"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આંસુના ઈતિહાસ

waterfall.jpg 

સમયના  ખૂબ  જૂના  શ્વાસ   લખવા  છે;
ભલેને  આથમ્યો, અજવાસ   લખવા  છે.

ભરું    એકાદ   પાનામાં    બધી  ઘટાના,
અમારે   આંસુના   ઈતિહાસ  લખવા   છે.

મને    ઘરમાં    રહીને    કોક   ખોદે  છે, 
ભટકતી    ભીંતના  આભાસ   લખવા  છે.

મને   પણ   બેવફા   સમજી   રહ્યા  મિત્રો,
તને   છોડી    જતા, વિશ્વાસ  લખવા  છે.

પછી તો  ઓગળી  જાશે ‘મનીષ;  શબ્દો,
તને  ખત    ખાનગીમાં  ખાસ   લખવા  છે.

-મનીષ પરમાર

ઓગસ્ટ 31, 2007 Posted by | ગમતી વાતો | આંસુના ઈતિહાસ માટે ટિપ્પણીઓ બંધ છે

વટમાં જીવ્યા-કિરણ ચૌહાણ

 image001computer.gif

આજ સવારથી સિસ્ટ્મ ડાઉન હતી! ત્યારે જે મન પર અસર થાય તે આ ચિત્રમાં નિહાળો!

*******************************************

તડકાના  ત્રાટકમાં  જીવ્યા, વરસાદી  વાછટમાં  જીવ્યા,
કાયમ  એક  ખુમારી સાથે,  ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ   હોઠને  હૃદયની   વચ્ચે  થીજેલા  સંકટમાં જીવ્યા,
મર્યાદાની  ચુનરી  ઓઢી  સપનાંઓ   ઘૂંઘટમાં   જીવ્યા.

આ   તે  કેવો  મનસૂબો  ને  આ કેવી  ખટપટમાં જીવ્યા,
તેજ   સૂર્યનું  ચોરી   લેવા  તારાઓ  તરકટમાં   જીવ્યા.

જીવ  સટોસટની  બાજી છે , તો પણ સાલું મન રાજી છે,
ભલે ચૈન ના પામ્યા તોયે  મનગમતી  એક રટમાં જીવ્યા.

સુગંધભીની  સાંજની  વચ્ચે, રંગીલા  એકાંતની   વચ્ચે,
શ્વાસ કસુંબલ  માણ્યો  જ્યારે,જ્યારે  તારી  લટમાં જીવ્યા.

ઓગસ્ટ 29, 2007 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

હૃદય બાગ-બાગ છે.

sam-graceland-50th-anni.jpg 

અંતરમાં   રાગ    છે  ને    નયનમાં  વિરાગ   છે,
‘ઓજસ’ દોરંગી  દુનિયા   પ્રણયનો   દિમાગ  છે.

વિરહી   હૃદય  મિલનમાં   વિચારે  છે  એજ  વાત,
મરવાને   માટે   હમણાં  બહુ    સારો    લાગ   છે.

આ    મૌન   મારું     જોઈને    ભૂલો    ન ! દોસ્તો!
આજેય    દિલના    દર્દની    દુનિયા   સજાગ  છે.

સંપૂર્ણતાએ    પ્હોંચી      નથી      ત્યાગ-ભાવના,
વૈરાગ્ય   પર    હૃદયને     અત્યારેય    રાગ   છે.

પાલવનો    છાંયડો    હો    કે   મૃત્યુની  ગોદ  હો,
બળતા   હૃદયને   એક   શીતળાતાની  આગ   છે.

‘ઓજસ’, એ   આજ મારી  કને   હોવા જોઈ એ,
નહિતર    શું  વાત  છે   કે    હૃદય  બાગબાગ છે.

-‘ઓજસ’ પાલનપુરી

ઓગસ્ટ 28, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

વિહરતાં ન આવડ્યું

sad_eyes3222221221.gif 

મન-હંસલા! પરખ  તને  કરતાં   ન આવડ્યું,
ચારો   વિચારો-મોતીનો  ચરતાં  ન   આવડ્યું.

જગથી   જતાં-જતાંય   ગઈ    સ્વર્ગ  ઝંખતી,
સૃષ્ટી  ઉપર  એ દૃષ્ટીને   ઠરતાં  ન   આવડ્યું.

