના દે.શાહ
આંખ ફરતે પાતળું ઝાકળ રચાતું જાય છે,
લે ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે.
માછલી દરિયો ભરી લે હાડમાં તું એ પછી,
એક બળતું રણ બહું ઉંડે સમાતું જાય છે.
ફૂટશે ક્યારે હવાના લાખ પરપોટા અહીં,
એક ધારી દોડનુ પગલું ભરાતું જાય છે.
કોણ અનરાધાર વરસીને ગયું કોને ખબર ?
જળ્ ભરેલા આયનામાં શું જડાતું જાય છે.
દૂર તારાથી જવાનું શક્ય બનવાનું નથી,
પળ પછી ની પળ તને રોજે જે મળાતું જાય છે.
*બિપીન ગોહિલ
આ સમયે સાથે હવે કંઈ સ્નેહ બંધાતો નથી
દોસ્તીનો દોર તૂટ્યો કેમે સંધાતો નથી ?
એકલો અટવાઉં છું અકળાઉં છું હું ઘર મહી
કોઈનો એકાદ સાચો શબ્દ કહેવાતો નથી.
ચાંદની ગઈ આછરી ને સૂર્ય પણ ઝાંખો થયો
તાપ ભીતરનો પરંતુ શીત કાં થાતો નથી?
જિંદગી જાણે બરફના દેશમાં ભૂલી પડી
ક્યાંક થોડી હૂંફ કે આધાર દેખાતો નથી.
હું ગઝલને એટલા ખાતર રહું છું છેડતો
કે ન તમને થાય એવું કે હવે ગાતો નથી.
લગ્નના ગીતો(ફટાણા)-ભાગ-૨
મિત્રો અને પ્રિય “ફૂલવાડી”ના વાંચકો, આપની સમક્ષ લગ્ન-વિષયક ગીતો નો ભાગ-૨ રજૂ કરતા આનંદ અનુભવું છું.(આપનું મનતવ્ય અને અભિપ્રાય ઘણાં જ મહત્વના છે.)
Beni Betha Ganesh Paas�. |
![]() |
![]() |
![]() |
Aaj Re Anand No Divas�. | ||||||||||||||
![]() |
||||||||||||||
![]()
શાદીઓનલાઈન”ના સૌજન્યથી |
રંગાઈ જાતો હું નથી -જટિલ વ્યાસ
હે ગુલબદન, તારું વદન જોતા ઘરાતો હું નથી,
મયથી ભરાયે જાઉં છું, છલકાઈ જાતો હું નથી.
હું પ્રેમનું એવું અલૌકિક છું ઝરણ હે બે ક્દર,
અવહેલનાની આગમાં બાળ્યો બળાતો હું નથી.
ગંગામહી સદ્ ભાવનાની એટલો પાવન થયો,
કે વેરથી વા ઝેરથી વટલાઈ જાતો હું નથી.
માટી તણી કબરે ભલે આ બીજાને દાટો ભલે,
ફોરીશ થઈ ને ફૂલ , કૈ દાટ્યો દટાતો હું નથી.
આ કોઈ બીડે આંખડી , કો દ્વાર બંધ કરી રહ્યા,
શું આટલો છું તેજ કે જીરવી શકાતો હું નથી.
ઈન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો જટિલ,
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી.
-જટિલ વ્યાસ
લખવી છે નવલિકા ?
બહેનના વિવાહ કરવાના હતા. મુરતિયાની શોધ થઈ. પણ થોડા દિવસ પછી એ યુવતીએ વડીલ ભાઈને જણાવ્યું કે પોતે ફલાણાની સાથે ઠીક ઠીક કાળથી પ્રેમમાં છે ને તેની સાથે જ પરણાવાની છે-બીજા કોઈ સાથે નહીં; માટે કશી ખટપટ કરશો નહીં.
મોટાભાઈ પહેલાં તો જરા ડઘાઈ ગયા પછી પેલા પ્રેમિક સંબંધે સવાલો પૂછ્યા. ઊલટ તપાસ ચલાવી… છે બીજી ન્યાતનો, ને વળી ઘણો છેટેનો વતની. ઉંમર તો બરાબર, પણ કુટુંબ સાવ અજાણ્યું.
હવે… એને વિશે વધુ તપાસ શી રીતે કરવી? એની ખાનદાનીનું, દિલ સચ્ચાઈનું પારખું કઈ રીતે કરવું ? વિચાર કરતાં કરતાં મોટાભાઈ એક દિવસ સીધા જ પહોંચી ગયા બહેનાના એ પ્રેમિક પાસે.
‘તમે મારી બહેન સાથે પ્રેમમાં છો?’
‘ હા મોરબ્બી’
‘સાચ્ચા જ પ્રેમમાં ? કે પછી અપલક ગરબડ?’
