“ગાંધી-ગંગા”… પણ જીવવા દેશે કોણ?
પણ જીવવા દેશે કોણ?
૧૯૪૪ની વાત છે.પંચગીનીમાં ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું, ‘મારે એ લોકોને મળવું છે’ પણ પેલા લોકો કહે ,’ અમારે એમને મળવું નથી પછી એ લોકોને પોલિસે પકડયા. -તલાસી લીધી ત્યારે એક માણસ પાસે થી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે ! ગાંધીજીની હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતાં અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭-૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ મરાઠી પેપર ‘અગ્રણી’ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું-‘ પણ એને જીવવા દેશે કોણ?’
ગાંઘીજીના જીવનનો બીજો એક યાદગાર પ્રસંગ
“મારો હાથ ચાલ્યો નહીં”
કલકત્તામાં કોમી હિંસાનો દાવાનળ ફાટી નિકળ્યો હતો. બાપુ એક સળગતા લત્તામાં જઈને રહ્યા અને પોતે ઢાલ થઈને ઊભા. હિંસાના બનાવો એમની નજીકમાં પણ બનવા પામ્યા. પણ બાપુ પ્રાણાર્પણથી હિંસાની ઝાળો હોલવવા ઉભા છે એ જોઈ ધીમે ધીમે સૌને સાન આવી.
સાંજની પ્રાર્થના-સભામાં હજારો લોકો આવે . એક સાંજે પ્રાર્થના પછી સૌ વેરાતા હતાં.એક નવયુવક નિર્મળબાબુ પાસે થઈ પસાર થતા બોલ્યો ” જો આ-(એમ કહી એક પિસ્તોલ એણે બતાવી.) આજે બાપુ પાસે બેઠેલા કોમી નેતાઓને મારવા માટે આ લાવ્યો હતો. પણ મારો હાથ ચાલ્યો નહિ. અમે કંઈ પણ કરીએ તો આ માણસ(ગાંધી) તરત ઊપવાસ ઉપર બેસે છે. અમારી બધી શક્તિ એણે ખલાસ કરી દીધી. ગઈ કાલ સુધી અમે વીર પુરુષો(હીરોઝા)માં ખપતા હતા. આજે અમારી ગણના હિચકારા ખૂનીઓમાં -કાયરોમા થાય છે. આ માણસ..આ માણસ…ગાંધી..એણે અમારી આ સ્થિતિ કરી મૂકી.
નવયૂવકની આંખોમાં હતાશાને દબાવી માનવજાતિ માટેની આશા ઊપસવા કરી રહી હતી.
ગાંધી-ગંગા ભાગ-૨ -સાભાર