જુદી જિંદગી છે
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સંમદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદા છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદા જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે હો ગાફિલ?
જુવો, બદલે દુનિયા તકાજે તકાજે.
-મનુભાઈ ત્રિવેદી’સરોદ’/’ગાફિલ'(૨૭-૦૭-૧૯૧૪-૦૯-૦૪-૧૯૭૨)
કવિ, ભજનકાર, ગઝલકાર. નામઃ મનુભાઈ ત્રિવેદી, ન્યાયધીશ.
‘રામરસ’સુરતા’ અને ‘બંદગી'(ગઝલસંગ્રહ) જન્મ માણાવદર અને
અવસાન અમદાવાદમાં. ‘સરોદ’ ને નામે કાવ્યો અને ‘ગાફિલ’ નામે ગઝલ.