વિહરતાં ન આવડ્યું
મન-હંસલા! પરખ તને કરતાં ન આવડ્યું,
ચારો વિચારો-મોતીનો ચરતાં ન આવડ્યું.
જગથી જતાં-જતાંય ગઈ સ્વર્ગ ઝંખતી,
સૃષ્ટી ઉપર એ દૃષ્ટીને ઠરતાં ન આવડ્યું.
કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,
અશ્રુને ભાલ પર થઈ સરતાં ન આવડ્યું.
રત્નોને આવવું પડ્યું પુષ્પોને સૂંઘવા,
સૌરભને અબ્ધિ-હૈયે ઉતરતા ન આવડ્યું.
ધાર્યુ જો હોત, ચંદ્ર! તમે દેત ખેરવી,
સંપીને તારલાઓને ખરતાં ન આવડ્યું.
એને ડુબાડવામાં સુકાનીનો હાથ છે,
કઈ જીભે કહું કે નાવને તરતાં ન આવડ્યું.
ચિંતન કરી હું ચાલ્યો, ન ચાલીને ચિંતવ્યું,
મસ્તક ઉપર કદમ કદી ધરતાં ન આવડ્યું.
વાગ્યાં અમારે હૈયે નકી હાથના કર્યા,
જીવનમાં આગ ચાંપી ઉગરતાં ન આવડ્યું.
ફળ કેવું પામ્યો ફૂલ કચડવાની ટેવનું,
કંટકના હૈયે ડગ ભરતાં ન આવડ્યું.
બે આંખ લાલ થઈ ન થઈ ત્યાં રડી પડી,
‘કિસ્મત’ની લાગણીને વીફરતાં ન આવડ્યું.
-‘કિસ્મત’કુરૈશી