પ્યાર મારી નાખશે-‘શલ્ય’ મશહદી
વેદના, નિઃશ્વાસ ,આંસુ, પ્યાર મારી નાખશે,
જીદગી સુંદર છે પણ આ ‘ચાર’ મારી નાંખશે.
આ નજર, આ પાંપણોની ધાર મારી નાખશે,
આપના આ તીર ને તલવાર મારી નાખશે.
પ્રેમીઓ તો બેઉં રીતે પ્રેમમાં થાશે ખુવાર,
જીતશે તો જીત નહિતર હાર મારી નાખશે.
ભેદના પણ ભેદ પામે માનવી તો શું થયું?
એક દિ’ ભેદનો ભંડાર મારી નાખશે.
પ્રેમીઓને મારવા શસ્ત્રોની હોય શું જરૂર ?
એક મીઠો પ્રેમનો ઉદગાર મારી નાખશે.
જીવવા દે તો ખરું નહિતર પછી કે’તો નથી,
આ તમારી આંખડીનો પ્યાર મારી નાખશે.
વ્યોમ પર પંખી ભલે ઊડતું રહે , ઊડતું રહે !
એક દિ’ આ વ્યોમનો વિસ્તાર મારી નાખશે.
જ્ઞાનીઓ જો જ્ઞાનની સીમા થકી આગળ જશે,
પામવાની પાર પણ એ પાર મારી નાખશે.
‘શલ્ય’, આ કળિયુગમાં સતયુગ જેવું તારું આચરણ,
નોંધ કર! તારા તને સંસ્કાર મારી નાખશે.
-‘શલ્ય’ મશહદી