કાજળથી   લાલી  ગાલની  ખરડી   ગયાં સદા,
અશ્રુને  ભાલ પર   થઈ  સરતાં  ન   આવડ્યું.

રત્નોને    આવવું   પડ્યું    પુષ્પોને    સૂંઘવા,
સૌરભને  અબ્ધિ-હૈયે    ઉતરતા ન   આવડ્યું.

ધાર્યુ   જો     હોત,  ચંદ્ર! તમે  દેત ખેરવી,
સંપીને    તારલાઓને   ખરતાં  ન   આવડ્યું.

એને    ડુબાડવામાં      સુકાનીનો    હાથ  છે,
કઈ  જીભે  કહું કે  નાવને તરતાં ન   આવડ્યું.

ચિંતન  કરી   હું ચાલ્યો, ન  ચાલીને ચિંતવ્યું,
મસ્તક  ઉપર  કદમ કદી ધરતાં  ન   આવડ્યું.

વાગ્યાં   અમારે   હૈયે    નકી    હાથના  કર્યા,
જીવનમાં  આગ  ચાંપી  ઉગરતાં ન   આવડ્યું.

ફળ    કેવું   પામ્યો   ફૂલ    કચડવાની  ટેવનું,
કંટકના    હૈયે   ડગ     ભરતાં   ન   આવડ્યું.

બે   આંખ  લાલ  થઈ  ન  થઈ  ત્યાં  રડી પડી,
‘કિસ્મત’ની  લાગણીને  વીફરતાં  ન   આવડ્યું.

-‘કિસ્મત’કુરૈશી

ઓગસ્ટ 27, 2007 Posted by | ગમતી ગઝલ | 8 ટિપ્પણીઓ

એક ગઝલ-હેમેન શાહ

 nd061219038.jpg

-તો દોસ્ત, હવે  સંભળાવ  ગઝલ, બહું   એક્લવાયું   લાગે છે;
લે મૂક ,     હથેળીમાં  મખમલ, બહું   એક્લવાયું   લાગે છે.

શાયદ    મારો     ભૂક્કો   થાશે   કે    ઢાંચામાં   જકડાઈ જઈશ,
શું   થશે   એ    કહેવું  ન   સરલ,  બહું   એક્લવાયું   લાગે છે.

કૂવો    બેઠો     આતુરતાથી , વરસી    ના      એકે   પનિહારી,
સંકોચાતું        મરજાદી     જલ ,   બહું   એક્લવાયું   લાગે છે.

ઉનાળો     લઈને     ખોબામાં     જંગલ  જંગલ    ભટક્યા   કરવું,
બે    આંખો    ત્યાં   ભાળી   શીતલ , બહું   એક્લવાયું   લાગે છે.

ખખડાવે     ખુલાસાના    રસ્તા,  શંકાના     ભીંડેલા    દરવાજા,
સોંસરવો     છે    આ     કોલાહલ ,  બહું   એક્લવાયું   લાગે છે.

-હેમેન શાહ( ૦૯-૦૪-૧૯૫૭), વ્યસાયે ડૉકટર. મુંબઈમાં રહે છે. ત્રિપદી એમની વિશિષ્ટતા.
ગઝલ વધુ માફક આવે . ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ એમની ચુનંદી રચનાઓનો સંચય.

ઓગસ્ટ 25, 2007 Posted by | ગમતી ગઝલ | 7 ટિપ્પણીઓ

તમારા થયા પછી !

 0000831.jpg

 સિવાય  ગયું   છે   મોં   મારું ,તમારા થયા પછી !
ઝુકાવ્યું  છે  મસ્તક  તો   મારું ,તમારા થયા પછી !

હુકમ  ના  કરો   તમે  બધાની  વચ્ચે   મારા   પર,
બોલ  પડતો  હું    તો    ઉપાડું ,તમારા થયા પછી!

મૂકુ છું   ચેક     કમાણીનો    તમારા   હાથમાં તોયે,
વાસણ  ધોવાનું  કામતો  મારું, તમારા થયા પછી !

છોડી      દીધા  સ્વજનોને  તમને   મેળવવા   માટે,
રહ્યું  નહિં     કોઈ     સગુ સારું, તમારા થયા પછી !

પરણ્યા   પછી    પસ્તાવાની   ખબર    મને  નો’તી,
જીવન  મારું  લાગે    છે  ખારું,  તમારા થયા પછી !

