કિનારા કંઈ નથી કહેતા
*********************************
ફિઝાં ખામોશ છે જાણે નઝારા કંઈ નથી કહેતા,
જિગર બેચેન છે તોયે સિતારા કંઈ નથી કહેતા.
સફરમાં પણ દિલાસો એટલો એમને નથી મળતો,
છે મંજિલ કેટલી છેટે , ઉતારા કંઈ નથી કહેતા.
વમળ કેરી થપાટોએ ફગાવાઈ છે આરે પણ,
અમારી નાવ કયાં ડૂબી કિનારા કંઈ નથી કહેતા.
જીવનની અલ્પતાનો મર્મ પામી જાત સૌ કિંતુ,
ઉઘાડા હાથ લઈ જગથી જનારા કંઈ નથી કહેતા.
પ્રણયમાં હોયના ફરિયાદ ‘સાલિક’ જો પતંગાને,
જીવન બાળી , શમાને ભેટનારા કંઈ નથી કહેતા.
-‘સાલિક’ પોપટિયા