‘જી, પોતે તો શું કહું? પણ લગ્ન કરવાની પૂરી તૈયારી છે. કશી દિલચોરી નથી જ’
‘તો એમ કરશો? મારી બહેનનાં જે કાંઈ કાગળ-ચિઠ્ઠી તમારી પાસે હોય તો અમને સોંપી દેશો ?’
‘ખૂશીથી.. હમણાં આવું છું’ કહીને જુવાન ગયો અને થોડી વારમાં દસ -પંદર પત્રોનું પડીકું લાવીને વડીલના હાથમાં ધરી દીધું.
‘હું એ લઈ જાઉં તો હરકત નથી ને ?
‘એમાં હરકત શી હોય ? મારે તે બીજા કોઈ ઉપયોગ માટે તો જોઈતા નથી- ભલે મારું લગ્ન તમારે ત્યાં થાય કે ન થાય..’
બસ, મળી ગયો પુરાવો. ખાનદાનીનો. પૂરેપુરો. ભાઈ એ ઘેર જઈને વડીલોને ખાતરી કરાવી દીધી. બહેનનાં લગ્ન તેના એ પ્રેમિક સાથે થઈ ગયાં.
લખવી છે ? તો લખો નવલિકા. વાત સાચી છે.
(‘અક્ષર’ સામયિકઃ ૧૯૭૧)
*રાજ લખતરવી
સાવ નોંખી ધૂળના માણસ અમે,
આશિકોના કૂળના માણસ અમે.
થઈ ગયા છઈ ફૂલના હમણા ભલે,
મૂળ તો છઈ શૂળના માણસ અમે.
થઈ ગયા દાનવ સમય સંજોગથી,
દેવ જેવા મૂળના માણસ અમે.
બોલવાના પાળવાના કૈ નહીં,
ક્યાં હતા રઘુકૂળના માણસ અમે.
‘રાજ’ સોનાના હતા સતયુગ મહીં,
કળિયુગે તો ધૂળના માણસ અમે.
-નાઝિર દેખૈયા
ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;
ગટગટાવે જાઉં છું આરામ છે.
નાશમાંથી થાય છે સર્જન નવું ;
મોત એ જીવનનું નામ છે.
તું નહીં માણી શકે દિલનું દરદ;
તારે ક્યાં આરંભ કે પરિણામ છે!
દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ ધામ છે.
આછું મલકી લઈ ગયા દિલના કરાર;
કેવું એનું સિધું સાદું કામ છે!
છેહ તો તારાથી દેવાશે નહીં;
ઠારનારા ! એ ન તારું કામ છે.
ખાકને ‘નાઝિર’ ન તરછોડો કદી;
જિંદગીનો એ જ તો અંજામ છે.
વડો પ્રધાન છું છતાંય..
“વાહ! આ સાડીઓ તો બહું સરસ છે. શી કિંમત છે?”
“જી , આ આઠસોની છે અને આ હજાર રૂપિયાની.”
“ઓહો! એ તો બહું કિંમતી કહેવાય.એનાથી સસ્તી બતાવશો મને?
“તો આ જુઓ પાચસોની અને આ ચારસોની છે”
“અરે ભાઈ એ પણ કિંમતી ગણાય. કંઈક ઓછી કિંમતી બતાવો તો મારા જેવા ગરીબને પોસાય!”
“વાહ! સરકાર – એવું શું બોલો છો? આપ તો અમારા વડા પ્રધાન છો-ગરીબ શાના? અને આ સાડીઓ તો આપને ભેટ આપવાની છે.”
“ના મારા ભાઈ, એ ભેટ હું ન લઈ શકું.”
“કેમ વળી” અમારા વડા પ્રધાનને કાંઈક ભેટ ધરવાનો શું અમને અધિકાર નથી?”
“હું ભલે વડા પ્રધાન હોઉં, પણ તેનો અર્થ એ નહીં કે જે ચીજ હું ખરીદી ન શકું તેમ હોઉં, તે ભેટરૂપે લઉં. વડો પ્રધાન છું છતાંય હું છું તો ગરીબ જ. મારી હેસિયત પ્રમાણેની સાડીઓ જ હું ખરીદવા માગું છું. માટે ઓછી કિંમતવાળી સાડીઓ મને બતાવશો”
રેશમના કારખનાવાળાની બધી વિનવણી નકામી ગઈ. આખરે લાચાર થઈને એને સસ્તી સાડીઓ બતાવવી પડી. અને એમાંથી ગરીબ ભારતના વડા પ્રધાન લાલ બહાદુરજીએ પોતાના પરિવાર માટે સાડીઓ ખરીદી કરી.
-અમૃત મોદી
(ધન્ય છે ભારતના વિરલા સુપુતને! સાભળું છે કે લાલ-બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ તેના પર દેણું હતું તે પણ તેના દિકરાઓને ભરવું પડ્યું..આવા વિરલા તો ભાગ્યેજ પેદા થાય્!)