તમન્ના કરુંછું
કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારાં સુખની તમન્ના કરું છું.
તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.
આ સમજણ,આ વળગણ આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.
મને પામવા તૂં પરીક્ષા કરે છે,
તને પમવા તારી પૂજા કરું છું.
ઘણીવાર આ પ્રશ્નો જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.
કિરણ ચૌહણ- જન્મઃ ૭-૧૦-૧૯૭૪ , વતન: સુરત,વ્યસાય: પત્રકાર,શિક્ષક , યુવાકવિઓના ગઝલ સંગ્રહ “અજવાળું સૂરત, ગઝલો ઉપરાંત હાસ્ય ગઝલો , નાટકો, ગીતો ,નવલિકાઓ, હાસ્ય નિબંધો વગેરે લખ્યા છે.
એક માત્ર સુરતની મુરતજ નહી, સમગ્ર ગુજરાતી સાહિત્યની યુવાન પેઢી તેમજ
ગુજરાતી સાહિત્ય જગતમાં નાની ઉંમરે “શયદા” એવોર્ડ પ્રાપ્ત કરી પોતાની આગવી છટાથી મોખરે રહેનાર ‘કિરણ’ આપણાં સાહિત્યનું ગૌરવ છે.