એ વાત ખોટી છે.
કવિઓએ કવિતામાં કહી એ વાત ખોટી છે,
મળે ગમમાં જ દિલને જિંદગી, એ વાત ખોટી છે.
પ્રચારક છે બધાયે સત્યનો વેપાર કરનારા,
તમે જે ભરસભામાં સાંભળી એ વાત ખોટી છે.
તમે આંસુ વહાવ્યાં એ તો આ વાતાવરણ કહે છે,
હવાના સૂર વાટે જે મળી એ વાત ખોટી છે.
હિમાલયની આ કન્યા કોઈના શિર પર રહે શાથી?
જટામાંથી જ આ ગંગા સરી છે એ વાત ખોટી છે.
જીવન અર્પણા કરી દીધું છે મેં તો મૂક વાતોમાં,
હ્રુદયની ભેટ મેં તમને ધરી એ વાત ખોટી છે.
ઘમંડે રૂપના તમને ભુલાવ્યાછે , હકીકત છે,
નજર મારી નથી કૈ કરગરી, એ વાત ખોટી છે.
તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા,
છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.
વધુ શું બોલશે ‘મનહર’ જીવનું માપ નાનું છે,
તમે કીધું, ગઝલ તમને ગમી, એ વાત ખોટી છે.
-મનહર ચોકસી