ઝીલે  છે   બોલ     મારા     કર્મચારીઓ    ઓફિસમાં,
ઘાંટા   ઘરમાં   કેમનો    પાડું, તમારા   થયા પછી !

ઉપાડી    હાથ    દેખાડી     શકું      છું  હું પણ  કદિક,
ચીલો  નવો   શું   કામ   પાડું , તમારા   થયા પછી !

થાય  છે   વાતો ગામમાં’ચમન’ની  તમારી    તો ખુબ,
મોં   પર  માર્યુ    મેં તો તાળું , તમારા    થયા પછી !

-‘ચમન’- ચીમન પટેલ** મારા કવિમિત્ર છે, હ્યુસ્ટનવાસી, અમારી ગુજરાતી સાહિત્ય પ્રવૃતીમાં એક હસ્ય કવિ ને લેખકતરીખે  જાણીતા, એમનો પ્રથમ  હાસ્યભરી આવૃતી ” હળવે હૈયે” ૧૯૯૭માં પ્રકટ, રમૂજી  તેમજ  , કટાક્ષ ચિત્રો  પણ  બનાવ છે.

ઓગસ્ટ 24, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

મારી હોંશિયારીને

maviesintiler_6.jpg 

મોહબ્બતમાં   નથી   જીવી  શકાતું    મનને    મારીને,
આ    મંજિલમાં    કદમ  મૂકે   કોઈ   સમજી વિચારીને.

હવે    પુષ્પો    મળે   કે   કંટકો      તકદીર     પર છે,
કોઈના    આંગણે   બેઠો   છું      હું  પાલવ   પ્રસારીને.

સમયના   આ   સવાલો  તો    મને   પાગલ   કરી દેશે,
સુરાલયથી    કોઈ      લઈ   આવો   મારી  હોશિયારીને.

પ્રણયમાં    જિંદગી   વીતી   ગઈ    છે   ને વીતી  જાશે,
હવે  આ    ખૂબસૂરત    ભૂલ     શું     કરશું   સુધારીને?

મદિરા  એવી    રીતે   અમને     આપે     છે  હવે સાકી,
કે    જાણે   ભીખ   આપે    લખપતિ   કોઈ    ભીખારીને.

ચમનની    વાત   પુષ્પોથી     નહીં,  કાંટાઓથી   પૂછો,
કે     બેઠા    છે  અહીં     જેઓ  જીવન   આખું  ગુજારીને,

જીવનની   કોને  પરવા   છે! છે   પરવા તુજને મળવાની!
ભલે  આ    નાવ    ડૂબી  જાય   અમને   પાર    ઉતારીને.

‘ખલિશ’ પૂછી    ગયા   તેઓ,’તબિયત  કેમ છે  તારી?’
દુઆઓ    દઈ    રહ્યો  છું       હું     હૃદયની   બેકરારીને.

-‘ખલિશ’ બડોદવી

ઓગસ્ટ 23, 2007 Posted by | ગમતી ગઝલ | 2 ટિપ્પણીઓ

ભેદ- મીરા જૈન

people1.jpg
રીના તથા રમેશ પુન:ર્લગ્ન બાદ ફરી વાર જીવનનાં એક તાંતણે બંધાઈ ગયા. બંનેને વિધવા તથા વિધુરની જટિલતામાંથી મુક્તિ તો મળી પણ તેની સાથે સાથે રમેશની ચાર વર્ષની પુત્રી સ્નેહમયીને મા ની મમતા પણ મળી ગઈ. રમેશે લગ્નની પહેલી રાત્રે જ રીનાને સલાહ આપતા સાવચેત કરી કે, “જો રીના ! શ્રેણી (રમેશની પુત્રી) માં વગરની બાળકી છે. તેથી હું નથી ઈચ્છતો કે તેને કોઈ પણ પ્રકારનું દુ:ખ પડે. જ્યાં સુધી હું જીવીત છું ત્યાં સુધી હું તેને મારી આંખો સામેથી એક ક્ષણ માટે પણ ઓઝલ થવા દેવા માંગતો નથી, આ વાતનું હંમેશા ધ્યાન રાખજે.”

લગ્ન બાદ લગભગ છ-સાત મહીના બાદ રીનાની માં નો ફોન આવ્યો ‘ રીના ! મારી તબિયત ઠીક નથી, તુ અહીં આવીને વેણી (રીનાના પહેલા લગ્નથી થયેલી બાળકી) ને પોતાની સાથે લઈ જા, અહીં તેનો ઉછેર સારી રીતે નથી થઈ રહ્યો. તે ઉપરાંત તે તને યાદ કરીને રડ્યા કરે છે. મારાથી આ બધુ નથી જોઈ શકાતુ.

ફોન પર થયેલી વાતચીતથી રીનાની આંખોમાંથી આંસુ નિકળી આવ્યા, તેણે ડરતા ડરતા રમેશને પુછ્યું –

“તમે કહો તો હું વેણીને અહીં લઈ આવું?

રમેશે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું –

“લગ્ન પહેલા જ એક વાત નક્કી થઈ હતી કે, હું તારા પહેલા લગ્નથી થયેલી પુત્રીને નહીં સ્વિકારુ. તો પછી આ રોવા- ધોવાના આડંબર શા માટે કરે છે?

રીના એ પ્રત્યુતરમાં કહ્યું –

“અત્યારે મારી મમ્મીની તબિયત સારી નથી. તે જેવી જ સાજી થઈ જશે હું ફરી વેણીને તેની પાસે મુકી આવીશ.”

“તારી માં જીવનના અંતિમ સમયમાંથી પસાર થઈ રહી છે. તેમની તબિયત હવે આવી રીતે નરમ – ગરમ થતી રહેશે, તેથી તારી માંને કહે કે, તેને કોઈ સારી હોસ્ટેલમાં મુકી દે.”

રમેશની આવી વાત સાંભળતા જ રીના કોઈ ગાઢ ઉંઘમાં જતી રહી હોય તેવું લાગ્યું. તે મનોમન વિચારવા લાગી – સમાજની આ કેવી રીત છે, એક બાળકીને લગ્નના માધ્યમથી માં-બાપ બંને મળી ગયા, જ્યારે બીજી આજ સ્થિતિને લઈને અનાથ થઈ ગઈ. તફાવત માત્ર એટલો હતો કે, પહેલી પુરૂષની પુત્રી હતી અને બીજી મહિલાની.

ઓગસ્ટ 22, 2007 Posted by | ટુંકીવાર્તા | 2 ટિપ્પણીઓ

પામું છું-હેમન્ત દેસાઈ

august07randompics010.jpg 

સરસ  બાજી  મળી  હોવા છતાં હું હાર   પામું  છું!
અને  હાર્યા  પછીથી  એ રમતનો સાર   પામું  છું!

ખરેખર     માધુરી  સ્પર્શી  ગઈ   છે    કૈ  પરાજયની,
વિજય કરતાં વળી એમાં  અધિક  ઉપહાર પામું  છું!

અહીં  આ      સૂર્યની   નીચે  નવું  કૈ  યે  નથી  બનતું,
છતાં  એ સૂર્યની જ્યમ નિત-નવો અવતાર પામુછું!

જગતના   ચાકડા  પર  ઘૂમીઘૂમી  કો’  નિગુઢ હાથે
ઘડાતો  જાઉં  છું  ત્યમ    હું    નવો  આકાર પામું છું.

રહ્યો  માનવ,અધિક છે પ્યારી માનવતા મને એવી,
દઉં  છું    ચાંદની  જગને , ભલે     અંગાર    પામું છું.

ગમે   તે માની   લે  દુનિયા, નથી આ પ્રેમ હું કરતો,
કોઈને   મારું   કહેવાનો     ફકત  અધિકાર     પામું છું.

તમારું   રૂપ   તો  બ્હાનું  બન્યું  છે   ફકત મ્હોબતનું,
ખરું   સદભાગ્ય  છે  કે   દિલ  હું ખુશ્બોદાર પામું  છું!

-હેમન્ત દેસાઈ

ઓગસ્ટ 21, 2007 Posted by | ગમતી ગઝલ | 4 ટિપ્પણીઓ

અંધારું કરો !-નિર્મિશ ઠાકર

 love.gif 

વૃક્ષ  ગાતું  ઘેનેભીનું  ગાન, અંધારું  કરો !
આંખ  મીંચે છે  બધાંયે પાન,અંધારું  કરો !

ફૂલ  નહીં  તો ફૂલ કેરી પાંખડી!આ શ્વાસથી
વેદનાને  આપવાં  છે માન, અંધારું  કરો !

ઓગળ્યાં આ વૃક્ષ,પેલા પ્હાડ ને ઝાંખી નદી
ધુમ્મસો શાં  ધૂંધળા  મેદાન, અંધારું  કરો !

