લા-પરવા -બાલમુકુંદ દવે
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
માન મળે, મળે ધન ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખતા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાકે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે , રંગ નહીં દૂજા ,
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીઠ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણાં તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી !
બેયે કોરે આપી જવી મુબારકબાદી ,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમે ઈદ , અને આવો તમે રોજા !
-બાલમુકુંદ દવે