એક ગઝલ- ડૉ.રઈશ મનીયાર
સમયનો.. ધૂળ ડમરીનો પીછો કરવાનું છોડી દે,
તું પોતે પથ છે, યાત્રીનો પીછો કરવાનું છોડી દે.
પવનમાં ઝૂલતી તું ડાળખી છે પાંખ કયાં તારી?
ઊડાઊડ કરતાં પંખીનો પીછો કરવાનું છોડી દે.
પ્રથમ તું ભીંતરે એની જગા કર, આવશે એ ખુદઃ
પ્રતીક્ષા કર , ખુશાલીનો પીછો કરવાનું છોડી દે.
તને દોરી જશે એ મારી ખામીઓ સુધી ક્યારેક,
ત્યજી દે , મારી ખૂબીનો પીછો કરવાનું છોડી દે.
ઉદાસીને તું જાણી લે , ઉદાસીથી રહીને દૂર,
બની ગમગીન ગ્લાનિનો પીછો કરવાનું છોડી દે.
તું રહેશે સ્થિર તો બ્રહ્માંડ તારી ચોતરફ ફરશે,
તું બિંદુ છે, સમષ્ટીનો પીછો કરવાનું છોડી દે.
તને એ આખરે તો લઈ જશે મૃત્યુને દરવાજે,
આ ધસમસતી હયાતીનો પીછો કરવાનું છોડી દે.