મૌન  ઝીણું  કૈંક  બોલે  છે  અને  એકાંતના
છે-ક   લંબાતા  રહે છે કાન, અંધારું  કરો !

ધૃજતા  હાથો  પસારે   છે  હવાયે   ક્યારની
સ્પર્શ  ઉભા   છે  બની  વેરાન,અંધારું કરો!

-નિર્મિશ  ઠાકર

ઓગસ્ટ 20, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

ખુદા આવે-‘કામિલ’ વટવા

sam_-_foxglove_cottage.jpg 

હૃદયના    દર્દની   તમને   જરા   જો   કલ્પના  આવે,
કસમથી    આપની  જીભે    સદા સો-સો   દુઆ  આવે.

તમારી   હોય જો ઈચ્છા  વધાવી  લઉં  હું  એને    પણ,
સકળ   બ્રહ્માંડની   ઘેરાઈ   મુજ પર  જો   વ્યથા  આવે.

સહન  હું   તો   કરી  લઉં છું , ન  સહેવાશે   તમારાથી,
એ   પાનું   ફેરવી  દેજો , જ્યાં   મારી   વારતા  આવે.

જરા    ઘૂંઘટ    હટાવી    ઝાંખવું, નજર      બચાવીને,
અમારી   જાન   જાએ   ને    તમોને   તો    મજા આવે.

તમારા    વાયદાઓ   છે    કે  રેતી   પર    મિનારાઓ,
તમારું   આવવું   જાણે    કે    પશ્ચિમથી     ઉષા  આવે.

નજર   દિલ  પર   પડે   છે તો   જ્ખ્મો   એમ    ફૂલે છે,
કે   પથ્થર  જાય  પાણીમાં   ને ઉપર    બુદબુદા    આવે.
મરણનું   મૂલ્ય  જીવનથી   વધારે  એ      રીતે   લાગ્યું,
ન  આવે  કોઈ  જ્યાં  મળવાને   ત્યાં  આખી સભા  આવે.

શિકાયત  શું   કરે  દિલ   કોઈ    ના    આવે ગજું શું છે?
મોહબ્બત   હો  જો ‘કામિલ’  તો  ખૂદ પાસે  ખુદા આવે.
 

ઓગસ્ટ 17, 2007 Posted by | ગમતી ગઝલ, ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

મતલાના હલેશાથી વધતી કૃતિ-રાધેશ્યામ શર્મા

dsc00225.jpg

એક પળ- શ્રીરાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪

જુલાઈ-2007માં -‘તાદથ્યૅ’  મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નીકળ્યાં” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય  જરૂર આપશો.

********************************************

ગઝલનો આસ્વાદ

નભના  નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના  શ્વાસ  રુંધાયા, શ્વાન  સૌ  ભસવા નીકળ્યાં.

ક્યાં  હતું    મારું અહી    કોઈ    ઠેકાણું આ  શહેરમાં,
ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નીકળ્યાં ?

સગા-  સંબંધીની   ખુશામત  અહી  જિંદગી-ભર કરી,
કાંધો  આપવા  એ  ઘેરથી    બહું    મોડા   નીકળ્યાં.

ભલે   દોસ્તી  કરી   લીધી સરિતાએ   ભાન-ભુલી ને,
મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.

-વિશ્વદીપ બારડ

 

શીર્ષક  શૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક  મિસરો જરી ઝીણી નજરે જોઈ  તો સંવેદનાનો વ્યાપ આવે.
અહી તો મતલો  જ અધિક ધ્યાનાર્હ છે-‘નભના નગર નિકળ્યા’…


ગુજરાતી કાવ્યસાહિત્યમાં  નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વર્ણવાયું મળે કદી, પણ  અહીં તો કવિએ નભના નગરને  નીકળતાં વર્ણવ્યા છે.સિટી ઑવર સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં  કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાર્ધ કડી એનું શમન કરે છે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું ? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ઉધ્વ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ  રુંધામણ પછીનું  રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું  ને શ્વાનોનું ભસવું સહજ છે.

કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીર્ણ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.

બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારા આનિકેતનાનો અંદાજ આપેછે-‘ક્યાં હતું મારું અહીં કોઈ  ઠેકાણું આ શહેરમાં ?’ બીજી  તર્ક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ  પ્રયોગથી નભ  તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.

મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની  અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
‘કાંધો  આપવા એ ઘેરથી બહુ  મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની  પ્રસ્તુતિ ગઝલીયતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો  આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…

‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)

ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-‘મોડું  થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)

પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ  બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદ પાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.

-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદર્થ્ય’ મેગેઝીન, ગુજરાત

ઓગસ્ટ 16, 2007 Posted by | ગઝલ અને ગીત, સ્વરચિત રચના | 6 ટિપ્પણીઓ

એક ગઝલ-મનહર મોદી

sam_-_guardian_castle.jpg 

 શબ્દને   ઝોકું    ચડે    તો   ચાલશે ?
ઊંઘને   ઓછું    પડે    તો   ચાલશે ?

એમણે      ફેંકી     દીધેલ      વેદના
માર્ગમાં     ઠેબે   ચડે   તો   ચાલશે ?

દર્દનો   કિસ્સો  ખતમ   કરવો    રહ્યો
આંખને   આંસું   નડે   તો   ચાલશે ?

આપણે   વસ્તુ  અને  તે  પણ  ખરાબ
આ  રૂપક   કોઈ   ઘડે  તો    ચાકશે ?

લોક   વચ્ચે   સ્હેજ   પણ   બોલે  નહીં
એ  ખૂણામાં   જઈ   રડે   તો  ચાલશે ?

-મનહર મોદી

ઓગસ્ટ 16, 2007 Posted by | ગમતી ગઝલ | 1 ટીકા

આવો આજ આઝાદીનો ઉત્સવ મનાવીએ…

 indday.jpg

                                      jamnagar.gif

આવો આજ આઝાદીનો ઉત્સવ મનાવીએ ,સાઠ ,સાઠ દિવડાની આરતી ઉતારીએ,
આવો      આજ    હરખના  તોરણ   બંધાવીએ,    ત્રિરંગી   ઝંડ્ડો  આંગણે    ફરકાવીએ.
                                                                                                      આવો આજ…

હિન્દુ, મુસ્લિમ, શીખ,   ઈસાઈ, સર્વ ધર્મ ભળી, આ મા-ભોમની શાન વધારીએ,
પ્રાંત,પ્રાંતની ભલે  ભાષા જુદી,  સૌ  સાથ મળી  હિન્દ-માતનું  ગૌરવ વધારીએ.
                                                                                                     આવો આજ…

વિશ્વ-વિભૂતી  ગાંધી ગૌરવ,ઘર,ઘર  જઈ શાંતીનો બસ આજ  દીપ  પ્રગટાવીએ,
સત્ય-અહિંસા , વાણી વર્તન સદા રહે, ભષ્ટાચાર ને આજ સૌ દેશ-વટો આપીએ.
                                                                                                       આવો આજ…

દુનિયાભરમાં  શાન વધે,   જન્મભૂમી  છે મારી  એને    આજ  અમો વંદન  કરીએ,
દેશ મારો સ્વર્ગ બને, મહા-ભારત ,પૃથ્વીનું શ્રેષ્ટ-સ્થાન  બને  એ પ્રાર્થના કરીએ.
                                                                                                       આવો આજ…
-વિશ્વદીપ  બારડ

ઓગસ્ટ 15, 2007 Posted by | સ્વરચિત રચના | 7 ટિપ્પણીઓ

પ્રણય-પત્રો-ચંદ્રકાન્ત ‘સુમન’

1400.jpg 

 કાં    પધારી   એ   રહ્યાં   છે ? મેં   પુકાર્યા  તો   નથી,
ખુદ-બ-ખુદ   માની  ગયાં  છે , મેં   મનાવ્યાં તો નથી.

કાં      તરંગોમાં   ઉમંગો    હું     નિહાળું    છું     ભલા?
સાગરે      કોઈ  ઉમંગીને       ડુબાવ્યા     તો     નથી!

દ્વાર     પર      આવીને   મારે       છે   ટકોરા     કોઈ,
અંધ     કિસ્મત, તું    જરા  જો   એ   પધાર્યા તો નથી?

ના     ઘટા     છાઈ    શકે      આવી    કદી    વૈશાખે,
એમણે    મારા      પ્રણય-પત્રો   જલાવ્યા   તો    નથી?

કેદ     લાગે     છે  જીવન   એણે   નજર   કીધા   પછી,
એમણે     અમને     જિગરમાંહે    વસાવ્યા   તો   નથી?

ઓશીકું    ભીનું    થયું       કેમ  રુદન   કીધા      વગર,
અમને   દિલબર !  તમે   સપનામાં   રડાવ્યા  તો નથી?

કેમ      ખારાશ       છે  આવી   એ     સંમદરના  જલે?
આંખ!  બે   આંસુ    કિનારે   તેં   વસાવ્યાં   તો   નથી?

યાદ    કાં   આવે    નહીં    મુજને    મિલન   કેરી  મજા?
એ    પ્રસંગો   તમે   પાલવ  તળે     ઢાંકવા  તો   નથી?

-ચંદ્રકાન્ત  ‘સુમન’

ઓગસ્ટ 14, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

ગાંધીડો મારો -દુલા ભાયા કાગ

obk2cagzku4rcatiize4catxiufhcalnt3jqca6wc44lcao32x24casm7qshcaci5wq4caez6yqqcaug1khhca56bbggcaurhtywcalgmidycauasrqtcawjp2i8cad68qwncapbg0l7cap0xanccad30fm5.jpg 

સો  સો  વાતુંનો   જાણનારો
     મોભીડો  મારો  ઝાઝી વાતુંનો ઝિલનારો.

ડગલે ડગલે હાલ્યા કરે છે ઊંચાણમાં ન  ઊભનારોઃ
       એ…ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,
   (ઈ   તો) ઢાળમાં  નવ ધ્રોડનારો…

નાનાં  બાળક  જેવો  હૈયે  લેરીલો, એરૂમાં  આથડનારો;
  ઈ….કૂણો  માખણ  જેવો સાદો ને સાયલો,
                કાળને નોતરનારો….

કાળ  જેવાને  મહાકાળ  લાગે છે, આભને બાથ ભીડનારો;
         સૂરજ  આંટા  ફરે  એવડો  ડુંગરો,
            (ઈ)  ડુંગરાને ડોલાવનારો.

ઓળખજે    બેનડી  એ    જ  એંધાણીએ,
     એ  મારા  ખોળાનો  ખૂંદનારો;
મારો  મોહનજી  એ ઝાઝેરું  જીવો  મારા
      ઘડપણનો  પાળનારો.

ઓગસ્ટ 13, 2007 Posted by | ગમતી વાતો | 4 ટિપ્પણીઓ

એક ગઝલ-રશ્મિ શાહ

sam_-_good_lifethe.gif 

લીલાં  લીલાં  પાન વચાળે  કેસરિયાળાં  ફૂલ મળે તો !
તારા-મારા  ઉરને સપનાં  અણદીઠાં ને   ખૂબ મળે તો!

રણને   લીલાંછમ   કરવાને  વાદળ સાથે  પ્રીત  કરીશું
ઢળતી  સાંજે   કોરી  આંખે   ભીની-ભીની ધૂપ મળે તો!

કયાંક મજાની મોસમ છલકે  ક્યાંક સરોવર નીર છલકતાં
તારા ઘરની  છત પર   ત્યારે કોયલના જો સૂર મળે  તો !

ઊર્મિની   દીવાલો   પર   મેં   સંવેદનની છત બાંધી છે
મારા નાજૂક  ઘર  ને  ભીની  લાગણીની   હૂંફ   મળે તો!

પારેવાનું  મૌન  ગમે  છે   કોયલનો     ટહુકાર   ગમે છે
‘રશ્મિ’ મનની  કુંજગલીમાં  ખૂદને ખૂદની ધૂન મળે તો !

-રશ્મિ શાહ

ઓગસ્ટ 12, 2007 Posted by | ગમતી ગઝલ | 6 ટિપ્પણીઓ

પ્યાર મારી નાખશે-‘શલ્ય’ મશહદી

 showletter21.jpg

વેદના,   નિઃશ્વાસ  ,આંસુ,   પ્યાર   મારી    નાખશે,
જીદગી    સુંદર   છે   પણ  આ ‘ચાર’ મારી  નાંખશે.

આ    નજર, આ     પાંપણોની   ધાર  મારી  નાખશે,
આપના   આ    તીર  ને       તલવાર   મારી નાખશે.

પ્રેમીઓ    તો    બેઉં     રીતે    પ્રેમમાં  થાશે  ખુવાર,
જીતશે  તો   જીત     નહિતર     હાર    મારી  નાખશે.

