"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ભેદ- મીરા જૈન

people1.jpg
રીના તથા રમેશ પુન:ર્લગ્ન બાદ ફરી વાર જીવનનાં એક તાંતણે બંધાઈ ગયા. બંનેને વિધવા તથા વિધુરની જટિલતામાંથી મુક્તિ તો મળી પણ તેની સાથે સાથે રમેશની ચાર વર્ષની પુત્રી સ્નેહમયીને મા ની મમતા પણ મળી ગઈ. રમેશે લગ્નની પહેલી રાત્રે જ રીનાને સલાહ આપતા સાવચેત કરી કે, “જો રીના ! શ્રેણી (રમેશની પુત્રી) માં વગરની બાળકી છે. તેથી હું નથી ઈચ્છતો કે તેને કોઈ પણ પ્રકારનું દુ:ખ પડે. જ્યાં સુધી હું જીવીત છું ત્યાં સુધી હું તેને મારી આંખો સામેથી એક ક્ષણ માટે પણ ઓઝલ થવા દેવા માંગતો નથી, આ વાતનું હંમેશા ધ્યાન રાખજે.”

લગ્ન બાદ લગભગ છ-સાત મહીના બાદ રીનાની માં નો ફોન આવ્યો ‘ રીના ! મારી તબિયત ઠીક નથી, તુ અહીં આવીને વેણી (રીનાના પહેલા લગ્નથી થયેલી બાળકી) ને પોતાની સાથે લઈ જા, અહીં તેનો ઉછેર સારી રીતે નથી થઈ રહ્યો. તે ઉપરાંત તે તને યાદ કરીને રડ્યા કરે છે. મારાથી આ બધુ નથી જોઈ શકાતુ.

ફોન પર થયેલી વાતચીતથી રીનાની આંખોમાંથી આંસુ નિકળી આવ્યા, તેણે ડરતા ડરતા રમેશને પુછ્યું –

“તમે કહો તો હું વેણીને અહીં લઈ આવું?

રમેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું –

“લગ્ન પહેલા જ એક વાત નક્કી થઈ હતી કે, હું તારા પહેલા લગ્નથી થયેલી પુત્રીને નહીં સ્વિકારુ. તો પછી આ રોવા- ધોવાના આડંબર શા માટે કરે છે?

રીના એ પ્રત્યુતરમાં કહ્યું –

“અત્યારે મારી મમ્મીની તબિયત સારી નથી. તે જેવી જ સાજી થઈ જશે હું ફરી વેણીને તેની પાસે મુકી આવીશ.”

“તારી માં જીવનના અંતિમ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમની તબિયત હવે આવી રીતે નરમ – ગરમ થતી રહેશે, તેથી તારી માંને કહે કે, તેને કોઈ સારી હોસ્ટેલમાં મુકી દે.”

રમેશની આવી વાત સાંભળતા જ રીના કોઈ ગાઢ ઉંઘમાં જતી રહી હોય તેવું લાગ્યું. તે મનોમન વિચારવા લાગી – સમાજની આ કેવી રીત છે, એક બાળકીને લગ્નના માધ્યમથી માં-બાપ બંને મળી ગયા, જ્યારે બીજી આજ સ્થિતિને લઈને અનાથ થઈ ગઈ. તફાવત માત્ર એટલો હતો કે, પહેલી પુરૂષની પુત્રી હતી અને બીજી મહિલાની.

ઓગસ્ટ 22, 2007 Posted by | ટુંકીવાર્તા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: