એક ગઝલ-હેમેન શાહ
-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહું એક્લવાયું લાગે છે;
લે મૂક , હથેળીમાં મખમલ, બહું એક્લવાયું લાગે છે.
શાયદ મારો ભૂક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થશે એ કહેવું ન સરલ, બહું એક્લવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી , વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ , બહું એક્લવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ , બહું એક્લવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીંડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ , બહું એક્લવાયું લાગે છે.
-હેમેન શાહ( ૦૯-૦૪-૧૯૫૭), વ્યસાયે ડૉકટર. મુંબઈમાં રહે છે. ત્રિપદી એમની વિશિષ્ટતા.
ગઝલ વધુ માફક આવે . ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ એમની ચુનંદી રચનાઓનો સંચય.