ભેદના    પણ   ભેદ  પામે    માનવી   તો   શું   થયું?
એક      દિ’    ભેદનો       ભંડાર     મારી      નાખશે.

પ્રેમીઓને     મારવા  શસ્ત્રોની    હોય     શું     જરૂર ?
એક      મીઠો     પ્રેમનો      ઉદગાર   મારી   નાખશે.

જીવવા    દે  તો    ખરું  નહિતર   પછી    કે’તો  નથી,
આ      તમારી      આંખડીનો     પ્યાર   મારી  નાખશે.

વ્યોમ    પર    પંખી    ભલે   ઊડતું  રહે , ઊડતું  રહે !
એક     દિ’  આ     વ્યોમનો   વિસ્તાર   મારી  નાખશે.

જ્ઞાનીઓ    જો     જ્ઞાનની  સીમા     થકી  આગળ  જશે,
પામવાની      પાર   પણ   એ    પાર     મારી    નાખશે.

‘શલ્ય’, આ  કળિયુગમાં  સતયુગ    જેવું  તારું આચરણ,
નોંધ   કર!   તારા    તને     સંસ્કાર     મારી       નાખશે.

-‘શલ્ય’ મશહદી

ઓગસ્ટ 10, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

એક ગઝલ- ડૉ.રઈશ મનીયાર

showletter-4.jpg 

સમયનો..  ધૂળ   ડમરીનો    પીછો  કરવાનું   છોડી    દે,
તું    પોતે પથ છે, યાત્રીનો     પીછો કરવાનું     છોડી   દે.

પવનમાં   ઝૂલતી   તું     ડાળખી    છે   પાંખ   કયાં તારી?
ઊડાઊડ      કરતાં   પંખીનો  પીછો   કરવાનું     છોડી   દે.

પ્રથમ   તું     ભીંતરે    એની   જગા  કર, આવશે   એ  ખુદઃ
પ્રતીક્ષા    કર ,   ખુશાલીનો   પીછો   કરવાનું     છોડી   દે.

તને    દોરી    જશે    એ    મારી   ખામીઓ   સુધી   ક્યારેક,
ત્યજી  દે , મારી     ખૂબીનો    પીછો  કરવાનું     છોડી   દે.

ઉદાસીને    તું    જાણી  લે ,     ઉદાસીથી    રહીને    દૂર,
બની    ગમગીન      ગ્લાનિનો  પીછો  કરવાનું     છોડી   દે.
 
તું     રહેશે   સ્થિર  તો બ્રહ્માંડ     તારી     ચોતરફ      ફરશે,
તું     બિંદુ   છે,    સમષ્ટીનો   પીછો કરવાનું     છોડી   દે.

તને    એ    આખરે   તો   લઈ   જશે      મૃત્યુને     દરવાજે,
આ    ધસમસતી     હયાતીનો     પીછો કરવાનું     છોડી   દે.

ઓગસ્ટ 9, 2007 Posted by | ગમતી ગઝલ | 3 ટિપ્પણીઓ

અનાદર ન કરો !( Disrespect not..)

1432.jpg 

 કોઈ     શ્રદ્ધાનો   અનાદર   ન    કરો ,         Disrespect  not  any  belief        
કોઈ   આસ્થાનો   અનાદર    ન  કરો .        disrespect  not    any  faith.

એ   જ     અજવાસ  ઈબાદત  સહુની,         The same effulgence is worshipped by everybody
કોઈ  પૂજાનો    અનાદર    ન    કરો !          disrespect not any mode of worship.

ક્યાંક   ને   ક્યાંક  તો  પ્હોંચે  જ બધા,         Each one reaches somewhere, it’s  sure,
કોઈ   રસ્તાનો   અનાદર   ન    કરો !          disrespect  not any path  any way.

હો   ન   ઉત્તર  તો   પછી  મૌન   રહો,           If there is no answer,(better) be silent,
કોઈ     પૃચ્છાનો   અનાદર  ન   કરો !         disrespect not any quest any query.

અંશ   એ    મુખ્ય     કથાનો  જ  હશે ,         That is sure to be a segment of the main saga
કોઈ   કિસ્સાનો   અનાદર   ન     કરો !        disrespect not any part any small event.

                                                                 (translated by Narayan Jani)

-રાજેન્દ્ર  શુક્લ

ઓગસ્ટ 8, 2007 Posted by | ગમતી ગઝલ | 9 ટિપ્પણીઓ

%d bloggers like this: