ગુજરાતી શેર સમૃધ્ધિ…
શંકરની જેમ નાગને મફલર કરી શકો,
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો?…ખલીલ ધનતેજવી
ઘણીવાર વરસાદ એવો પડે ,
ચિતા પર ચઢો ને સળગવા ન દે…ચિનુ મોદી
કાગળમાં તારી યાદના કસ્સાઓ લખ મને,
જો શક્ય હો તો પ્રેમના ટહુકાઓ લખ મને…દિલીપ પરીખ
હું બેખબર રહું છું હવે મારા હાલથી,
કંઈ જાણવા સમું હો તો મુજને જણાવજો…નઝીર ભાતરી
મેં કર્યો એકજ સ્થળે ઊભા રહીને ઈન્તિઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…બેફામ
એ સૌથી વધુ ઉચ્ચ તબ્બકો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે… મરીઝ.
કલમનો સંગ લીધો, અક્ષરી અજવાસ લઈ લીધો,
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઈ લઈ લીધો..મુસાફિર પાલપૂરી
ખૂદા ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે કયાંય દેખાવું નથી ગમતું…રૂસ્વા મઝલૂમી
પ્રેમની કો’દેન
જિંદગીના રંગને તું ઢોળમાં,
એજ માયા મૂકી છે ભંડોળમાં.
જ્યાં કદી આશા કોઈ ફળતી ન હો,
ના, જજે તું કોઈ દિ’ એ પોળમાં.
આભની આંબી જવાની મોજ મેં,
ખૂબ માણી કલ્પના ચકડોળમાં.
ભાગ્ય તારું તો છે તારી હામમાં,
તું હથેળીમાં સિતારો ખોળામાં.
લાગતી વસમી નથી તન્હાઈ આ,
કલ્પનાની બેઠો છું, હું સોળમાં.
આપ સેવામાં ક્હો કે કયાં જશું,
ચોતરફ વર્ષાની છાકમ છોળમાં.
પ્રેમની કો’ દેન હીણી ના સમજ,
ધૂળની ચપટી ભલે દે છોડમાં.
યા ખૂદા તારો ‘ફઝલ’પર છે ફઝલ,
માનથી બેઠો છે સૌની હોડમાં.
-ફઝલ જમનગરી( કરાંચી)
ઈશારતે માત્ર ઓળખાયે!
સાથિયા પૂરાયા પ્હેલાં સાથિયા દેખાયે છે,
ખ્યાલમાં કોઈના જ્યારે હઈડાં ખેંચાયે છે.
તે’વારોના દિન થકી અધિક સોહામણાં,
નામ છે તેઓનાં જેઓ ચોપડે લખાયે છે.
સભાઓમાં હોય છે શું આખરે ભંગાણ વિણ?
ખાનગી તોફાનો સાચૂં કૈક રચી જાયે છે.
કોક અજાણ્યાની સાથે કરાયો પ્રયાસ જો,
જાન તણું કેવું ત્યારે પડીકું બંધાયે છે.
ચહેરાઓ ચિત્તચોર , ઠગારાં પતીલ નેન,
ઈશારતે માત્ર જાદૂગરો ઓળખાયે છે.
દિવાન -એ-પાતીલ(મગનભાઈ ભૂધરભાઈ પટેલ)
શબ્દ-અવતાર
પૂર્ણમાંથી અંશ અવતારી થયો,
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.
‘તું’ થઈને શુદ્ધ શૃંગારી થયો,
‘હું’ થઈ અવધૂત અલગારી થયો.
કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એજ ઉદ્ગારી થયો.
મુક્ત સ્વચ્છાએ જ બંધાયો સ્વમાં,
સ્થિર મટીને કેવો સંચારી થયો !
તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઈને પૂજારી થયો !
રાજેન્દ્ર શુક્લ.
સુદૂર -પ્રિયવદન નૌતમરાય પાઠક
આ અટકવિમાં ભટક્યા કરૂં, દર્શન તમારા દૂર છે,
આલમ નથી ઓઝલ મહીં, તોયે નઝારા દૂર છે.
આ નાવ છે મઝધારને વાયુ વિનાના આ શઢો,
લંગર બિચારા શું કરે ! નારા-કિનારા દૂર છે.
વર્ષા તણો આ કાળ છે, આકાશમાં મેઘો નથી,
ઉદ્રગ્રીવ ઊભો યક્ષ આ, ને યક્ષ-દારા દૂર છે.
પ્રાવૃષ છે ને પૂર્ણિમા, આકાશ તો ઘનઘોર છે,
કુમુદ-હૈયે ચ્રંદ્ર છે, ને ચ્રંદ્ર-તારા દૂર છે.
સાથે રમ્યાં, સાથ જીવ્યાં આનંદથી ભરપૂર પણ-
આયે હવેનો વક્ત છેઃ સાજન અમારા દૂર છે.
-પ્રિયવદન નૌતમરાય પાઠક
તમન્ના કરુંછું
કહ્યું કોણે કે તારી પરવા કરું છું,
હું બસ તારાં સુખની તમન્ના કરું છું.
તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.
આ સમજણ,આ વળગણ આ દર્પણ યા કંઈ પણ,
અકારણ-સકારણ હું તડપ્યા કરું છું.
મને પામવા તૂં પરીક્ષા કરે છે,
તને પમવા તારી પૂજા કરું છું.
ઘણીવાર આ પ્રશ્નો જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
હવે જીતવાની મજા પણ મરી ગઈ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.
કિરણ ચૌહણ- જન્મઃ ૭-૧૦-૧૯૭૪ , વતન: સુરત,વ્યસાય: પત્રકાર,શિક્ષક , યુવાકવિઓના ગઝલ સંગ્રહ “અજવાળું સૂરત, ગઝલો ઉપરાંત હાસ્ય ગઝલો , નાટકો, ગીતો ,નવલિકાઓ, હાસ્ય નિબંધો વગેરે લખ્યા છે.
એક માત્ર સુરતની મુરતજ નહી, સમગ્ર ગુજરાતી સાહિત્યની યુવાન પેઢી તેમજ
ગુજરાતી સાહિત્ય જગતમાં નાની ઉંમરે “શયદા” એવોર્ડ પ્રાપ્ત કરી પોતાની આગવી છટાથી મોખરે રહેનાર ‘કિરણ’ આપણાં સાહિત્યનું ગૌરવ છે.
-તો કહું!
હમભી એક દીન …..!( રાજેન્દ્ર શુકલ)
******************************
લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું.
આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!
શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું!
હું કદી ઉચ્ચા સ્વરે બોલું નહી,
એકદમ નજદીક આવે કહું!
કોઈને કહેવું નથી એવું નથી,
સ્હેજ તૈયારી બતાવે તો કહું!
-રાજેન્દ્ર શુકલ
સિધ્ધા-સાદા માનવ !
સૂરજ જેમ રોજ રોજ બળ્યા કરવું છે મારે,
થોડું તેજ દઈ ઠર્યા કરવું છે મારે.
એકજ કવચ મળ્યું છે વરદાનમાં મને,
કોઈ ભલી કુંતામાત ને દાનમાં દેવું છે મારે.
મૃત્યુંનો ડર કદી પણ રહ્યો નથી મને,
મૃત્યુંલોકમાં હવે થોડી જગા કરવી છે મારે.
સ્વર્ગ મળશે કે પછી નર્કની ચિંતા શીદ મને,
એ સિધ્ધા-સાદા માનવ બની જીવવું મારે.
એક ગઝલ- રાવલ પરિમલા કે.
આવે ભલે સંકટ જીવનની હરપળે,
પ્રેમથી પંપાળવાના હોય છે.
ખીલતાં ખુશબુ ભરેલા ફૂલડાં,
કળી કાજે સમર્પિત થાય છે.
આ જગતને ડરનથી મોજા સુનામી તણો,
અંચળો અમરતા તણો પહેરી ફર્યા કરે છે.
રોગ શત્રુ પણ અચાનક આવશે,
આનંદથી સ્વીકારવાના હોય છે.
અળગા થયા મૃત્યુ પછી સંસારથી,
ન-નામી નામ તેને અપાય છે.
ઉઠે પરપોટા ઘણાં સંસારના સાગરમહીં,
નિશ્રિત બધા તે ફૂટવાના હોય છે.
પત્રસંવેદના
– રાજેન્દ્ર શુક્લ
****************************
દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !
આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !
હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !
જાગતી રાતે જગત ઊંઘે તદા –
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !
પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !
– રાજેન્દ્ર શુક્લ
હે ઈશ્વર ! સુણી લેજે…
મરવું જ જરુરી છે ને? તો લે હુંયે મરીને આવું છું!
હે ઈશ્વર સુણી લે જે , ભવ પાર કરીને આવું છું!
બધાં જ નિયમો જાણીને, બધી જ શરતો પાળી છે,
હર એક કસોટીમાં તું જો , હથિયાર ધરીને આવું છું.
આ તો મારી જીત ઉપર શંકા છે જગના લોકોને-
ને તો જ છે તારી આબરૂ , જો હું હારીને આવું છું.
અમથી જ નથી પાષાણ કંઈ, આ મંદિરની મૂર્તિઓ
તારી જેમ જ હું વર્ષો લગ , એને ડારીને આવું છું.
કંઈ ભૂલ થઈ હો મારી તો ,માફ કરીને દે જે ઈશ્વર !
ભલે છું તારો દુશ્મન પણ તુજને જ સ્મરીને આવું છું.
-નવાબ
આ રીતે મળવાનું નંઈ !
જો, આ રીતે મળવાનું નંઈ !
દરિયો તો હોય, તેથી નદીએ કંઈ દોડીને
આ રીતે ભળવાનું નંઈ!
જો, આ રીતે મળવાનું નંઈ…
પાંદડી ગણીને તમે અડક્યો, ને
મારામાં ઊંડ્ઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
એક એક રુંવાડે પાડે તું ધાડ;
છીંડુ તો હોય , તેથી ઊભી બજારેથી
આ રીતે વળવાનું નંઈ !
જો, આ રીતે મળ્વાનું નંઈ…
એમ કાંઈ એવું કહેવાય નહીં,
કહેવાનું હોય કોઈ પૂછો જો તોજ ,
જેમ કે અનેકવાર તારામાં
ભાંગીને ભુક્કો હું થઈ જાતો રોજ;
જીવતર તો હોય, તેથી ગમ્મે તયાં રોરીને
આ રીતે દળવાનું નંઈ !
જો, આ રીતે મળવાનું નંઈ…
-ડૉ. વિનોદ જોશી
‘ ઘાયલ’ મળી જાજો!
પ્રભુએ મોકલ્યો સંદેશ કે ઘાયલ મળી જાજો;
ગઝલના શબ્દ અર્થો કાફિયામાં ઓગળી જજો.
સૂના એ સ્વર્ગ લાગે છે અરે ઘાયલ તમારા વિણ;
ખંખેરી હાથ જોડીને ઘરેથી નીકળી જાજો.
તમારા હાથમાં કિસ્મત, પૂજક બેફામ બેઠા છે;
બધા એ શબ્દબંદાને મળી જાજો હળી જાજો.
નહી તો આવવા કરતાં જવામાં દુખ બહુ થાશે;
ઝડપથી મુઠ્ઠીઓ વાળી ખુલ્લી આંખો મીંચી જાજો.
તૂટ્યો ફૂટ્યો નકામા જામ જેવો થૈ ગયો ‘અમૃત’;
સૌને લાગે જહર જેવો પેલા ઘાયલ છૂટી જાજો.
‘ગાફિલ’ ભાવનગરી