આપની તલવાર
નથી ભૂલ્યો તમારાં દ્વાર આ પગથારને પૂછો;
અમારી સાધના માટે તમારા દ્વારને પૂછો.
અરે આ પ્રશ્ન કેવો ? જિગર કેવું અમારું છે,
અમોને શું પૂછો છો? આપની તલવાર ને પૂછો.
અમારાથી તમોને પ્યાર છે એ વાત સાબિત છે,
તમારા આ વદન પરના બધા અણસારને પૂછો.
અમે મઝા માણી કેવી પ્રણય, આંધી, તૂફાનોની
કિનારાથી જઈ આઘે જરા મઝધારને પૂછો.
અમારા પર કરી જુલ્મો તમે પણ ચોટ ખાધી છે,
જઈ દર્પણની સામે આપના દિદારને પૂછો.
તમારા નામની નિશદિન કરી છે સાધના કેવી,
જરા છોડી તમે આ ઉર-વીણાના તાર ને પૂછો.
અમેતો આગ જેવી આગને પોષી છે આ દિલમાં,
સરી જાતી નયનથી ઊની અશ્રુધાર ને પૂછો.
મિલનમાં કે જુદાઈમાં મજા કેવી સમાઈ છે,
કો’ દિપને, પતંગાને , ગુલોને, ખારને પૂછો.
મિલન કેરી ઊતાવળનું મને પૂછો નહિ ‘નાઝિર’
હ્ર્દયની વાત છે માટે હ્ર્દય-ધબકાર ને પૂછો.
-નાઝિર દેખૈયા